જર્મનીની આ મહિલા છે ટૉય પ્લેન સાથે રિલેશનશિપમાં

28 March, 2023 11:41 AM IST  |  Dortmund | Gujarati Mid-day Correspondent

સારાહ જ્યાં પણ જાય ત્યાં પોતાની સાથે ડિક્કી પ્લેનનું મૉડલ લઈને જ જાય છે અને રાતે સૂતા સમયે પણ તે એને પોતાની પાસે જ રાખે છે

સારાહ રોડો

જર્મનીના શહેર ડોર્ટમન્ડની રહેવાસી સારાહ રોડો ‘ઑબ્જેક્ટમ સેક્સ્યુઅલ’ છે. ‘ઑબ્જેક્ટમ સેક્સ્યુઅલ’નો અર્થ એવો છે કે આવી વ્યક્તિને કોઈ અન્ય વ્યક્તિ નહીં, પણ અચેતન વસ્તુ જાતીય રીતે આકર્ષિત કરે છે. સારાહ રોડો પણ આવી જ મહિલા છે અને ડિક્કી નામનું ટૉય પ્લેન તેને જાતીય રીતે આકર્ષે છે. સારાહ તો ડિક્કીને પોતાનો બૉયફ્રેન્ડ ગણાવે છે.

સારાહે ભૂતકાળમાં યુવકો સાથે ડેટિંગ કર્યું હતું, પરંતુ તેનું કહેવું છે કે તેમના પ્રત્યે પોતે આકર્ષણ કે આવેગ અનુભવી શકતી નથી. સારાહ જ્યારે ટીનેજર હતી એટલે કે માત્ર ૧૪ વર્ષની હતી ત્યારે તેણે આ બાબતની નોંધ લીધી હતી. ટૉય પ્લેન પહેલાં તેને હાઇ-સ્પીડ ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ ટ્રેનના ગ્રુપની મનાતી ટ્રેન ‘આઇસ ૩’ માટે આકર્ષણ હતું. પોતાને અચેતન ચીજો જ આકર્ષિત કરે છે એ પારખવા માટે તેણે બે વ્યક્તિ સાથે સંબંધ રાખ્યો હતો, પરંતુ ટૂંક સમયમાં જ તેને સમજાયું કે તે તેને માટે કોઈ ભાવના અનુભવતી નથી.

સારાહ જ્યાં પણ જાય ત્યાં પોતાની સાથે ડિક્કી પ્લેનનું મૉડલ લઈને જ જાય છે અને રાતે સૂતા સમયે પણ તે એને પોતાની પાસે જ રાખે છે. તેનું કહેવું છે કે આમ કરવાથી તેને સુ‌રક્ષિતતાનો અનુભવ થાય છે. તે ટૉય પ્લેનથી એટલી બધી આત્મીય છે કે તેણે પોતાની બાજુઓ પર પ્લેનનાં બે ટૅટૂ પણ ચીતરાવ્યાં છે. 

પ્લેન પ્રત્યેના આકર્ષણને કારણે તે વારંવાર પ્લેનની મુસાફરી કરે છે. તેના આ આકર્ષણને ઘણા લોકો સમજી નથી શકતા એમ કહીને સારાહે ઉમેર્યું કે મારો મિત્ર મારી લાગણીને સમજી શકે છે અને મને પ્રોત્સાહિત પણ કરે છે. સારાહ પ્લેન સાથે લગ્ન કરવા માગે છે, પણ જર્મનીમાં એના પર પ્રતિબંધ છે. 

offbeat news international news germany