28 March, 2023 11:41 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્લાસરૂમ ઑન વ્હીલ્સ : તિરુવનંતપુરમમાં ગઈ કાલે નવા શૈક્ષણિક સેશનના પહેલા દિવસે મનકૌડ સરકારી લોઅર પ્રાઇમરી સ્કૂલમાં હાઈ ટેક ક્લાસરૂમમાં કન્વર્ટ કરવામાં આવેલી બસમાં બાળકો. આ નવા ક્લાસરૂમમાં બાળકોને મજા પડી હતી. તેમના માટે ખાસ મુગટ પણ બનાવવામાં આવ્યો હતો.
ફર્રુખાબાદ : ઉત્તર પ્રદેશમાં ઓસામા બિન લાદેનના પ્રશંસક એવા સરકારી પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીના એક ઑફિસરને ગઈ કાલે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આ અધિકારીની ઑફિસમાં ઓસામા બિન લાદેનનો ફોટો મુકાયો હતો, એટલું જ નહીં, તેણે અલ-કાયદાના આ આતંકવાદીના ફોટોની નીચે લખ્યું હતું, ‘રિસ્પેક્ટેડ ઓસામા બિન લાદેન, દુનિયાનો બેસ્ટ જુનિયર એન્જિનિયર’. અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘દક્ષિણાંચલ વિદ્યુત વિતરણ નિગમ લિમિટેડના સબ ડિવિઝનલ ઑફિસર રવીન્દ્ર પ્રકાશ ગૌતમે તેમની ઑફિસમાં લાદેનનો ફોટો મૂક્યો હતો. મેસેજ સાથે લાદેનની તસવીર સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા બાદ સિનિયર જિલ્લા અધિકારીઓએ આ બાબતની નોંધ લીધી હતી અને આ સબ-ડિવિઝનલ ઑફિસરને સસ્પેન્ડ કર્યો હતો. તેમની ઑફિસમાંથી લાદેનની તસવીર પણ હટાવવામાં આવી છે. જોકે ગૌતમે પોતાનો બચાવ કરતાં કહ્યું હતું કે ‘આદર્શ કોઈ પણ હોઈ શકે છે. ઓસામા દુનિયાનો બેસ્ટ જુનિયર એન્જિનિયર હતો. એ તસવીર ભલે હટાવવામાં આવી, મારી પાસે એની અનેક કૉપી છે.’
લખનઉ : ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અયોધ્યા અને મથુરામાં મંદિરોની આસપાસના વિસ્તારોમાં દારૂના વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે. આ મંદિરોમાં અયોધ્યામાં રામમંદિર અને મથુરામાં શ્રીકૃષ્ણજન્મભૂમિ સ્થળ પણ સામેલ છે. રાજ્ય સરકારે અયોધ્યામાં દારૂની દુકાનોના માલિકોનાં લાઇસન્સ પણ રદ કર્યાં હતાં. આ આદેશ ગઈ કાલથી જ તાત્કાલિક અમલમાં આવ્યો હતો. સરકારે મથુરામાં મંદિરોની આસપાસ બિયર, આલ્કોહૉલ અને ભાંગની ૩૭ દુકાનો બંધ કરવાનો આદેશ આપ્યો હતો. રાજ્ય સરકારે વેપારીઓને મથુરામાં દૂધ વેચવાનું સજેશન આપ્યું હતું, જેથી મથુરામાં દૂધ ઉત્પાદનને વેગ આપી શકાય.
નવી દિલ્હી : ભારતમાં વિવો મોબાઇલ કમ્યુનિકેશન્સ અને ઝેડટીઈ કૉર્પના લોકલ યુનિટ્સની વિરુદ્ધ નાણાકીય ગેરરીતિ બદલ તપાસ કરવામાં આવી રહી છે. શાઓમી કૉર્પ બાદ વધુ ચાઇનીઝ કંપનીઓની વિરુદ્ધ તપાસ થઈ રહી છે. કૉર્પોરેટ બાબતોનું મંત્રાલય આ કંપનીઓના ઑડિટ રિપોર્ટ્સની ચકાસણી કરશે. આ મંત્રાલયને મળેલી માહિતી અનુસાર આ કંપનીઓએ છેતરપિંડી સહિતના નિયમોનો ભંગ કર્યો હોવાની શક્યતા છે. વિવોના કેસમાં તો એપ્રિલમાં જ તપાસ કરવાની માગણી થઈ હતી કે આ કંપનીના લોકલ યુનિટ્સની માલિકી અને નાણાકીય દસ્તાવેજોમાં નોંધપાત્ર ગેરરીતિ છે કે નહીં. ભારત ૨૦૨૦થી જ ચાઇનીઝ કંપનીઓની વિરુદ્ધ ઍક્શન લઈ રહ્યું છે. આ મહિનામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે ફૉરેન એક્સચેન્જના કાયદાના ભંગના આરોપસર શાઓમી ટેક્નૉલૉજી ઇન્ડિયાનાં બૅન્ક અકાઉન્ટ્સનો કન્ટ્રોલ લઈ લીધો હતો. જોકે બાદમાં એક કોર્ટ આદેશના પગલે આ નિર્ણયને મોકૂફ રાખવામાં આવ્યો હતો.
મૉસ્કોઃ અમેરિકા અને યુરોપિયન દેશો યુક્રેનને શસ્ત્ર સહાય કરી રહ્યા છે. જોકે હવે રશિયા એને પોતાની વિરુદ્ધ સીધું યુદ્ધ ગણી રહ્યું છે. અમેરિકાએ ઍડ્વાન્સ્ડ મિસાઇલ સિસ્ટમ્સ સહિત નવાં અમેરિકન હથિયારો યુક્રેનને આપવાનું પ્લાનિંગ કર્યું છે. રશિયાએ ગઈ કાલે એના વિશે જણાવ્યું હતું કે એનાથી અમેરિકા અને રશિયા વચ્ચે સીધી લડાઈ થવાનું જોખમ વધી જાય છે. રશિયાના નાયબ વિદેશ પ્રધાન સર્ગેઈ રીબકોવને રશિયા અને અમેરિકા વચ્ચે ઘર્ષણ થવાની શક્યતા વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ‘યુક્રેનને સતત હથિયારો સપ્લાય કરવામાં આવતાં રહેશે, એમાં વધારો થઈ રહ્યો છે. એનાથી આવા ઘટનાક્રમનું જોખમ વધી જાય છે.’અમેરિકાએ મંગળવારે જણાવ્યું હતું કે એ હાઈ મોબિલિટી આર્ટિલરી રૉકેટ સિસ્ટમ્સ (એચઆઇએમએઆરએસ મલ્ટિપલ-લૉન્ચ રૉકેટ સિસ્ટમ) સહિત ઍડ્વાન્સ્ડ મિસાઇલ સિસ્ટમ્સ યુક્રેનને આપશે. એચઆઇએમએઆરએસ મલ્ટિપલ-લૉન્ચ રૉકેટ સિસ્ટમની રેન્જ અને ચોકસાઈ વધારે છે.