15 April, 2021 12:55 PM IST | Mumbai | Varsha Chitaliya
પંક્તિ ભટ્ટ
ઉત્તરાખંડ રાજ્યના ઉત્તરકાશી જિલ્લામાં આવેલા ૧૨,૦૦૦ ફિટ ઊંચા કેદારકંઠ શિખર પર હાડ થિજાવી નાખતી ઠંડીમાં રાતવાસો કરવાનો હોય કે દ્વારકાના દરિયામાં સ્કૂબા ડાઇવિંગ કરતી વખતે ડૉલ્ફિનનો સામનો કરવો પડે ત્યારે સામાન્ય વ્યક્તિના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ જાય. જોકે લોઅર પરેલમાં રહેતી પંક્તિ ભટ્ટ આવાં સાહસો કરવા માટે જ જન્મી છે એવું તેની વાતો પરથી પ્રતીત થાય છે. ૨૭ વર્ષની આ છોકરીને આકાશને ચૂમતાં ઊંચાં શિખરોની ટોચ પર ટહેલવું અને દરિયામાં મરજીવાની જેમ ડૂબકી મારવા જેવા પરાક્રમો કરવામાં ગમ્મત પડે છે. ફિલ્મ ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ના એ ટુ ઝેડ ડાયલૉગ જેને મોઢે છે અને એવી જ રીતે જીવવામાં માનતી પંક્તિના સાહસિક પ્રવાસની રસપ્રદ વાતો જાણીએ.
દિલ ચાહતા હૈ
હૉસ્પિટલ અને હેલ્થકૅરના ફીલ્ડ સાથે સંકળાયેલી પંક્તિનું બાળપણ અમદાવાદમાં વીત્યું છે. મુંબઈની નામાંકિત હૉસ્પિટલની બ્રૅન્ડ પ્રમોટર તરીકે જૉબ મળ્યા બાદ લોઅર પરેલમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેવા લાગી. જોકે પેરન્ટ્સ ગુજરાતમાં રહેતા હોવાથી પંક્તિનો એક પગ મુંબઈમાં ને બીજો અમદાવાદમાં હોય. જોકે મારો આત્મા પર્વતો પર ભટકતો રહે છે એવો જવાબ આપતાં પંક્તિ કહે છે, ‘ટ્રેકિંગ ફર્સ્ટ લવ છે અને દરિયા સાથે પાકી દોસ્તી છે. નાનપણથી ઊંચા-ઊંચા પર્વતો પર ચડવાનું તેમ જ દરિયામાં ઊંડે-ઊંડે તરવા જેવાં સાહસ કરવાં ખૂબ ગમે, પરંતુ પેરન્ટ્સે પહેલાં જ કહી દીધું હતું કે વીસ વર્ષની થાય અને થોડી સમજણ કેળવાય પછી એકલા જવાની રજા મળશે. આપણા ગુજરાતી પરિવારોમાં છોકરીઓ એકલી પ્રવાસ કરે એ આજે પણ નવાઈની વાત લાગે. જોકે મારે કોઈ પણ રીતે પ્રવાસ કરવો હતો. નાની ઉંમરે ભારતભરમાં પ્રવાસો કરવા મળે એવા હેતુથી કૉલેજના પ્રથમ વર્ષમાં એનસીસી (નૅશનલ કૅડેટ કૉર્ઝ) નેવલ વિન્ગમાં જોડાઈ ગઈ. એનસીસી કૅડેટ બૅજ સાથે ઘણી સ્થાનિક તેમ જ રાષ્ટ્રીય કક્ષાની શિબિરોમાં ભાગ લીધો છે. વિશાખાપટ્ટનમ, ચિલ્કા તળાવ-ઓડિશા, નાગાલૅન્ડ જેવાં જુદાં-જુદાં સ્થળોએ નેવલ વિન્ગની એકમાત્ર મહિલા કૅડેટ તરીકે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે. બોટ પુલિંગ, સેઇલિંગ, સેમફોર, પરેડ જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં નૅશનલ લેવલે પાર્ટિસિપેટ કર્યું. આ સમયગાળામાં ઇન્ડિયન નેવી શિપ તેમ જ સબમરીન પર મુસાફરી કરતાં મને સમજાયું કે હું મુસાફરી કરવા માટે જ સર્જાઈ છું. દિલ જો ચાહતા હૈ વહી કરના હૈ.’
