21 May, 2022 11:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રેસિપી કૉન્ટેસ્ટ
પિન્ક પનીર ખીચિયા
સામગ્રી ઃ બે નંગ ખીચિયા પાપડ મોટા, બે ટેબલસ્પૂન બટર, બે કપ દૂધ, બે ટીસ્પૂન ઘઉંનો લોટ, અડધી ટીસ્પૂન મરીનો પાઉડર, દોઢ ટીસ્પૂન ઑરેગૅનો, ૧ ટીસ્પૂન ચિલી ફ્લેક્સ, દોઢ ટીસ્પૂન શેઝવાન ચટણી, ૧ ટેબલસ્પૂન મેયોનીઝ, પા ટીસ્પૂન સાકર, ૧ કપ મિક્સ શાક ઝીણું સમારેલું (લાલ, પીળું, લીલું કૅપ્સિકમ, બ્રોકલી, બેબીકૉર્ન), પાંચ કળી લસણ, ૫૦ ગ્રામ પનીરના ટુકડા, બે ક્યુબ ચીઝ, મીઠું સ્વાદ પ્રમાણે
રીત ઃ એક કડાઈમાં દોઢ ટેબલસ્પૂન બટર લઈ એમાં ઘઉંનો લોટ શેકો. એમાં ગરમ દૂધ નાખીને સતત હલાવતા રહો અને મીઠું તેમ જ અડધા મસાલા ઉમેરી દેવા. મેયોનીઝ, સાકર, સેઝવાન ચટણી નાખીને થોડું ઘટ મિશ્રણ થાય ત્યારે મિશ્રણને નીચે ઉતારી લેવું. બીજી કડાઈ લઈ એમાં અડધી ટેબલસ્પૂન બટર નાખી લસણની પેસ્ટ સાંતળવી. ઝીણા ટુકડા કરેલાં શાક ઉમેરવાં. બે મિનિટ સાંતળી એમાં પનીરના ટુકડા, સૂકા મસાલા તેમ જ મીઠું નાખવું. ગ્રેવી અને પનીરવાળું બધું શાક મિક્સ કરવું. ખીચિયા પાપડ શેકી એના પર શાક અને પનીર મિક્સ કરેલું મિશ્રણ પાથરવું. એના પર ચીઝ ખમણવું અને ઉપરથી સિઝલિંગ ઑરેગૅનો અને ચિલી ફ્લેક્સ છાંટવાં. અત્યંત સ્વાદિષ્ટ પિન્ક પનીર ખીચિયાનો આનંદ માણો.
નોંધ ઃ જ્યારે ખાવું હોય ત્યારે જ બનાવવું.
પાલક-ઓટ્સ ટિક્કી
સામગ્રી ઃ ૧ વાટકી મસાલા ઓટ્સ, ૧ નંગ ઝીણી સમારેલી ડુંગળી, ૧ વાટકી ઝીણી સમારેલી પાલક, ૧ વાટકી ખમણેલી દૂધી, બે નંગ મરચાંની કટકી, લીંબુ જરૂર મુજબ, ચપટી ખાંડ, નમક સ્વાદ અનુસાર, ચપટી ગરમ મસાલો, તેલ કે બટર તળવા માટે
રીત ઃ સૌપ્રથમ પાલક ધોઈ લો. પછી એને ઝીણી સમારી લો. એ જ રીતે દૂધીને ખમણી લેવી.
એક વાસણમાં દૂધી, પાલક, મરચાંની કટકી, ડુંગળી બધું લઈ એમાં ઓટ્સ અને પછી બધા મસાલા ઉમેરીને બરાબર મિક્સ કરો.
હવે એમાંથી હાથની મદદથી ગોળ-ગોળ થેપલી બનાવી એક નૉનસ્ટિક પૅનમાં તેલ કે બટર લઈ આ ટિક્કીને એમાં શેકવા મૂકો અને ઉપર ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ સુધી શેકાવા દો. એક બાજુ શેકાઈ જાય એટલે બીજી બાજુ તરફથી પણ સરસ રીતે શેકી લેવી.
શેકીને તૈયાર થયેલી આ ટિક્કી કેચપ સાથે સર્વ કરો. ખાવામાં ટેસ્ટી લાગતી આ ટિક્કી પાલક ન ખાતાં નાનાં બાળકો માટે હેલ્ધી પણ છે.
ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો
શેકવાની સામગ્રી ઃ અડધો કપ સામો, એક કપ શિંગદાણા અને પા કપ સાબુદાણા આ બધી સામગ્રીને અલગ-અલગ શેકવી. શિંગનો અધકચરો ભૂકો કરવો. સામાને મિક્સરમાં અધકચરો વાટવો તેમ જ સાબુદાણાનો પણ મિક્સરની મદદથી ભૂકો કરવો.
અન્ય સામગ્રી ઃ પા કપ સમારેલી કોથમીર, ૧૦થી ૧૨ પાન ફુદીનાનાં ઝીણાં સમારેલાં, અડધો સ્પૂન મરીનો ભૂકો, એક સ્પૂન શેકેલા જીરાનો ભૂકો, મીઠું, આશરે પોણોથી એક કપ જેટલી ખાટી છાશ, એક કપ છીણેલી દૂધી અથવા બટાટાનું છીણ, ૪ તીખાં લીલાં મરચાં, એક ટુકડો આદું, તલ
વઘાર ઃ ૧ સ્પૂન ઘી, જીરું, ૧૦થી ૧૨ મીઠા લીમડાનાં પાન, ૧ સ્પૂન ઇનો
રીત : એક તપેલીમાં સૌપ્રથમ સામાનો ભૂકો, સાબુદાણાનો ભૂકો અને અધકચરા વાટેલા શિંગદાણાનો ભૂકો નાખી મિક્સ કરવું. એમાં વાટેલાં આદુંમરચાં, મીઠું, જીરુંનો ભૂકો, મરી પાઉડર, કોથમીર, ફુદીનો, દૂધીનું છીણ અને ખાટી છાશ નાખી ખીરું તૈયાર કરવું. બરાબર હલાવીને ૧૦ મિનિટ ઢાંકીને રાખો. ત્યાર બાદ તૈયાર કરેલો વઘાર રેડો અને ઇનો નાખી હલાવી તરત જ એક પૅનમાં ઘી, જીરું, તલ નાખી તતડે એટલે બે ચમચા ખીરું નાખી ફેલાવવું. પાંચથી ૭ મિનિટ ઢાંકીને ચડવા દેવું. ગોલ્ડન બ્રાઉન થાય એટલે ફેરવવું અને બીજી સાઇડ પણ પાંચથી ૭ મિનિટ ચડવા દેવું.
સર્વિંગ ઃ હાંડવાને ચટણી, ચા કે છાશ સાથે લઈ શકાય.