05 May, 2022 01:36 PM IST | Mumbai | Ruchita Shah
ઉષ્મા વોરા
આવું બન્યું હતું જુહુમાં રહેતાં ઉષ્મા વોરા સાથે અને એ રાત તેમણે કલ્પી ન શકાય એ સ્તર પર જંગલી પશુઓના અવાજો, ડર અને રોમાંચ સાથે ગુજારી હતી. દુનિયાના અઢળક દેશોની ઑફબીટ જગ્યાઓ એક્સપ્લોર કરી ચૂકેલાં ઉષ્માબહેન લૉકડાઉન ન આવ્યું હોત તો યુક્રેન પણ ફરી આવ્યાં હોત, જેનો ભારોભાર અફસોસ આજે પણ તેમને છે
નેધરલૅન્ડ્સ, જર્મની, ઇટલી, ફ્રાન્સ, ઑસ્ટ્રિયા, સિસિલી, સ્પેન, ગ્રીસ ફરી ચૂકેલાં ઉષ્માબહેને ૧૫ વર્ષની વયે એક ફ્રેન્ડ સાથે કાશ્મીરનો પહેલો પ્રવાસ કરેલો.
ઈશ્વરે ચારેય બાજુ કેટલી સુંદરતા વેરી છે એનો અનુભવ લેવા માટે પણ દરેકે ફરવું જ જોઈએ એ વાત પર ખૂબ ભાર મૂકતાં જુહુમાં રહેતાં ઉષ્મા વોરા પોતે તો અકલ્પનીય રીતે ફરવાનાં શોખીન છે જ, સાથે તેઓ તેમના લાગતાવળગતાને પણ અચૂક ફરવા મોકલે. કદાચ જન્મી પણ નહોતી ત્યારથી હું ફરું છું એવું તેઓ વટપૂર્વક કહે છે. તેમને ફરવાનો શોખ આમ તો વારસામાં મળ્યો છે. પિતાજી સાથેની ફરવાની અઢળક મેમરીની સાથે બહુ ઓછી જાણીતી હોય અથવા તો બિલકુલ જાણીતી ન હોય એવી જગ્યાએ નીકળી પડવું એ તેમની ખૂબી છે. છેલ્લાં ચાલીસ વર્ષથી થયેલા પ્રવાસોનું સરવૈયું એ જ મારું સાચું જીવન છે એવું પણ તેઓ માને છે. પ્રવાસ પાછળનો ક્રેઝ આટલો શું કામ છે અને પ્રવાસમાં કેવા-કેવા અનુભવો તેમને થયા છે એની રસપ્રદ દુનિયામાં આપણે પણ એક નાનકડો પ્રવાસ આજે ખેડી લઈએ. નવેમ્બરમાં તેઓ પોતાનાં ભાઈ-ભાભી સાથે બાય રોડ દ્વારકા, સોમનાથ, ગીર ફરી આવ્યાં તથા સુરતથી ઘોઘા શિપમાં કાર સાથે જઈ આવ્યાં.
