26 May, 2022 03:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રેસિપી કૉન્ટેસ્ટ
કીન્વા પનીર બૉલ્સ વિથ મિન્ટ ડિપ - કવિતા મિતેશ મજીઠિયા, મુલુંડ વેસ્ટ
સામગ્રી : ૧ નાની વાટકી કીન્વા, ૧ નાની ચમચી આદું-મરચાં, ૧ ચમચી ગરમ મસાલો, ૧ ચમચી પાંઉભાજી મસાલો, ૧ વાટકી પૌંઆ, ઘઉંના લોટની સ્લરી, ઓટ્સનો પાઉડર (બૉલ્સને કોટ કરવા), મીઠું સ્વાદ પ્રમાણે
સ્ટફિંગ માટે : ૧ વાટકી પનીર છીણેલું, ૧ નાની વાટકી બાફેલા કૉર્ન, ૧ વાટકી બેલ પેપર્સ (લાલ, પીળા, લીલાં) ઝીણાં સમારેલાં, ૧ નાની ચમચી મરી પાઉડર, ૧ નાની ચમચી ઑરેગૅનો, ૧ નાની ચમચી ચિલી ફ્લેક્સ, મીઠું સ્વાદ પ્રમાણે
રીત : કીન્વાને બે વાટકી પાણી નાખી ભાતની જેમ કુકરમાં ૮થી ૧૦ સીટી મારવી. ત્યાર બાદ કીન્વામાં મીઠું, આદું-મરચાં, ગરમ મસાલો, પાંઉભાજી મસાલો અને પૌંઆ નાખી બરાબર મિક્સ કરી લેવાં. એક બાઉલમાં સ્ટફિંગ માટેની સામગ્રી મિક્સ કરો. હાથમાં થોડું તેલ લગાવી કીન્વાના પૂરણનો ગોળો બનાવો. એને બન્ને હથેળી વચ્ચે દબાવી ચપટો કરવો. એમાં એક ચમચી પનીરનું સ્ટફિંગ ભરી બૉલ તૈયાર કરવા. ઘઉંના લોટમાં મીઠું, પાણી અને ઑરેગૅનો નાખી તૈયાર કરેલી પેસ્ટમાં આ બૉલ્સ નાખવા. ત્યાર બાદ એને ઓટ્સના પાઉડરથી કોટ કરવા. આ બનેલા બૉલ્સને ગરમ તેલમાં ડીપ ફ્રાય અથવા થોડા તેલમાં શૅલો ફ્રાય કરી શકો.
સામગ્રીઃ મિન્ટ ડિપ માટે ૧ વાટકી દહીં, ઑરેગૅનો, મીઠું, ચિલી ફ્લેક્સ, ફુદીનાની પેસ્ટ બે ચમચી
રીત : દહીંને પાતળા મલમલના કપડામાં બાંધી બે કલાક માટે લટકાવી દેવું. ત્યાર બાદ એમાં ઉપર જણાવેલી સામગ્રી મિક્સ કરવી અને તૈયાર થયેલા ડિપને ફ્રિજમાં ઠંડું કરવા મૂકવું.
આપણા સ્વાદિષ્ટ કીન્વા પનીર બૉલ્સ તૈયાર છે જેને તમે મિન્ટ ડિપ અને સૅલડ સાથે હેલ્ધી સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકો છો.
હેલ્ધી સ્પ્રાઉટ ઓટ્સ વૉફલ - કામિની વિજય ઉદેશી, પ્રાર્થના સમાજ
સામગ્રી : ૧ કપ ફોતરાવાળી મગની દાળ, પા કપ ઓટ્સનો લોટ, ૨ ચમચી કૉર્નફ્લોર, ૧ ચમચી બેકિંગ પાઉડર, ૨ લીલાં મરચાં, નાનો ટુકડો આદું, ૧ ચમચી જીરું, ૧ નાનો કાંદો ઝીણો સમારેલો, ૧ નાનું ગાજર છોલીને ઝીણું સમારેલું, પા કપ કોબી બારીક સમારેલી, પા કપ કોથમીર ઝીણી સમારેલી, મીઠું સ્વાદ મુજબ, જોઈતું તેલ, સ્પ્રાઉટ મગ, કૅપ્સિકમ, લેટસ, કાકડી, ટમેટા, ગ્રીન ચટણી
રીતઃ મગની દાળને ધોઈને સાત-આઠ કલાક પલાળી રાખો. એને ચાળણીમાં કાઢી નિતારી લો. મિક્સરમાં દાળ, લીલાં મરચાં, જીરું અને આદુંને કરકરાં પીસી લો. બાઉલમાં કાઢી એમાં ઓટ્સનો લોટ, કાંદો, ગાજર, કોબી ઉમેરો. કોથમીર અને બેકિંગ પાઉડર તેમ જ પ્રમાણસર મીઠું ઉમેરી ખીરું તૈયાર કરો. ઘટ્ટ લાગે તો પાણી ઉમેરો. વૉફલ મેકર્સને ઑઇલથી ગ્રીસ કરી જરૂર લાગે તો કૉર્નફ્લોર ઉમેરો. એમાં બે ચમચા ખીરું પાથરો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. પ્લેટમાં કાઢી એને ગ્રીન ચટણી અને સૅલડ સાથે સર્વ કરો.