ઘણાંબધાં હિમાયલન ટ્રેકિંગનો અનુભવ ધરાવતી પંક્તિ પર્વતોનું નામ પડતાં જ વાતોએ વળગી. પહેલું હિમાલય ટ્રેક કર્યો રૂપિન પાસ. દસ દિવસની પડકારરૂપ મુસાફરી પછી ૧૫,૫૦૦ ફીટ ઉપર પહોંચી ત્યારે આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગેલી એ યાદગાર ક્ષણોને યાદ કરતાં તે કહે છે, ‘હિમાલય ધરતીનું સ્વર્ગ છે. આવું સૌંદર્ય વિશ્વના કોઈ પર્વતો પર જોવા નહીં મળે. આ મુશ્કેલ સ્તરનો ટ્રેક હતો જે વાસ્તવમાં ફર્સ્ટ ટાઇમ ટ્રેકર્સ માટે સૂચવવામાં નથી આવતો, પણ મારી નિયતિમાં લખાયું હતું તેથી પહોંચી ગઈ. સમિટ પર પહોંચ્યા બાદ મોઢામાંથી શબ્દો નીકળી ગયા, ‘આહા, સ્વર્ગ જોવા મળ્યું.’ આજેય યાદ કરતી વખતે જુદી દુનિયામાં ખોવાઈ જાઉં છું.’
રૂપિન પાસ ટ્રેકની સાહસિક યાત્રા પછી હિમાલયન ટ્રેકિંગ પૅશન બની ગયું. પંક્તિએ ગ્રેટ લેક્સ ઑફ કાશ્મીર ટ્રેક (૧૧,૫૦૦ ફુટ) અને કેદારકાંઠા ટ્રેક (૧૨,૦૦૦ ફુટ) કર્યું. આટલાં વર્ષોમાં અનેક પર્વતોનો પ્રવાસ ખેડ્યો છે. ટ્રેકિંગ મારો શ્વાસ છે એમ બોલતી વખતે લાગણીશીલ થઈ જતાં પંક્તિ કહે છે, ‘શહેરની દોડધામભરી જિંદગીથી દૂર પર્વતો પર તમે જીવતા હો એવું લાગે. શિયાળા દરમ્યાન જ્યારે પહાડો હિમાચ્છિત હોય અને તાપમાન માઇનસ ૨૦ ડિગ્રી રહે ત્યારે ટ્રેકિંગ માટે જવું જોઈએ. ક્યારેક હિમવર્ષાના સાંનિધ્યમાં રહેવાનો આનંદ માણવા જેવો હોય છે.’
હિમાલયન ટ્રેકિંગ ઉપરાંત સ્કૂબા ડાઇવિંગનું સપનું પણ નાનપણમાં જોયું હતું. એક્સાઇટ થતાં પંક્તિ કહે છે, ‘મહારાષ્ટ્રના તારકરલી બીચ અને ગુજરાતના દ્વારકા બીચ પર સ્કૂબા ડાઇવિંગ કર્યું છે. જોકે આપણા દેશમાં વિદેશની જેમ ઊંડા પાણીમાં જવાની વ્યવસ્થા નથી. દ્વારકા બીચ પર છીછરા પાણીમાં ત્રીસ મિનિટના ડાઇવિંગ દરમિયાન પાણી એકદમ શાંત હતું. દરિયાની અંદરની જુદી-જુદી વનસ્પતિઓ અને માછલીઓને જોઈ રહી હતી ત્યાં તો એકદમ નજીકથી ડૉલ્ફિન પસાર થઈ ગઈ. એક ક્ષણ માટે ભય લાગ્યો ખરો પણ મજા આવી. આ ઘટનાએ વધુ સોલો મુસાફરી માટેની પ્રેરણાને વેગ આપ્યો.’
