21 July, 2021 05:48 PM IST | mumbai | Nirali Kalani
અભિષેક દ્વિવેદીએ ત્રણ દિવસમાં ઈ બાઈક પર લદાખની યાત્રા કરી બનાવ્યો રેકોર્ડ
મોટરસાયકલ કે બુલેટ પર લેહ લદાખની યાત્રા કરતા અનેક લોકો વિશે તમે સાંભળ્યું હશે. પરંતુ સ્કૂટર પર પણ લેહ લદાખની સફર કરી શકાય તે અભિષેક દ્વિવેદીએ સાબિત કર્યુ છે, એ પણ ઈલેકટ્રોનિક બાઈક પર. જો કે આ મુસાફરીમાં અનેક પડકારોનો સામનો કરવો પડે છે. ઈ-વીઝના કો-ફાઉન્ડર અભિષેક દ્વિવેદીએ ઈ બાઈક પર મનાલીથી લેહ લદાખની યાત્રા કરી રેકોર્ડ બનાવ્યો છે. ઈ બાઈક પર આવી સફર કરનાર અભિષેક પ્રથમ વ્યકિત છે. જે અંગે તેમણે મિડ- ડે ગુજરાતી ડૉટ કોમ સાથે ખાસ વાતચીત કરી જણાવ્યું કે કઇ રીતે તેમણે આ અચીવ કર્યું અને તેમને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
ઈ બાઈક પર મનાલીથી લેહ લદાખની યાત્રા
ઈ બાઈક પર કરેલી સફરની વાત શરૂ કરતા અભિષેક દ્વિવેદીએ કહ્યું કે, પરંપરાગત આઇસી એન્જિનથી ચાલતા વાહનોના વિકલ્પ તરીકે વિશ્વ ઇલેક્ટ્રિક વાહનો તરફ આગળ વધી રહ્યું છે. આ વાહનોનું ટકાઉપણું અને પડકારજનક રસ્તા ધરાવતાં પ્રદેશોમાં તેમની કામગીરી વિશે સતત ચર્ચા થઈ રહી છે. અમારા આ વાહનોનું અમારે વિશ્વના સૌથી મુશ્કેલ માર્ગોમાં પરીક્ષણ કરવું હતું. આ માર્ગ તમામ પ્રકારના પડકારોથી ભરેલા છે, જે કોઈપણ મોટર ઉત્સાહી પોતાને અને તેમના મશીનની ક્ષમતા આ માર્ગ દ્વારા ચકાસી શકે છે. વાહનનું ટકાઉપણું, કઠિનતા અને સૌથી અગત્યની રેન્જની ચિંતાઓ અથવા તેનાથી ચાર્જિંગ ઇન્ફ્રા આવશ્યકતાને સાબિત કરવાની આનાથી વધુ સારી કઈ રીત હોય શકે.
વાહનની પસંદગી વિશે વાત કરતાં અભિષેક દ્વિવેદીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ ને જણાવ્યું કે, અમે અમારા ધીમી સ્પીડવાળા વાહનો છે તેમાંથી આ વાહનની ટ્રીપ માટે પસંદગી કરી. અમે બધી મોટી હાયપરલોકલ અથવા ઇકોમર્સ કંપનીઓ માટે ડિલિવરી એક્ઝિક્યુટિવ્સને ઇ-વીઝ પર ભાડે આપીએ છીએ. મનાલીથી લેહના માર્ગ પર લઈ જઇ શકાય તેટેલું સજ્જ વાહન હોવું જોઇએ તે જ વિચાર હતો.
