નબળાઈ લાગે છે અને આંખે અંધારાં આવી જાય છે

24 May, 2022 07:08 PM IST  |  Mumbai | Dr. Meeta Shah

ગરમીમાં ડીહાઇડ્રેશનની સમસ્યા હોઈ શકે

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૫૩ વર્ષ છે અને પાંચ વર્ષથી ડાયાબિટીઝ છે. આજકાલ મને ખૂબ થાક લાગે છે. બે કલાક બહારનું કામ કરીને ઘરે આવું ત્યારે જાણે આંખે અંધારાં આવી ગયાં. પાંચ મિનિટ પછી લીંબુ-પાણી પીધું અને શાંતિથી બેઠી તો ઠીક લાગ્યું. રસોઈ કર્યા બાદ પણ મને એકદમ જ નબળાઈ આવી જાય છે. એકદમ ચક્કર જેવું લાગતું હતું. બે દિવસથી મારી ફાસ્ટિંગ અને જમ્યા પછીની શુગર બરાબર જ આવે છે તો પછી મને શું થયું હશે?

ગરમીમાં ડીહાઇડ્રેશનની સમસ્યા હોઈ શકે. ડાયાબિટીઝના દરદીના શરીરમાંથી શુગર વધુ હોવાને લીધે નૉર્મલ લોકો કરતાં પાણી વધુ માત્રામાં ઓછું થતું હોય છે. એને લીધે જ તેમણે વારંવાર યુરિન પાસ કરવા જવું પડે છે. ઉનાળામાં ગરમીને કારણે વધુ પાણી પરસેવા વાટે નીકળી જાય ત્યારે ડીહાઇડ્રેશન થાય છે. તમે જે બે એપિસોડની વાત કરી એ બન્ને બપોરના સમયે જ થયા હશે. બપોરની ગરમીમાં એકદમ પાણી ઓછું થવાથી તકલીફ થઈ હોય તો ધ્યાન રાખવાની જરૂર છે. મહત્ત્વનું એ છે કે ચક્કર આવે કે નબળાઈ લાગે તો શુગર ડ્રૉપ થઈ હોય એમ પણ બને, પરંતુ એ જ સમયે શુગર માપવાથી ખબર પડે છે. પાછળથી માપશો તો નહીં સમજાય. ડીહાઇડ્રેશનની અસર વખતે પણ શુગર એકદમ ડ્રૉપ થાય છે અને શરીરમાં પાણી ન બચે ત્યારે હાલત ખૂબ ગંભીર થઈ શકે છે. એક સામાન્ય વ્યક્તિ કરતાં ડાયાબિટીઝના દરદીને ડીહાઇડ્રેશન થવાનું રિસ્ક ઘણું વધારે રહે છે અને ખૂબ સરળતાથી એ શરીરમાંથી પાણી ગુમાવી દે છે. આ દરમિયાન તેણે સતત પાણી પીતા રહેવું ખૂબ જ જરૂરી છે. ડીહાઇડ્રેશન થાય તો સ્નાયુ ખેંચાઈ જાય એટલે કે ક્રૅમ્પ આવે, હીટ સ્ટ્રોકનું રિસ્ક પણ વધી શકે અને વ્યક્તિ બેભાન પણ થઈ શકે. ડાયાબિટીઝના દરદી જેમને કિડનીની તકલીફ છે તેઓ ઉનાળામાં જો ડીહાઇડ્રેશનનો ભોગ બને તો તેમની કિડની પર અસર થઈ શકે છે. મોટા પાયે કિડનીને ડૅમેજ પણ થઈ શકે છે. માટે આ બન્ને પ્રસંગોને ગંભીરતાથી લો. પાણી, લીંબુ-પાણી, નારિયેળ-પાણી વધુ પીઓ. ઇલેક્ટ્રૉલાઇટની કમી ન થઈ જાય એ જોવું પણ એટલું જ જરૂરી છે, કારણ કે નૉર્મલ વ્યક્તિઓ કરતાં ડાયાબિટીઝના દરદીઓએ ગરમીમાં વધુ સંભાળ રાખવાની જરૂર રહે છે. શરીરમાંથી પાણી ઓછું ન જ થવું જોઈએ.

life and style health tips