28 March, 2023 11:44 AM IST | Mumbai | Mehul Jethva
ફાઇલ તસવીર
રેલવે ટ્રૅક ક્રૉસ કરતી વખતે જો કોઈ વ્યક્તિનો અકસ્માત થાય તો તે પોતે જ એના માટે જવાબદાર છે અને એના આધારે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)એ વ્યક્તિ સામે ૩૦૪ કલમ હેઠળ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (એફઆઇઆર) નોંધવાનું શરૂ કર્યું છે. મોટા ભાગના કેસમાં જે-તે વ્યક્તિ મૃત્યુ પામતી હોવાથી ત્યાર બાદ તેમના પરિવારજનો રેલવે પાસેથી વળતર માગતા હોવાથી એ ન મળે એ માટે આ પ્રક્રિયા ખાસ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસનું કહેવું છે.
મુંબઈ રેલવેમાં છેલ્લાં ત્રણ વર્ષમાં રેલવે અકસ્માતમાં ૫૫૫૯ લોકોનાં મૃત્યુ થયાં છે. એમાંના આશરે ૮૩ ટકા લોકોનાં મૃત્યુ રેલવે ટ્રૅક ક્રૉસ કરતી વખતે થયાં હોવાનું ધ્યાનમાં આવ્યું છે. રેલવેના કાયદા પ્રમાણે જે કોઈ વ્યક્તિ રેલવેની બેદરકારીથી મૃત્યુ પામી હોય તો તેના પરિવારજનોને રેલવે ટ્રિબ્યુનલમાં અપીલ કર્યા પછી વળતર આપવામાં આવતું હોય છે. એમાં રેલવે અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિઓ પણ સામેલ હોય છે. જોકે છેલ્લાં ત્રણ વર્ષમાં રેલવે દ્વારા જણાવવામાં આવ્યા પ્રમાણે મોટા પ્રમાણમાં લોકો રેલવે ટ્રૅક ક્રૉસ કરતી વખતે મૃત્યુ પામતા હોય છે જેમાં રેલવેની કોઈ ભૂલ હોતી નથી. આવા લોકો પણ રેલવે ટ્રિબ્યુનલ પાસે વળતરની માગણી કરતા હોવાનું જાણવા મળતાં મુંબઈ જીઆરપીએ રેલવે ટ્રૅક ક્રૉસ કરતી વખતે મૃત્યુ પામનાર વ્યક્તિ જ પોતાના મૃત્યુ માટે જવાબદાર હોવાનું સમજીને તેની સામે કલમ ૩૦૪ હેઠળ ગુનો નોંધવાની શરૂઆત કરી દીધી છે. છેલ્લા ૨૦ દિવસમાં રેલવે પોલીસે ૨૩ કેસમાં કલમ ૩૦૪ હેઠળ એફઆઇઆર નોંધ્યો છે.
મુંબઈ જીઆરપીના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રેલવેમાં મૃત્યુના કિસ્સામાં વળતરનો નિર્ણય રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલ દ્વારા નક્કી કરવામાં આવે છે. જીઆરપી દ્વારા તૈયાર કરાયેલા અકસ્માતના કારણ સાથેનો અકસ્માત મૃત્યુ અહેવાલ (એડીઆર) પોલીસ તરફથી તૈયાર કરવામાં આવતો હોય છે જે વળતર મેળવવામાં મૃત વ્યક્તિના પરિવારને મદદ કરે છે. હવે જીઆરપી તરફથી ટ્રૅક ઓળંગવા બદલ મૃત વ્યક્તિ સામે એફઆઇઆર દાખલ કરવાનો અર્થ એ થશે કે તેના પરિવારને કોઈ વળતર મળશે નહીં.’
જીઆરપીના કમિશનર કૈસર ખાલિદે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે લોકો ટ્રૅક ક્રૉસ કરતી વખતે મૃત્યુ પામતા હોય છે તેઓ પોતાના મૃત્યુ માટે પોતે જ જવાબદાર છે એમ માનીને તેમની સામે કલમ ૩૦૪ હેઠળ એફઆઇઆર નોંધવાની શરૂઆત જીઆરપીએ કરી છે. એફઆઇઆર નોંધવા પહેલાં તે વ્યક્તિ કેવી રીતે મૃત્યુ પામી છે એની ચોક્કસ માહિતી મેળવ્યા પછી જ એફઆઇઆર નોંધવામાં આવશે.’