17 May, 2022 11:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હું ૩૮ વર્ષની એક વર્કિંગ લેડી છું. મારાં હાડકાં નબળાં છે અને ડાયાબિટીઝ છે જે માટે રેગ્યુલર ફિઝિશ્યન પાસે હું જાઉં છું. આજથી ૬ મહિના પહેલાં મને પિરિયડ્સ દરમ્યાન સખત દુખાવો ઊપડતાં ગાયનેક પાસે ગઈ. ગાયનેકે અમુક દવાઓ આપી રાહ જોવાનું કહ્યું. દવાઓથી પેઇન તો ઘટ્યું, પરંતુ પિરિયડ્સની વચ્ચે ૨-૩ વાર બ્લીડિંગ થયું. ગાયનેકે કહ્યું કે બને કે તમને અર્લી મેનોપૉઝની તકલીફ આવી હોય. આમને આમ ૬-૮ મહિના પસાર થયા છે, મને કોઈ જ આરામ નથી. મારા ફિઝિશ્યન કહે છે કે પૅપ સ્મીઅર ટેસ્ટ કરાવી લો. શું મને કૅન્સર હોઈ શકે છે?
તમે ડરો નહીં, પરંતુ હા, એ વાત સાચી છે કે આ પરિસ્થિતિને બિલકુલ અવગણવા જેવી નથી. દવાઓ સાથે તમને પેઇન ઘટ્યું પણ બ્લીડિંગ વચ્ચે થવું એ એટલું સહજ નથી. તમને હજી થોડાં વધુ ટેસ્ટની જરૂર છે. તમારા ફિઝિશ્યન સાચું કહે છે તમે પૅપ સ્મીઅર ટેસ્ટ કરાવી લો. આ ટેસ્ટ દ્વારા ગર્ભાશયના મુખ પાસે જે કોષ રહેલા છે એમાં કોઈ ખામી આવેલી હોય તો એ જાણી શકાય છે. આ ટેસ્ટમાં ગર્ભાશયના મુખ પાસેથી થોડા કોષ લઈને લૅબોરેટરીમાં ચકાસવા મોકલવામાં આવે છે. મુંબઈમાં ઘણી લૅબોરેટરીમાં આ ટેસ્ટ ડાયરેક્ટ થઈ શકે છે. એના માટે કોઈ પ્રિસ્ક્રિપ્શનની જરૂર હોતી નથી. આદર્શ રીતે લગ્ન પછી ૪૦ વર્ષની ઉંમર સુધી સ્ત્રીએ દર પાંચ વર્ષે અને ૪૦ વર્ષની ઉંમર પછી દર ત્રણ વર્ષે આ ટેસ્ટ કરવી જરૂરી છે, પરંતુ આપણે ત્યાં એ નૉર્મલી સ્ત્રીઓ કરાવતી નથી એટલે જ નિદાનમાં મોડું થઈ જાય છે.
આ ટેસ્ટ દ્વારા કોષોની રચનાનો ખ્યાલ પડે છે અને કોઈ પ્રૉબ્લેમ હોય તો સામે આવે છે. જ્યારે કોઈ પણ સ્ત્રીને એચપીવીનું ઇન્ફેક્શન થાય અને એના કોષોમાં ખરાબી શરૂ થાય ત્યારથી લઈને કૅન્સર સુધી પહોંચવામાં ૧૦ વર્ષ લાગે છે. આ ૧૦ વર્ષ દરમિયાન જ્યારે સ્ત્રી પૅપ સ્મીઅર નામની ટેસ્ટ કરાવે છે ત્યારે એના કોષોમાં થઈ રહેલી ઊથલપાથલને ઓળખી શકાય છે અને એનો ઇલાજ કરી શકાય છે. તમે ડરો નહીં. નીડર થઈને ટેસ્ટ કરાવો, કારણ કે સમજદારી એમાં જ છે કે તમે ટેસ્ટ જેટલી જલદી કરાવી શકો એ કરાવી લો. નિદાનમાં જેટલો વિલંબ થશે તકલીફ એટલી જ વધુ થઈ શકે છે. શરૂઆતી સ્ટેજમાં રોગ પકડાય જાય એ વધુ જરૂરી છે.