વારસામાં મળ્યું
ફરવું તો આમ બધાને જ ગમે, પણ મને જરા જુદી રીતે ફરવું ગમે. વાતની શરૂઆત સાથે ઉષ્માબહેન કહે છે, ‘મારા પિતાના સંસ્કાર મારામાં ઊતર્યા છે જ્યારે મારે પોતાને એકલીને કે લાઇક-માઇન્ડેડ ફ્રેન્ડ સાથે ટ્રાવેલ કરવું હોય તો હું ક્યારેય પ્રી-બુકિંગ કરાવીને કે બહુ મોટી આઇટનરી બનાવીને ન જાઉં. મારા પિતા પણ એવા જ હતા. અમે ગાડી લઈને ફરવા માટે નીકળતા. રાતે જ્યાં પહોંચ્યા હોઈએ ત્યાં રોકાઈ જવાનું. હા, રાતે તો ડ્રાઇવ નહીં જ કરવાનું એ નિયમ ચોક્કસ હતો. એ રીતે રાતે અમે ધર્મશાળાઓમાં પણ રોકાયા છીએ અને રેલવે સ્ટેશન પર પણ. હા, એ મારા જીવનનો બહુ જ રોમાંચક કિસ્સો છે. અમે સાસણ ગીર ગયાં હતાં ગાડી લઈને. પહોંચ્યા ત્યારે મોડું તો થયું જ હતું, પણ એ ઉપરાંત એ સમયે ત્યાં માત્ર એક જ સરકારી ગેસ્ટહાઉસ હતું જે કોઈ નેતાના પ્રવાસને કારણે બુક થઈ ગયું હતું. અમને રહેવાનું ક્યાંય મળતું નહોતું. મહામુશ્કેલીએ સાસણ ગીરના રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટરે તેમનો વેઇટિંગ રૂમ અમને રાત્રિવાસ માટે આપવાની તૈયારી દેખાડી. જોકે તેમણે સ્પષ્ટતાપૂર્વક કહી દીધું કે અમે બધા અહીંથી સાંજે છ વાગ્યે નીકળી જઈએ છીએ, કારણ કે રાતે અહીં સિંહ પુષ્કળ પ્રમાણમાં આવે છે. તેમણે અમારી સેફ્ટી માટે દરવાજો બહારથી બંધ કરીને તાળું મારી દીધું. અમને પણ તેમણે કડક ઇન્સ્ટ્રક્શન આપેલી કે ગમે તે થાય પણ તમે રાતના સમયે બારી ખોલતા નહીં. હું લગભગ દસ વર્ષની હોઈશ. લગભગ ૪૮ વર્ષ પહેલાંની વાત કરું છું આ. આખી રાત અમારા બધાનો જીવ અધ્ધર હતો. સિંહની ગર્જના સંભળાતી હતી અને એ સિવાય પણ અનેક પ્રકારના અવાજો સંભળાતા હતા. મન બહુ થતું કે બારી ખોલીને બહાર શું ચાલે છે એ જોઈએ, પરંતુ ડર પણ એટલો જ હતો. આ કદીયે ન ભુલાય એવા મારા અનુભવને તાજો કરવા હજી ગયા મહિને જ હું ગીર ગઈ ત્યારે ખાસ સાસણ ગીરનું રેલવે સ્ટેશન અને ત્યાંનો વેઇટિંગ રૂમ જોવા અને એના ફોટો પાડવા ગઈ હતી. હવે તો બધું ઘણું બદલાઈ ગયું છે, પણ એ મેમરી મારા મનમાં એટલી જ તાજી છે. મસૂરી પાસે આવેલા નાનકડા ટ્રેકિંગ વિલેજ ધનોલ્ટીમાં મારે નિવૃત્ત થયા પછી લાંબા સમય માટે રહેવું છે એવું સપનું બહુ નાની ઉંમરમાં, કદાચ મારા જીવનના ત્યાંના પહેલા ટ્રેક વખતે જ જોયેલું. હવે બહુ ઝડપથી એને પૂરું કરવાનું છે.’
