ધાર્મિક કારણસર પિરિયડ્સ ડિલે કરવા માટે શું કરવું?

28 March, 2023 11:36 AM IST  |  Mumbai | Dr. Jayesh Sheth

મારી જેઠાણી તો છાશવારે આની દવા લે છે, પણ તેમને કંઈ તકલીફ નથી થતી. આ પ્રકારે દવાથી માસિક આગળ-પાછળ કરવાનું યોગ્ય છે? આડઅસર ન થાય એ માટે ક્યારે દવા લેવી જોઈએ?

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૩૧ વર્ષ છે. હમણાં લગ્નગાળો ચાલે છે અને નજીકના પરિવારમાંથી જ બે લગ્નો છે જેમાં મારે વિધિમાં બેસવાનું છે. એવામાં પિરિયડ્સની તારીખ નડે છે. આ પહેલાં મેં જ્યારે ફ્રેન્ડને પૂછીને પિરિયડ ડિલે કરવાની દવા લીધેલી ત્યારે ફિયાસ્કો થયેલો. હવે આ વખતે એવું ન થાય એ માટે શું કરવું? મારી જેઠાણી તો છાશવારે આની દવા લે છે, પણ તેમને કંઈ તકલીફ નથી થતી. આ પ્રકારે દવાથી માસિક આગળ-પાછળ કરવાનું યોગ્ય છે? આડઅસર ન થાય એ માટે ક્યારે દવા લેવી જોઈએ?
 
આપણા ધર્મમાં પિરિયડ્સને અપવિત્ર ગણવામાં આવે છે, પણ મેડિકલ સાયન્સ સમજવામાં આવે તો એમાં કશું જ અ‌પવિત્ર જેવું નથી, પણ આપણે વર્ષોથી ચાલી આવતી આ માન્યતા ચેન્જ નથી કરી શક્યા એટલે ઘણી બહેનો માંગલિક પ્રસંગો કે યાત્રા દરમ્યાન પિરિયડ્સ પોસ્ટપોન કે પ્રી-પોન્ડ કરવા માટે મથતી હોય છે. 
એવું જોવા મળ્યું છે કે વર્ષે એકાદ વાર પિરિયડ સાઇકલ સાથે આવી છેડછાડ થાય તો ચાલે, પણ દર બીજા કે ત્રીજા મહિને તમે માસિકને તમારી સહુલિયત મુજબ આગળ-પાછળ કરવાનો પ્રયોગ કરો તો એ તમારી હૉર્મોનલ સાઇકલને ડિસ્ટર્બ કરે છે. બીજું, જ્યારે પણ તમારી નૅચરલ સાઇકલના ટાઇમિંગને છેડવો હોય તો એ માટે ગાયનેકોલૉજિસ્ટ કે ફૅમિલી ડૉક્ટરની સલાહને અનુસરવી જરૂરી છે. તમારી સાઇકલ કેટલા દિવસની છે, તમને પીસીઓડી કે અન્ય કોઈ તકલીફ છે કે નહીં એ બધું વિચારીને શું યોગ્ય રહેશે એ નક્કી કરવું જોઈએ. એ માટે ઓછામાં ઓછાં ત્રણ વીક પહેલાંથી તૈયારી કરવી. 
સામાન્ય રીતે જો માસિકને તમારે ૧૫-૨૦ દિવસ જેટલું ડિલે કરવું હોય તો બર્થ કન્ટ્રોલ પિલ લેવાનું બહેતર છે. પણ જો તમારે માત્ર ત્રણથી પાંચ દિવસ જેટલું જ માસિક ડિલે કરવું હોય તો પ્રોજેસ્ટરોન હૉર્મોન્સની પિલ આવે છે એ લઈ શકાય. એ તમારી નિયમિત માસિકની તારીખના ત્રણ દિવસ પહેલાં લેવાની અને જ્યાં સુધી તમે ડિલે કરવા માગો છો ત્યાં સુધી લેવાની. આ દવા છોડ્યાના ચાર-છ કલાકથી લઈને બે-ત્રણ દિવસમાં માસિક આવી જાય છે. 
ઘણી વાર ડિલે થયા પછીની પહેલી સાઇકલમાં હેવી બ્લીડિંગ થાય એવું બને. તો ક્યારેક બીજી સાઇકલ વહેલી આવી જાય એવું પણ બને. જોકે ત્રીજા મહિનાથી પાછું રૂટીન સેટ થઈ જાય છે. 

health tips columnists