27 September, 2024 12:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ : માણિકપુરમાં ઘરમાં થયેલી ચોરીનો કેસ ઉકેલવામાં માણિકપુર પોલીસ સ્ટેશનની ક્રાઇમ બ્રાન્ચ-બેની ટીમને સફળતા મળી છે. પોલીસે આ કેસમાં બે આરોપીની ધરપકડ કરી છે. આ ચોરી ફરિયાદી મહિલાએ જ કરી હોવાનું બહાર આવ્યું છે. પતિએ આપેલા પૈસા ખર્ચી નાખ્યા હોવાથી તેણે ઘરમાંથી સોનાના દાગીનાની ચોરીનો પ્લાન બનાવ્યો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.
વસઈ-વેસ્ટના શાસ્ત્રીનગરમાં સંજેરી અપાર્ટમેન્ટમાં ૩૮ વર્ષની નિકહત ખાન નામની મહિલા તેની દીકરી સાથે રહે છે. તેનો પતિ ગલ્ફમાં નોકરી કરે છે. ૯ મેએ અજાણ્યા ચોરોએ તેના ઘરમાં ઘૂસીને સાડાદસ લાખ રૂપિયાના સોનાના દાગીનાની લૂંટ કરી હતી. આ મામલે માણિકપુર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.
આ ઘરમાં થયેલી ચોરીની તપાસ માણિકપુર પોલીસ સાથે સમાંતર ક્રાઇમ બ્રાન્ચ-બેની ટીમ કરી રહી હતી. આ કેસમાં પોલીસે બંગલવાડીમાંથી એક જ્વેલરની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી માહિતી સામે આવી હતી. તપાસમાં ખુલાસો થયો કે ફરિયાદી મહિલાએ ચોરીનો પ્લાન બનાવ્યો હતો. આ અંગે માહિતી આપતાં માણિકપુર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સંપતરાવ પાટીલે જણાવ્યું હતું કે ‘આ મહિલાનો પતિ તેને ખર્ચ માટે ઘણા પૈસા આપતો હતો, પરંતુ આ પૈસા મહિલા દ્વારા ખર્ચ કરી નાખવામાં આવ્યા હતા. તેને ડર હતો કે તેનો પતિ આ પૈસાનો હિસાબ માગશે. એથી તે ડરી ગઈ હતી અને પોતાના જ ઘરમાં ચોરીનો પ્લાન બનાવ્યો હતો. આ માટે તેણે પોતાના જ બિલ્ડિંગમાં રહેતા મિત્રની મદદ લીધી હતી. તેના મિત્રએ એક રીઢા ગુનેગારને ચોરીને અંજામ આપવાનું કહ્યું હતું. માણિકપુર પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી અને ક્રાઇમ બ્રાન્ચની-બેની ટીમે એક આરોપીની ધરપકડ કરી હતી. તેમની તપાસ કર્યા બાદ ચોરીનું આંચકાજનક કારણ સામે આવ્યું હતું. એથી તપાસ બાદ મહિલા સામે કાર્યવાહી કરવામાં આવશે.’