28 March, 2023 11:44 AM IST | Ahmedabad | Shailesh Nayak
પ્રતીકાત્મક તસવીર
ગુજરાત કૉન્ગેસના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકીના પારિવારિક ઝઘડાના વિવાદની વિડિયો-ક્લિપ ગઈ કાલે વાઇરલ થઈ હતી, જેણે ખાસ્સી ચર્ચા જગાવી છે. ભરતસિંહ સોલંકી ઘરમાં અન્ય યુવતી સાથે હોવાનો ભાંડો તેમનાં પત્નીએ ફોડ્યો હતો અને પત્ની એ યુવતી પર ગુસ્સે થઈ હોવાનું વાઇરલ થયેલા વિડિયોમાં જોવા મળે છે, એટલું જ નહીં, વારેઘડીએ થતા વિવાદથી ગુજરાત કૉન્ગેસ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગઈ છે અને કૉન્ગેસનાં હાઈ કમાન્ડ સુધી ભરતસિંહ સોલંકીની ફરિયાદ થઈ છે. મધ્ય ગુજરાતમાં બોરસદમાં આવેલી આશ્રય સોસાયટીમાં ગઈ કાલે રાતે સાડાદસ વાગ્યે આ ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વાઇરલ થયેલા વિડિયોમાં ભરતસિંહ સોલંકીનાં પત્ની રેશમા પટેલ ઘરનો દરવાજો ખોલતાં જણાય છે અને દરવાજો ખૂલતાં સામે ઊભેલી યુવતી તેમને જોઈને હેબતાઈ જાય છે. એ વખતે ભરતસિંહ સોલંકી આવતાં પત્ની તેમની ફેંટ પકડે છે અને બન્ને વચ્ચે શાબ્દિક ટપાટપી થાય છે. એ દરમ્યાન ભરતસિંહ સોલંકી ‘પોલીસ બોલાવો’ એવી બૂમ પાડતા જણાય છે. ભરતસિંહ સોલંકીનાં પત્ની સાથે અન્ય કેટલાક લોકો પણ હોવાનું જણાય છે, જેઓ ઘટનાનો અને યુવતીનો વિડિયો ઉતારી રહ્યા હોવાનું દેખાય છે.
ભરતસિંહ સોલંકીના ઘરમાંથી યુવતી મળી આવી હોવાની વિડિયો-ક્લિપ વાઇરલ થતાં હોબાળો મચી ગયો છે.