સેફ્ટી ભી જરૂરી હૈ
સોલો ટ્રાવેલિંગ ઘણી રીતે થાય. મન થાય એટલે બૅકપૅક લઈને રખડવા નીકળી પડો એમાં મજા આવે પણ કેટલાંક સાહસો માટે અગાઉથી પ્લાનિંગ કરવું પડે. પંક્તિ કહે છે, ‘ઘરેથી ચેકઅપ પૉઇન્ટ સુધી પહોંચવા જુદા-જુદા ટ્રાન્સપોર્ટમાં એકલા પ્રવાસ કરવાનો, ત્યાંથી બીજાં રાજ્યોમાંથી આવેલા સાવ જ અજાણ્યા લોકો સાથે આગળ વધવાનું, રાતના ઠંડીમાં શરીર થીજી જાય અને રડવું આવે તો રૂમમેટને કહી શકો એટલી આત્મીયતા ન હોય એને પણ સોલો ટ્રાવેલિંગ કહી શકાય. દરેક જગ્યાએ બરફના થરની જાડાઈ અને લંબાઈ એકસરખી ન હોય. પાતળી લેયર પર પગ મૂકો અને નીચે પાણીમાં ગયા તો તમારી બૉડી પણ ન મળે. કેદારકંઠ ટ્રેકિંગ દરમિયાન બરફ પર પગ મૂક્યો અને કંઈ સમજું એ પહેલાં તો કોઈકે હાથ લંબાવી મને ખેંચી લીધી હતી. એ દિવસે જીવ બચી ગયો. હિમાલયન ટ્રેકિંગમાં જીવનું જોખમ રહે છે તેથી ટ્રેકર્સ ગ્રુપ સાથે જોડાવું પડે. ટ્રેકિંગની જેમ સ્કૂબા ડાઇવિંગમાં પણ પ્રી-પ્લાનિંગ કરવું પડે. એનાં ડ્રેસ અને ઇક્વિપમેન્ટ્સ જુદાં હોય છે. ભય અને જોખમો હોય એવી જગ્યાએ સાહસ કરવું એનું જ નામ યુવાની. મારે તો ‘ઝિંદગી ના મિલેગી દોબારા’માં બતાવ્યા પ્રમાણે રોમાંચક જોખમો ખેડવાં છે.’
ન્યુ રૂટીન ટ્રાવેલિંગ
૨૦૨૦માં રોગચાળાને કારણે સોલો સાઇક્લિંગ મારું ન્યુ રૂટીન બની ગયું એવું ઉત્સાહથી જણાવતાં તે કહે છે, ‘છેલ્લા સાત મહિનાના મારા પોતાના શહેર અમદાવાદ અને કર્મભૂમિ મુંબઈમાં લગભગ ૧૮૦૦ કિલોમીટરની મુસાફરી સાઇકલ પર કરી છે. મારા ૨૭ વર્ષના જીવનમાં ક્યારેય અમદાવાદથી ગાંધીનગર સાઇકલ પર ગઈ નહોતી. અહીંનાં કેટલાંક સ્થળો જે આજ પર્યંત મારા માટે અજાણ્યાં હતાં એને જોવાની તક કોરોનાએ આપી. નવી મુંબઈના ગંડેશ્વર ડૅમ સુધી પણ સાઇકલ પર એકલી ગઈ હતી. રોડ ટ્રાવેલિંગનો એક્સ્પીરિયન્સ લીધા પછી સાઇક્લિંગ મારું પૅશન અને ન્યુ રૂટીન બની ગયું છે. જ્યાં સુધી પર્વતો અને દરિયાકિનારાની ઍક્ટિવિટી સ્ટાર્ટ નહીં થાય સાઇકલ લઈને ફરતી રહીશ.’
ફૉલ ઇન લવ
ક્લાઇમ્બિંગ માઉન્ટન વિથ ફૉલિંગ ઇન લવ. પંક્તિની સાહસિક યાત્રાનું આ પણ એક રસપ્રદ ચૅપ્ટર છે. કેદારકંઠ પર્વતારોહણમાં તેની મુલાકાત નવી મુંબઈમાં રહેતા કોંકણી બૉય ગજાનન રાણે સાથે થઈ. આવતા મહિને બન્ને પરણી જવાનાં છે. દિલની વાત કરતાં તે કહે છે, ‘૨૦૧૯માં હિમાલયન ટ્રેકિંગે મને સંપૂર્ણ અનપેક્ષિત, પરંતુ જીવનની સૌથી મૂલ્યવાન ભેટ આપી છે. અમે હિમાલય પર મળ્યાં હતાં. પંદર દિવસનો સંગાથ લવમાં કન્વર્ટ થઈ ગયો. બન્નેની રહેણીકરણી અને કલ્ચર જુદાં હોવાથી પેરન્ટ્સને સમજાવવું ડિફિકલ્ટ હતું. અમે પહેલેથી ડિસાઇડ કર્યું હતું કે પેરન્ટ્સની અનુમતિ વિના લગ્ન નહીં કરીએ. મારા પપ્પા ગજાનનને મળ્યા અને તેમને યોગ્ય લાગ્યું ત્યારે હા પાડી. એક સોલો ટ્રાવેલરની બીજા સોલો ટ્રાવેલર સાથે મુલાકાત થઈ, હવે બન્ને તેમના જીવનની મુસાફરી સાથે કરશે. આકાશની ઊંચાઈ જેવા શિખર પર મળેલાં બે દિલ ટૂંક સમયમાં સમુદ્રના શહેર મુંબઈમાં લગ્નની ગાંઠે બંધાશે.’