યુક્રેન રહી ગયું
નેધરલૅન્ડ્સ, જર્મની, ઇટલી, ફ્રાન્સ, ઑસ્ટ્રિયા, સિસલી, સ્પેન, ગ્રીસ જેવા યુરોપના મોટા ભાગના બધા જ દેશોમાં ફરી ચૂકેલાં ઉષ્માબહેને પોતાની એક ફ્રેન્ડ સાથે પહેલો પ્રવાસ કાશ્મીરનો કરેલો. ત્યારે તેઓ પંદર વર્ષનાં હતાં. તેઓ કહે છે, ‘મારી સ્કૂલની પિકનિક હોય કે પછી એકલા ટ્રેકિંગ પર જવાનું હોય, મારા પિતા મને સતત એન્કરેજ કરતા રહ્યા છે. મારું ટેન્થ પત્યું એ પછી મારી એક ફ્રેન્ડ સાથે તેમણે જ મને કાશ્મીર મોકલાવેલી. અમારી ટ્રિપ એવી હતી જેમાં કોઈ પ્રાયર બુકિંગ નહોતું. એ પછી મસૂરીમાં આવેલી ધનોલ્ટી નામની એક પ્લેસ પર ગયેલી. ઘૂંટણથી ઉપર સુધી બરફ હતો અને એમાં ચાલેલા. ત્યાં ઉપર પહોંચ્યા અને અંધારું થઈ ગયું તો એક નાનકડા ઝૂંપડામાં રાત સ્લીપિંગ બૅગમાં પસાર કરેલી. આવા તો અઢળક અનુભવો છે. મારો ફરવાનો એક ફન્ડા છે કે એક સમયે એક જ દેશમાં જવાનું, ત્યાં સારોએવો સમય આપવાનો અને એવી જગ્યાઓએ જવાનું જેનું નામ પણ લોકોએ ન સાંભળ્યું હોય. જેમ કે સ્પેનમાં મોટા ભાગના લોકો બાર્સેલોનામાં ફરતા હોય, પણ હું સલુ નામની જગ્યાએ ગઈ હતી. ત્યાં હાર્ડ્લી કોઈ ઇન્ડિયનને મેં જોયા હશે. નાનકડું પણ બહુ જ સુંદર ગામ છે. જ્યાં જઉં ત્યાં ગરબા રમવાના અને કલ્ચરલ એક્સચેન્જ પણ કરવાનું. લક્ઝમબર્ગ ગઈ ત્યારે ત્યાંનો ટ્રેડિશનલ ડાન્સ શીખી હતી અને ત્યાંના લોકોને મેં આપણા ગરબા શીખવાડેલા. મને એક અફસોસ હંમેશાં રહેશે. લૉકડાઉન પહેલાં મેં યુક્રેન જવાનો પ્લાન બનાવેલો. ત્યાંના લોકો સાથે વાત પણ થઈ ગઈ હતી, પણ પછી કોવિડ આવ્યો અને જેવું એ પત્યું કે વૉર ચાલુ થઈ ગઈ. હવે તો ત્યાં યુદ્ધના અવશેષો જોવા જ જઈ શકાશે.’
આખું યુરોપ છે ભારતમાં
ઇન્ડિયામાં નૉર્થ ઈસ્ટમાં અમુક જગ્યાએ જવાનું બાકી છે, પણ એ સિવાય મોટા ભાગનું ભારત ભ્રમણ કરી ચૂકી છું એમ જણાવીને ઉષ્મા વોરા કહે છે, ‘યુરોપ અને ભારત બન્ને જોયા પછી હું કહીશ કે અહીં તમને યુરોપના અલગ-અલગ દેશોમાં જે છે એ એક જ દેશમાં મળી શકે એટલો સુંદર છે આપણો દેશ. હા, ભારતમાં આખું યુરોપ સમાયેલું છે. ફરક એટલો છે કે અહીંની કુદરતી જગ્યાઓને યુરોપિયન દેશોની જેમ પૉલિશ નથી કરવામાં આવી. બાકી તમે મને પૂછો કે અહીં શું નથી? અહીં જ સ્વિટ્ઝરલૅન્ડ છે, અહીં જ સ્પેન છે અને અહીં જ વેનિસ છે. અહીં એ બધું જ છે જે યુરોપના બધા જ દેશોને ભેગા કરીને જોવા મળે. આપણે આપણા સૌંદર્યને જાળવવામાં ઊણા ઊતર્યા છીએ. ગંદકી કરીને, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પૂરતું સંવર્ધન ન કરીને આપણે એની સુંદરતાને ઠેસ પહોંચાડી છે.’