ત્રણ દિવસમાં યાત્રા કરી પૂર્ણ
મનાલીથી લેહની આખી યાત્રા પુરી કરવામાં તેમને ત્રણ દિવસનો સમય લાગ્યો હતો. પહેલા દિવસે બે બેટરી વડે મનાલીથી સરચુ પહોંચ્યા હતા, બીજા દિવસે તે બે બેટરીઓ વડે સરચુ થી રમ્ત્સે પહોંચ્યા હતાં. જ્યારે ત્રીજા દિવસે રમ્ત્સેથી લેહ અને લેહથી ખારડુંગલા પહોંચી ત્યાંથી પરત ફર્યા હતાં. આખી મુસાફરી પૂર્ણ કરવા માટે તેમણે બે બેટરીને 6 વખત ફૂલ ચાર્જ કરવી પડી હતી. એક વાર ચાર્જ કરેલી બેટરી 60 થી 70 કિલોમીટર ચાલે છે. આ બેટરી નિયમિત 6amp પ્લગમાં ચાર્જ કરી શકાય છે, એક બેટરીને ફુલ ચાર્જ કરવામાં 5 થી 6 કલાકનો સમય લાગે છે.
બાઈકની વાત કરવામાં આવે તો બાઈક શેમા ઇલેક્ટ્રિકલ કંપની ફોર્મ માનેસરનું ધીમી ગતિનું ઇગલ મોડેલ છે. તેમણે પ્રવાસ માટે એક 60v40Ah એમ્પ્ટેક બેટરી અને એક અન્ય એક બેટરી પેક વિકલ્પ તરીકે સાથે રાખી હોવાનું અભિષેકે જણાવ્યું હતું.
આ પહેલા પણ કરેલી છે આવી રાઈડ
તેમણે જણાવ્યું કે, "હું ઘણા સમયથી રાઇડિંગ કરુ છું. લેહ-મનાલી હાઇવે પર ઘણી વાર આવ્યો છું તેથી હું જોખમ અને કઠોર પરિસ્થિતિઓથી સારી રીતે વાકેફ હતો. અગાઉ મેં આ માર્ગ મોટરસાયકલ અને બુલેટની મુસાફરી કરી છે. જો કે, અમે અમારા શહેરી કામગીરી માટે જે વાહનની પ્રાપ્તિ કરીએ છીએ તેની ક્ષમતા વિશે હું એટલો જ વિશ્વાસપાત્ર હતો અને પડકાર લેવા તૈયાર હતો."
કેવો રહ્યો અનુભવ
રોજિંદા જીવનમાં દરરોજ સ્કૂટર ચલાવવું સામાન્ય લાગે છે. પરંતુ સ્કૂટર પર 500 કિલોમીટરની સવારી કરવી એ મુશ્કેલ છે. વાહનમાં નાના ટાયર હોય છે તેથી રસ્તા પરના દરેક નાના ખાડા તૂટેલા રસ્તાઓ ઉપર જવામાં અઘરું લાગે છે. અભિષેક જણાવે છે કે આ ધીમા ગતિનું વાહન છે અને તેની સ્પીડ લિમિટ 25kmphછે, જે મોટરસાયકલની સરખામણીએ ઘણું જ ધીમુ ચાલે છે. ઘણાં રસ્તા પાર કરવા કંટાળાજનક લાગતું હતું.
ઇ બાઇકનો ઉપયોગ કરવાના પડકારો શું છે?
ઈ બાઈકનો ઉપયોગ કરવા કયા કયા પડકારનો સામનો કરવો પડે તે જણાવતા અભિષેક કહે છે કે, હું માનું છું કે સફર શરૂ કરતા પહેલા અમારા મનમાં એક માત્ર પડકાર હતો, તે છે ચાર્જિંગ. પંરતુ તેનું સોલ્યુશન એ હતું કે કોઈપણ નિયમિત પાવર સોકેટ પર ચાર્જ કરવું જે અમે કર્યુ. સફર દરમિયાનનો અનુભવ શેર કરતાં અભિષેકે જણાવ્યું કે રસ્તામાં બેટરી ચાર્જ કરવા માટે તેમને એક આન્ટીએ મદદ કરી હતી. રસ્તામાં જયાં બ્રેક લીધો ત્યાં એક વ્યકિત પાસે જનરેટર હતું. જ્યારે મેં તેને મારા રેકોર્ડ વિશે વાત કરી તો તેમણે અમને પુરો સપોર્ટ કર્યો હતો અને ચાર્જિંગ કરવાની વ્યવસ્થા કરી આપી હતી.