11 May, 2022 12:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મારી ઉંમર ૬૦ વર્ષ છે. મને ૧૦ વર્ષ પહેલાં પહેલી વાર બૅક પેઇન શરૂ થયેલું. ત્યારે ફિઝિયોથેરપી લીધા પછી ઠીક હતું, પરંતુ આ પેઇન પાછું આવી જાય છે. એમઆરઆઇ કરાવ્યું તો ખબર પડી કે મારી ડિસ્ક થોડી બહારની બાજુએ ખસી ગઈ છે અને ગ્રેડ વન ડિસ્ક પ્રૉબ્લેમ છે. હું કૉર્પોરેટમાં કામ કરતો હતો અને મારા કામનો પ્રકાર એવો છે કે ૨૪માંથી ૨૧ કલાક કામ કરવું પડે. ૬૦ વર્ષે લોકો રિટાયર થાય છે અને ૪ વર્ષ પહેલાં જ મેં મારી કંપની શરૂ કરી હોવાથી પહેલાંથી પણ વધુ કામ રહે છે. આ બૅક પેઇન મારા કામને આડે આવે છે. મારે શું કરવું?
ગ્રેડ વન લેવલનો ડિસ્ક પ્રૉબ્લેમ અતિ કૉમન પ્રૉબ્લેમ છે જે અઢળક લોકોને હોય છે. તમારું પોશ્ચર, બેઠાડુ જીવન, કમર પર કોઈ પ્રકારના માર જેવી કોઈ પણ સામાન્ય બાબતને લીધે આ ગ્રેડ વન ડિસ્ક પ્રૉબ્લેમ થઈ જાય છે. બધાને આ પ્રૉબ્લેમ બૅક પેઇન બનતો નથી, કારણ કે તેમના સ્નાયુ સ્ટ્રૉન્ગ હોય છે એટલે શરીરમાંનો આ બદલાવ તેઓ અપનાવી લેતા હોય છે, પરંતુ જેમના સ્નાયુઓ સ્ટ્રૉન્ગ નથી હોતાતેમને આ તકલીફ થઈ આવે છે, પરંતુ ફિઝિયોથેરપીની દૃષ્ટિએ આ પ્રૉબ્લેમ ખૂબ સરળ છે ટ્રીટ કરવો. અમુક એક્સરસાઇઝ કરીને એ સ્નાયુઓને સ્ટ્રૉન્ગ બનાવો એટલે આપોઆપ તકલીફ દૂર થઈ શકે છે. તમારા કેસમાં પણ એવું જ છે કે તમે ફિઝિયોથેરપી લો એટલે તમને ઠીક થઈ જાય છે, પરંતુ એ ફરી પાછું આવે છે. એ પાછું આવવાનાં બે કારણ છે; એક, તમે એ એક્સરસાઇઝ કરતા નથી અને સ્નાયુને નબળા પડી જાય એટલી હદે વાપરતા નથી અને બીજું કારણ છે સ્ટ્રેસ.
તમારું કામ ખૂબ જ સ્ટ્રેસભર્યું છે. તમે ૨૪માંથી ૨૧ કલાક કામ કરો એ જુદી બાબત છે અને જે પણ કામ કરો એ સ્ટ્રેસ લઈને કરો એ પણ જુદી બાબત છે. કામનો સ્ટ્રેસ તો રહેવાનો જ. તમે એ તમારા પર એટલો હાવી થવા દો છો કે એની અસર તમારા સ્નાયુઓ પર પડે છે. એ કડક થાય છે. એની સ્થિતિસ્થાપકતા ઘટે છે અને એને લીધે એ નબળા થતા જાય છે. ફિઝિયોથેરપી તમને ૭૦ ટકા સારા કરી દે છે, પણ તમારો સ્ટ્રેસ તમને ૩૦ ટકા સારા થવા જ નથી દેતો, જેને લીધે એ વારંવાર પાછું આવે છે. માટે સાથે યોગ, પ્રાણાયામ અને ધ્યાન શરૂ કરો. સ્ટ્રેસ ઓછો થશે તો આપોઆપ સ્નાયુઓ લુઝ થશે.