રેસિપી કૉન્ટેસ્ટ : મળી લો આજના વિનર્સને....

01 June, 2022 12:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે વાંચો આ ત્રણ રેસિપી

પ્રતીકાત્મક તસવીર

ફ્લેક્સ સીડ્સ ઓટ્સ ભાખરી

ઉર્વી ઉદય પોપટ, ઘાટકોપર-ઈસ્ટ

સામગ્રી ; અડધો કપ ઓટ્સ ગ્રાઇન્ડ કરેલા, પા કપ ફ્લેક્સ સીડ્સ ગ્રાઇન્ડ કરેલાં, પા કપ નાચણીનો લોટ, પા કપ જુવારનો લોટ, પા કપ ઘઉંનો લોટ, અડચી ચમચી હળદર, અડધી ચમચી ધાણા-જીરું, અડધી ચમચી લાલ મરચું પાઉડર, મીઠું સ્વાદ અનુસાર, એક મોટો ચમચો ફ્લેક્સ સીડ્સ, ભાખરી બનાવવા માટે ઘી.
રીત : ફ્લેક્સ સીડ્સ સિવાયની તમામ સામગ્રી એકસાથે ભેળવીને કડક કણક તૈયાર કરો. લીંબુ જેવડા લૂઆ બનાવી લો. એક લૂઓ લઈ થોડું વણો, એના પર થોડાં ફ્લેક્સ સીડ્સ ભભરાવી ફરી વણો. હવે લોઢી ગરમ મૂકી પહેલાં ઘી વિના વણેલી ભાખરીને બન્ને બાજુએથી થોડી શેકી લો. ત્યાર પછી ઘી મૂકી બન્ને બાજુએથી સરખી શેકી લો. લાકડાના ડટ્ટાથી દબાવીને પણ ભાખરી શેકી શકાય.

 

ફ્યુઝન દાળઢોકળી

ફાલ્ગુની અરવિંદ ગાલા, અંધેરી-વેસ્ટ

સામગ્રી : બાફેલી તુવેરદાળ ૧ વાટકી, મસાલાવાળો રોટલીનો લોટ ૭થી ૮ રોટલી જેટલો, લીલાં મરચાં ૩થી ૪, લીમડાંનાં પાન ૮થી ૧૦, રાઈ-જીરું ૧ ચમચી, હિંગ ચપટી, કોથમીર ૧ વાટકી, પનીર ૧૦૦ ગ્રામ, ચાટ મસાલો ૧ ચમચી, ઓરેગેનો અડધી ચમચી, મીઠું-સંચળ જરૂર પ્રમાણે, કોકમ ૩થી ૪
લોટ માટે : ઘઉંના લોટમાં ૩થી ૪ ચમચી મોણ નાખી લાલ મરચું, હળદર, મીઠું ઉમેરી રોટલી જેવો લોટ બાંધવો. 
ભરવા માટે : પનીરને ક્રશ કરી એમાં એક વાટકી સમારેલી કોથમીર, ચાટ મસાલો, ઓરેગેનો, સંચળ નાખી સ્ટફિંગ માટેનો મસાલો તૈયાર કરવો. 
દાળ : એક કડાઈમાં તેલ નાખી રાઈ, જીરું, હિંગ, લીલાં મરચાં, લીમડો નાખીને દાળ વઘારવી. પાણી થોડું વધારે નાખવું. એમાં એકથી બે ચમચી સાકર અથવા ગોળ અને ૩થી ૪ કોકમ નાખી દાળને ઊકળવા દેવી. 
ફ્યુઝન ઢોકળી માટે : લોટની પૂરી વણી એમાં થોડું પનીરવાળું મિશ્રણ નાખી પ્રથમ ઘૂઘરાની જેમ વાળી પછી બંને છેડેથી ભેગું કરી વાટકી જેવું બનાવવું. ઉકાળેલી દાળમાં આ ફ્યુઝન ઢોકળી નાખીને સારી રીતે પકાવી લેવી. ઉપરથી ખમણેલું ચીઝ, કોપરું અને કોથમીર નાખીને સર્વ કરવું. 

 

જુવારના લોટનાં નૂડલ્સ

વૈશાલી અરવિંદ ઠક્કર, કાંદિવલી-વેસ્ટ

સામગ્રી : ૧ કપ જુવારનો લોટ, ૧ ડુંગળી, ૧ ટમેટું, ૧ ગાજર, ૧ કૅપ્સિકમ, ૨ ચમચી વટાણા, પાંચ કળી લસણ, ૨ લીલાં મરચાં, ૧ ચમચી લાલ મરચું પાઉડર, ૧ ચમચી મૅગી મસાલા, ચપટીક હળદર, મીઠું સ્વાદ પ્રમાણે, ૨ ચમચી વઘાર માટે તેલ, પાણી જરૂરિયાત મુજબ લોટ બાંધવા માટે. 
રીત : સૌપ્રથમ જુવારના લોટમાં મીઠું નાખી નવશેકા પાણીથી લોટ બાંધવો. હવે સેવ પાડવાના સંચાથી નૂડલ્સ પાડી લેવાં. જે થાળીમાં નૂડલ્સ પાડવાં હોય એ થાળીને તેલથી પહેલાં ગ્રીસ કરી લેવી. હવે નૂડલ્સને સ્ટીમરમાં બાફી લેવા. ત્યાર બાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં સમારેલી ડુંગળી, કૅપ્સિકમ, ગાજર, વટાણા, વાટેલાં આદું-મરચાં, 
લસણ નાખી ત્રણથી ચાર મિનિટ સાંતળો. હવે એમાં મીઠું, મરચું, મૅગી મસાલા, હળદર નાખી ફરી બે મિનિટ સાંતળો. ત્યાર પછી ટમેટાં નાખો. હવે બાફેલાં ઠંડાં થયેલાં નૂડલ્સને મિક્સ કરો. ઉપરથી કોથમીર નાખી ગરમાગરમ નૂડલ્સ સર્વ કરો.

life and style Gujarati food indian food mumbai food