28 March, 2023 12:46 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય - કેકે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ
ગાયક કેકેના આક્સ્મિક નિધનના સમાચારને પગલે લોકોને એવો ધક્કો પહોંચ્યો છે કે જાણે બધાના હ્રદયમાંથી એક જ સ્વરે કેકેનું જ ગાયેલું “અલવિદા” ગીત ગવાઇ રહ્યું હોય. કેકેના અવાજ સાથે, તેણે ગાયેલા ગીતો સાથે એક આખી પેઢી જુવાન થઇ છે. કેકેના અવાજ પર કાયલ થયેલા હોય તેવા તો કેટલાય લોકો છે. પરંતુ શું તમે જાણો છો કે ગીતકાર – દિગ્દર્શક ગુલઝાર પણ કેકેના અવાજથી મંત્રમુગ્ધ થઇ ગયા હતા?
ગુલઝાર જેમનો પોતાનો અવાજ પણ એવો છે કે સામે વાળાનું હૈયું ઝડપથી ધડકવા માંડે તેમણે જ્યારે કેકેના અવાજમાં પોતાની ફિલ્મ માચીસનુ ગીત સાંભળ્યું ત્યારે તેમના ચહેરા પરના હાવભાવ જ કેકે પ્રત્યેનો તેમનો અહોભાવ વ્યક્ત કરવા માટે પુરતાં છે. ડાયરેક્ટ સ્રિજીત મુખર્જીએ આ વીડિયો પોતાના સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે.
માચીસ ફિલ્મનું એક અદ્ભૂત ગીત છે, “છોડ આયે હમ વો ગલિયાં...” આમ તો આ ગીત કેકે, સુરેશ વાડકર, હરિહરન અને વિનોદ સહેગલ એમ ચાર ગાયકોએ ગાયું છે પણ આ વીડિયોમાં કેકે એક સ્ટુડિયોમાં આ ગીત ગાઇ રહ્યા છે. સ્ટુડિયો ગ્લાસની પેલે પાર બેસીને ગુલઝાર તેના એક એક સૂર પર પ્રતિભાવ આપે છે. કેકે જે રીતે સ્વર લગાડે છે તે જોઇને ગુલઝારના ચહેરા પર આહ અને વાહ બંન્ને વર્તાય છે. એ ગીતના શબ્દો પણ એવા છે કે હાલના સંજોગોમાં કેકેને એ ગાતા જોઇએ તો ભલભલાના રૂંવાડા ખડા થઇ જાય.
ઓપરેશન બ્લુસ્ટાર પછી આતંકવાદમાં સપડાતા યુવાનોની આ કથા કમકમાટી કરાવે તેવી છે. ગુલઝારનું ડાયરેક્શન, વિશાલ ભારદ્વાજનું સંગીત હોય અને તેમાં કેકેનો અવાજ ભળે એટલે પછી લાગણીઓનું ઘોડાપુર જ ઉમટે. આ વીડિયો જોયા પછી તમારા મ્હોંએ પણ આ જ ગીત ગુંજ્યા કરશે, "છોડ આયે હમ વો ગલિયાં...." તાર સપ્તકમાં સુર લગાડતા કેકેની તસવીર આંખો સામેથી ખસશે નહીં અને ગુલઝારના પ્રતિભાવ જોવા માટે તમારે આંખો લુછવી પડશે કારણકે ઝળઝળિયાં તો ચોક્કસ આવશે જ.