18 August, 2023 01:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રક્ષાબંધન કરવા જઈ રહેલા પરિવારનો વસઈ-ભિવંડીના કામન રોડ પર ખાડામાં બાઇક જતાં અકસ્માત થયો હતો. એમાં ૨૦ વર્ષની સુશીલા ગોરે અને તેની દોઢ જ વર્ષની દીકરી વૈભવી ગંભીર રીતે ઘાયલ થયાં હતાં, જ્યારે ૨૬ વર્ષના સંદેશ ગોરેને મામૂલી ઈજા થઈ છે. વસઈ-ભિવંડી રોડ પર રસ્તા પર પડેલા ખાડાને કારણે અવારનવાર અકસ્માત થાય છે. આ બાબતે ઘણી વાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ન લેવાતાં હોવાનો આક્ષેપ ગ્રામવાસીઓએ કર્યો છે.
વસઈના કામનમાં રહેતો સંદેશ ગોરે, પત્ની સુશીલા અને દીકરી વૈભવી વસઈ-ભિવંડી રોડ પર પાયે બ્રાહ્મનપાડામાં રહેતા સુશીલાના ભાઈને રાખડી બાંધવા માટે જઈ રહ્યાં હતાં ત્યારે બપોરે એક વાગ્યે તેઓ પાયે નાકા પર પહોંચ્યાં હતાં. એ વખતે તેમની બાઇક મોટા ખાડામાં જતાં અકસ્માત થયો હતો અને તેઓ ત્રણે રોડ પર પટકાયાં હતાં. એમાં સુશીલા અને તેની દીકરી વૈભવીને માથામાં, કમરમાં, હાથ-પગમાં ગંભીર ઈજા થઈ છે, જ્યારે સંદેશને કેટલીક મામૂલી ઈજા થઈ છે.
અકસ્માત થતાં જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. સુશીલા અને તેની દીકરીને ભિવંડીના અંજુરફાટા પાસે આવેલી સ્પેક્ટ્રમ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયાં છે.