28 March, 2023 11:34 AM IST | Kulgam | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જમ્મુ-કાશ્મીરમાં હિન્દુઓને ટાર્ગેટ બનાવીને વધુ એક હત્યા કરવામાં આવી છે. કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓએ ગઈ કાલે એક હિન્દુ મહિલા સ્કૂલ ટીચરની ગોળી મારીને હત્યા કરી હતી. ૩૬ વર્ષની રજની બાલા જમ્મુ પ્રદેશમાં સાંબાની નિવાસી હતી. કુલગામના ગોપાલપોરા વિસ્તારમાં આતંકવાદીઓએ ગોળી મારતાં તેને ગંભીર ઈજા થઈ હતી, જ્યાં તે ટીચર તરીકે કામ કરતી હતી.
સ્થાનિક સૂત્રો અનુસાર આતંકવાદીઓએ સ્કૂલમાં ઘૂસીને સૌથી પહેલાં આ ટીચરને તેનું નામ પૂછ્યું હતું અને એ પછી તેને ગોળી મારી હતી.
આ હુમલામાં તેને ગંભીર ઈજા થઈ હતી અને તરત હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડૉક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ હત્યા કરનારા આતંકવાદીઓની ટૂંક સમયમાં ઓળખ કરીને તેમને ઠાર મારવામાં આવશે. ગોપાલપોરા એરિયામાં એક હાઈ સ્કૂલમાં આ ઘટના બની હતી. એ એરિયાને ઘેરી લેવામાં આવ્યો છે. આ ટીચરનો પરિવાર ૧૯૯૦ના દસકમાં હિંસા બાદ કાશ્મીરમાંથી પલાયન થઈ ગયો હતો. તેને પીએમ સ્પેશ્યલ એમ્પ્લૉયમેન્ટ પૅકેજ હેઠળ કાશ્મીરમાં નોકરી આપવામાં આવી હતી.
આ હત્યા બાદ આ વિસ્તારમાં આર્મી, જમ્મુ-કાશ્મીર પોલીસનું સ્પેશ્યલ ઑપરેશન ગ્રુપ અને સીઆરપીએફના જવાનોએ વ્યાપકપણે આ હત્યા કરનારા આતંકવાદીઓને શોધવા માટે એક અભિયાન શરૂ કરી દીધું છે.
રાહુલ ભટની હત્યાની યાદ અપાવી
તાજેતરમાં જ કાશ્મીરના બડગામ જિલ્લામાં સરકારી-કર્મચારી રાહુલ ભટની તેની ઑફિસમાં આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. તેને ૨૦૧૦-’૧૧માં વિસ્થાપિતો માટેના સ્પેશ્યલ એમ્પ્લૉયમેન્ટ પૅકેજ હેઠળ ક્લાર્કની નોકરી મળી હતી. તેની હત્યા બાદ કાશ્મીરી પંડિતોએ ઉગ્ર વિરોધ-પ્રદર્શન કર્યાં હતાં. પોલીસે જણાવ્યું હતું કે લશ્કર-એ-તય્યબાના આતંકવાદીઓએ આ હુમલો કર્યો હતો. આ મહિનામાં કાશ્મીરમાં આ સાતમી ટાર્ગેટેડ હત્યા છે, જેમાંથી ત્રણ પીડિત પોલીસ હતા, જ્યારે ચાર નાગરિકો હતા.