23 May, 2022 07:54 PM IST | Mumbai | Dr. Bharat Shah
પ્રતીકાત્મક તસવીર
હું ૫૮ વર્ષનો છું અને મને ક્રોનિક કિડની ડિસીઝ છેલ્લાં ચાર વર્ષથી છે. દવાઓ ચાલુ છે. હવે ડૉક્ટર કહે છે કે ડાયાલિસિસ શરૂ કરવું જ પડશે. આજકાલ સોજા વધુ રહેવા લાગ્યા છે. બધા કહે છે કે ખૂબ પાણી પીઉં તો કિડની ઠીક થઈ જશે અને ડાયાલિસિસની જરૂર નહીં પડે. જ્યારથી મને કિડની ડિસીઝ થયો છે ત્યારથી પાણીનો ઇન્ટેક વધાર્યો હોવા છતાં રોગ વધતો જ જાય છે. હું દિવસમાં ત્રણ લિટર પાણી પીઉં છું.
કિડનીના પ્રૉબ્લેમમાં પાણી ઉપયોગી છે, પરંતુ એ સ્ટોન જેવી સમસ્યામાં અથવા તો યુરિન ઇન્ફેક્શન થયું હોય તો ઉપયોગી બને છે. ક્રોનિક કિડની ડિસીઝમાં નહીં. દુનિયાભરમાં કિડની સંબંધિત પ્રશ્નો માટે લોકોને લાગે છે કે પાણી જ એકમાત્ર ઉપાય છે. દવાઓ લેવાની સાથે પણ લોકો એમ સમજે છે કે પાણી વધુ પીવાથી કિડનીની પરિસ્થિતિમાં ઘણો ફાયદો થશે. તમે ડાયાલિસિસ સુધી પહોંચી ગયા છો. જ્યારે કિડનીનો પ્રૉબ્લેમ વધી જાય એટલે કે ત્રીજા-ચોથા સ્ટેજમાં પહોંચી જાય એ પછી પાણીની અસર કિડની પર ખાસ થતી નથી. ઊલટું એ નુકસાન કરી શકે છે.
હકીકત એ છે કે જેને ક્રોનિક કિડની ડિસીઝ હોય કે જેની કિડની અસરગ્રસ્ત થઈ હોય તેણે ઓછું પાણી પીવું જોઈએ. એક હેલ્ધી વ્યક્તિએ તેની કિડની ઠીક રહે એ માટે અઢીથી ત્રણ લિટર પાણી જ પીવું જોઈએ. એનાથી વધુ પાણી પીવાની જરૂર નથી. કિડની જ્યારે ખરાબ થઈ ગઈ હોય ત્યારે તો ખાસ વધુ પડતું પાણી ફાયદાને બદલે નુકસાન કરે છે, કારણ કે કિડની બરાબર કામ કરતી નથી જેને લીધે પાણી શરીરની બહાર ફેંકાતું નથી. પાણી શરીરમાં ભરાતું રહે તો શરીરને નુકસાન થવાનું જ છે. મોટા ભાગે ક્રોનિક કિડની ડિસીઝમાં પાણી વધુ પીઓ તો એ દરદીઓનાં ફેફસાંમાં પાણી ભરાતું જાય છે. આ એક ગંભીર સમસ્યા બની શકે છે. તમારે દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ એ તમારા ડૉક્ટરને પૂછો. કિડનીની પરિસ્થિતિ મુજબ તમને માર્ગદર્શન આપશે. તમે અત્યારે બીમારીના એ સ્ટેજ પર છો જેમાં કોઈ પણ ઘરગથ્થુ ઉપચાર કામ લાગશે નહીં. ડાયાલિસિસ કરાવો અને વહેલાસર શક્ય હોય તો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવો, કારણ કે ક્રોનિક કિડની ડિસીઝ જ્યારે ઍડ્વાન્સ સ્ટેજ પર હોય ત્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટ જ એકમાત્ર કાયમી ઉપાય છે.