ગ્રીન ચટણી : કોથમીર, મરચાં, લીંબું, મીઠું, સીંગદાણા, ૧ બાઉલ બૉઇલ બાજરો, ૪ ચમચી ચણા દાળ, ૨ ચમચી અડદ દાળ, ૩ ચમચી સિંગદાણા, ૧ ચમચી જીરું, અડધી ચમચી હિંગ, પા ચમચી હળદર, ૧ ચમચી ધાણાજીરું, ૧ ચમચી લાલ મરચું, અડધી ચમચી મરી પાઉડર, મીઠું સ્વાદ પ્રમાણે, ૧ ચમચી સાકર, ૫ કઢીપત્તાં, ૨ ચમચી કોથમીર, ૧ ચમચી બારીક લસણ, ૧ ચમચી બારીક લીલું મરચું, ૧ નંગ બારીક કૅપ્સિકમ, અડધો કપ વટાણા, ૪ ચમચી ખમણેલું નારિયળ, ૩ ચમચી ઘી
રીત : એક પૅનમાં ઘી મૂકી જીરું અને હિંગ નાખી હળદર, લસણ અને ચણા દાળને બે મિનિટ સાંતળો. હવે અડદ દાળ અને સિંગદાણાને સારી રીતે સાંતળો. કૅપ્સિકમ, વટાણા, મરી પાઉડર ઉમેરો. ૧ મિનિટ પછી કઢીપત્તાં, ધાણાજીરું, મરચું, મીઠું, સાકર નાખીને મિક્સ કરો. હવે એક બાઉલમાં પાંચ કલાક પલાળીને કુકરમાં ત્રણ સીટી મારીને બાફીને તૈયાર કરેલો બાજરો, લીલું મરચું, ઉમેરો. ૪ ચમચી પાણી ઉમેરવું. ત્યાર બાદ ૪ મિનિટ માટે ઢાંકીને ચડવા દેવું. હલાવીને કોથમીર અને નારિયેળના ખમણથી ગાર્નિશ કરવું.
દાબેલી સ્વલ રોલ્સ - વિધિ હિતેન રાયચના, વાશી
સામગ્રી : સ્ટફિંગ માટે
૨ ટેબલસ્પૂન લસણની ચટણી, પા કપ ખજૂર-આમલીની ચટણી, ૨ ટેબલસ્પૂન દાબેલીનો મસાલો, ૧ ટેબલસ્પૂન તેલ, ૧ ટીસ્પૂન જીરું, ૨ બાફેલા બટાટા, મીઠું, અડધો કપ પાણી, ઝીણા સમારેલા કાંદા, કોથમીર અને નારિયેળનું છીણ ગાર્નિશિંગ માટે
રીત : એક કડાઈમાં તેલ લો. ગરમ થાય એટલે જીરું નાખો. લસણની ચટણી, મીઠી ચટણી, દાબેલીનો મસાલો નાખો. અડધો કપ પાણી નાખી ઊકળવા દો. બેથી ૩ મિનિટ પછી બાફેલા બટાટાનો માવો નાખો. ૫ મિનિટ સુધી રંધાવા દો. સ્વાદ પ્રમાણે મીઠું નાખો. દાબેલીનું મિશ્રણ તૈયાર છે. એના પર કાંદા, કોથમીર અને નારિયેળનું છીણ નાખી ઠંડું થવા દો.
મેંદાની રોટલી : એક કપ મેંદો લઈ એમાં મીઠું, મોણ નાખી રોટલી જેવો લોટ તૈયાર કરો. અડધો કલાક સાઇડ પર રાખો. મેંદો અને ઘઉંનો લોટ અડધો-અડધો પણ લઈ શકો છો.
રીત : તૈયાર કણકમાંથી મેંદાની મોટી રોટલી વણી લેવી. એના ઉપર દાબેલી મિશ્રણ પાથરવું. હવે ટાઇટ રોલ કરીને એને કટ કરી લેવું. હવે આ તૈયાર રોલ્સને ૪૦૦ ડિગ્રી સેલ્સિયસ પર ૨૦ મિનિટ માટે બેક કરવું.
પ્લેટિંગ : રોલ્સ ઠંડા થાય પછી એને પ્લેટમાં લઈ એના પર લસણની તીખી-મીઠી ચટણી લગાવો. એના પર કાંદા, કોથમીર, મસાલા સીંગ, સેવ અને દાડમથી ગાર્નિશ કરો.