28 March, 2023 11:34 AM IST | Ahmedabad | Shailesh Nayak
હાર્દિક પટેલ
કૉન્ગ્રેસને રામ-રામ કરનાર હાર્દિક પટેલ હવે આવતી કાલે બીજેપીનો ખેસ અને ટોપી પહેરશે. ‘કોઈ પણ પક્ષમાં જોડાઈશ તો ડંકાની ચોટ પર કહીશ’ એવું જાહેરમાં બોલનાર હાર્દિક પટેલની બીજેપીમાં જોડાવાની જાહેરાત ખુદ બીજેપીના નેતાએ ગઈ કાલે કરી હતી. આ જાહેરાતના પગલે પાટીદાર આંદોલનના સાથીદાર લાલજી પટેલે આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘હાર્દિક પટેલ પોતાના સ્વાર્થ માટે પાર્ટી બદલે છે. સત્તા સામેની લડાઈમાં હાર્દિક પટેલ હારી ગયા.’
ગુજરાત બીજેપીના નેતા ભરત ડાંગરે ગઈ કાલે મીડિયાને કહ્યું હતું કે ‘હાર્દિક પટેલ બીજી જૂને બપોરે ૧૨ વાગ્યે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પક્ષમાં જોડાશે. ગુજરાત બીજેપીના અધ્યક્ષ સી. આર. પાટીલ અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ હાજર રહેશે. બીજેપીની વિચારધારા સાથે જનસેવા અને રાષ્ટ્રસેવાના ભાવથી એ જોડાઈ રહ્યા છે.’
હાર્દિક પટેલ બીજેપીમાં જોડાવાના હોવાની જાહેરાત થયા બાદ એસપીજી ગ્રુપના લાલજી પટેલે ‘મિડ ડે’ સમક્ષ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસમાં ગયા પછી જ્યારે બીજેપીમાં જવાની વાત હોય એટલે સમાજ સમજી જ ગયો છે કે પોતાને કંઈ ન મળ્યું એટલે કૉન્ગ્રેસ છોડીને તમે બીજેપીમાં જઈ રહ્યા છો. બધાને ખબર પડે છે પોતાના સ્વાર્થ માટે પાર્ટી બદલો છો. કાલે બીજેપી અન્યાય કરશે એટલે બીજી પાર્ટી જૉઇન્ટ કરશો. એટલે બધાને ખબર પડી પોતાના સ્વાર્થ માટે કરી રહ્યા છે, સમાજ માટે નથી કરી રહ્યા. મુખ્ય બે મુદ્દાઓ હતા એ ઠેરના ઠેર છે. અમારા બે મુદ્દા છે કે જે ૧૪ પાટીદાર યુવાનો મૃત્યુ પામ્યા તેમના પરિવારને સરકારી કે અર્ધસરકારી નોકરી આપો અને પાટીદારો પર થયેલા કેસ બાકી છે એ પરત ખેંચો. હાર્દિક પટેલ બીજેપીમાં જાય છે તો આ બાબત ક્લિયર કરીને જવું જોઈએ. બાકી તો બીજેપીમાં જાય કે કૉન્ગ્રેસમાં જાય અમને કોઈ ફેર નથી પડતો.’
હાર્દિક પટેલના બીજેપી પ્રવેશ વિશે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ, બીજેપીના સિદ્ધાંતો અને બીજેપીના માધ્યમથી પ્રજાની-સમાજની સેવા કરવી છે એવા તમામ ઉત્સાહીઓને બીજેપી હંમેશાં આવકારે છે.’
પાટીદાર અનામત આંદોલનના સાથીદાર દિનેશ બાંભણિયાએ કહ્યું હતું કે ‘હાર્દિક બીજેપીમાં જોડાઈ રહ્યા છે. તેમને શુભેચ્છા આપું છું પરંતુ પાટીદાર સમાજના પડતર પ્રશ્નો છે એની સ્પષ્ટતા બીજેપી સાથે પ્રથમ દરજ્જે કરવામાં આવે અને જલદીથી ઉકેલ કરવામાં આવે એવી સમાજના લોકો વતી લાગણી અને અપેક્ષા રાખું છું.’
રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન કે દોસ્ત હોતા નથી
ગુજરાતમાં પાટીદાર આંદોલનથી ચહેરો બનેલા યુવા નેતા હાર્દિક પટેલના બીજેપીમાં જોડાવાની જાહેરાતને લઈને એ વાત સ્પષ્ટ બની છે કે રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન કે દોસ્ત હોતું નથી. કેમ કે બીજેપીને બદનામ કરવામાં કંઈ બાકી નહીં રાખનાર હાર્દિક પટેલને બીજેપીમાં સામેલ કરવા માટે પક્ષ તૈયાર થયો છે.