30 January, 2024 12:14 PM IST | Mumbai | Rohit Parikh
લક્ષ્મીચંદ ચરલા, નાગજી રીટા
શ્રી વાગડ વીસા ઓસવાળ ચોવીસી મહાજનની આગામી ૨૦૨૨થી ૨૦૨૭નાં પાંચ વર્ષની ચૂંટણી રવિવાર, ૨૯ મેએ યોજાશે. આ ચૂંટણીના ઉમેદવારો અત્યારે ઘરે-ઘરે તેમના પ્રચારમાં બિઝી છે. એવા સમયે આ સમાજના લોકોમાં ચૂંટણી પછી મતોની ગણતરી સ્કૅનિંગ મશીનને બદલે મૅન્યુઅલી થવી જોઈએ એવી માગણીની ચર્ચાએ જોર પકડ્યું છે. ગઈ ચૂંટણીના પરિણામ પછી આ મહાજનના ભૂતપૂર્વ પ્રમુખ અને એકતા પૅનલનું નેતૃત્વ કરી રહેલા લક્ષ્મીકાંત ચરલાએ સ્કૅનિંગ મશીન દ્વારા થયેલા કાઉન્ટિંગ સામે વિરોધ જાહેર કરીને પરિણામમાં ગરબડ થયાની શંકા દર્શાવી હતી. એ સમયે પણ તેમણે મૅન્યુઅલ કાઉન્ટિંગની માગણી કરી હતી. આ વર્ષે પણ તેમણે આ માગણીને દોહરાવી છે. જોકે ચૂંટણી કમિશનરે સ્પષ્ટ કર્યું છે કે ૨૯ મેએ મતોની ગણતરી સ્કૅનિંગ મશીનથી જ થશે, પ્રૅક્ટિકલી મૅન્યુઅલ કાઉન્ટિંગ સંભવિત નથી.
સ્કૅનિંગ મશીન વિશે શંકા દર્શાવતાં સમાજના ભૂતપૂર્વ પ્રમુખ લક્ષ્મીકાંત ચરલા જેઓ એકતા પૅનલનું નેતૃત્વ કરી રહ્યા છે તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચૂંટણીના મતોની ગણતરી સ્કૅનિંગ મશીનથી કરવી વિશ્વસનીય નથી. આ મશીનથી થયેલી મતોની ગણતરીમાં ગરબડ થવાની પૂરેપૂરી સંભાવના છે. અમે ગઈ ચૂંટણીમાં પણ સ્કૅનિંગ મશીનથી થયેલી ગણતરી સામે શંકા દર્શાવી હતી. આ ચૂંટણી જાહેર થતાં જ અમે ચૂંટણી કમિશનર સાથેની મીટિંગમાં ચૂંટણીના મતોની ગણતરી મૅન્યુઅલ થવી જોઈએ એવી માગણી મૂકી હતી. આ બાબતનો લેખિતમાં પત્ર અમારી પૅનલ તરફથી અમે ચૂંટણી કમિશનરને ચૂંટણીના આગલા દિવસે ૨૮ મેએ આપવાના છીએ.’
સ્કૅનિંગ મશીનથી થયેલી મતોની ગણતરી પ્રત્યે અમને પૂરો વિશ્વાસ છે એમ જણાવતાં અખંડ વાગડ પૅનલના નેતા નાગજી રીટાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી ચૂંટણી પાંચ સ્થળોએ યોજાવાની છે. એમાં અમારા સમાજના અંદાજે ૨૦,૦૦૦થી ૨૫,૦૦૦ લોકો મતદાન કરશે. આટલી મોટી સંખ્યાના મતો મૅન્યુઅલી ગણવામાં લાંબો સમય લાગે અને એની જરૂર નથી. સ્કૅનિંગ મશીનની ગણતરીમાં કોઈ જ ગરબડ થવાના ચાન્સિસ નથી. અમને આ મશીન પર પૂરો વિશ્વાસ છે.’
આ ચૂંટણીના અને ગઈ ચૂંટણીના કમિશનર દામજી બોરીચાએ સ્કૅનિંગ મશીન તરફ ચીંધવામાં આવેલી આંગળી સંદર્ભમાં તેમની સ્પષ્ટતા કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ ચૂંટણી પહેલાં પણ અમે ચૂંટણી લડી રહેલા ઉમેદવારો સામે સ્કૅનિંગ મશીનનો ડેમો દેખાડ્યો હતો. ઉમેદવારોએ બૅલેટ પેપર પર મત આપીને સ્કૅનિંગ મશીનમાં દર્શાવાતા પરિણામનું શાંતિથી નિરીક્ષણ કર્યું હતું. ત્યાર પછી તેમણે અમને સ્કૅનિંગ મશીનથી મતગણતરીની લેખિતમાં મંજૂરી આપી હતી. ત્યાર બાદ જ અમે મતોની ગણતરી સ્કૅનિંગ મશીનથી કરી હતી અને અમને કોઈને એમાં સહેજ પણ ગરબડ દેખાઈ નહોતી. આ ચૂંટણીમાં પણ અમે અમારા બધા જ ઉમેદવારો સમક્ષ સ્કૅનિંગ મશીનથી મતગણતરી કરવાનો ડેમો દેખાડીશું. ત્યાર બાદ તેમની મંજૂરી લઈને જ સ્કૅનિંગ મશીનથી મતગણતરી કરવામાં આવશે. અમારા અનુભવ પ્રમાણે સ્કૅનિંગ મશીનથી મતોની ગણતરીમાં કોઈ જ ગરબડની સંભાવના નથી એટલે મતગણતરી તો સ્કૅનિંગ મશીનથી જ કરવામાં આવશે.’