01 February, 2022 08:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
તમે ક્યારેય ઑબ્ઝર્વ કર્યું છે કે હેરસ્ટાઇલિસ્ટ તમારા માથામાં એક-બે ડિફરન્ટ પ્રકારનાં બ્રશ ફેરવે અને તમારા વાળની આખી સ્ટાઇલ અને લુક જ ચેન્જ થઈ જાય છે. પાછળથી પાંખા લાગતા વાળનું વૉલ્યુમ વધી ગયું હોય એવું લાગે છે. વાળમાં ચોક્કસ પ્રકારના વેવ્સ ક્રીએટ થાય છે. યસ, આ કારીગરી છે વિવિધ પ્રકારનાં બ્રશની. જો તમે ઘરમાં જ કેટલાંક બેઝિક અને તમારા વાળની જરૂરિયાત મુજબનાં હેરબ્રશ વસાવી લેશો તો ઘરમાં જ મિની હેરસૅલોં બની જશે અને તમે રોજ નવી હેરસ્ટાઇલ કરી શકશો. રાતમારા વાળ અને તમે કેવી હેરસ્ટાઇલ કરવા માગો છો એ સમજીને જો હેરબ્રશ વાપરવામાં આવે તો હેરસ્ટાઇલિંગ બહુ સરળ થઈ જાય.
ડીટૅન્ગલર બ્રશ : આ બ્રશ દરેક હેર ટાઇપને સૂટ થાય છે. ખૂબ જાડા, કર્લી વાળ હોય તો પણ. આવાં બ્રશથી વાળમાં પડેલી ગૂંચ વાળને ડૅમેજ કર્યા વિના ઊકલી જાય છે. આ બ્રશ તમે ભીના અને કોરા બન્ને વાળમાં વાપરી શકો છો.
વેટ હેરબ્રશઃ આમ તો ભીનાવાળમાં કાંસકો કે બ્રશ ફેરવવું હાનિકારક છે, એમ છતાં જો તમને ભીના વાળ જ ઓળવાની આદત હોય તો આ બ્રશ વસાવવું જોઈએ. એના સૉફ્ટ દાંતા ભીના વાળને ડૅમેજ કર્યા વિના ગૂંચ ઉકેલે છે. કર્લી હેર હોય ત્યારે ભીના વાળમાં જ બ્રશ ફેરવી લેવું જોઈએ.
પૅડલ હેરબ્રશઃ આ બ્રશ વાળને સીધા કરવા માટે વપરાય છે. એનાથી સ્કૅલ્પની ચામડીમાંથી ઑઇલ સીક્રીશન સુધરે છે. વાળનાં મૂળ મજબૂત થાય છે, સરળતાથી વાળ તૂટતા નથી. જ્યારે વાળ પાતળા હોય અને જથ્થો ઓછો હોય ત્યારે આ બ્રશ વાળને વૉલ્યુમ આપે છે. વિવિધ લેયરવાળી હેરસ્ટાઇલ આપવા માટે આ બ્રશ કામનું છે. વાળનો જથ્થો બહુ હોય ત્યારે આ બ્રશ બહુ સારું કામ નથી આપતું. લાંબા વાળ ધરાવતા લોકો માટે આ બ્રશ બહુ ઉપયોગી છે.
થર્મલ બ્રશઃ સપાટ અને રાઉન્ડ એમ બે પ્રકારનાં થર્મલ બ્રશ આવે છે. રાઉન્ડ બ્રશમાં વપરાતું વચ્ચેનું બૅરલ સિરૅમિક, ટાઇટેનિયમ કે ટૉર્માલિનનું બનેલું હોય છે જે ઘર્ષણથી ગરમ થઈ જાય છે. જોકે એનાથી વાળ ડ્રાય થવાની સ્પીડ વધી જાય છે. રાઉન્ડ બ્રશ રોલર્સની જેમ કર્લ માટે વપરાય છે. એનું હૅન્ડલિંગ શીખવું જરૂરી છે. એનાથી
વાળ ડ્રાય અને ડલ જલદી થઈ જાય છે.
બોઅર અને નાયલૉન બ્રશ : નૅચરલ બ્રશની કૅટેગરીમાં આવે છે ટાઇની બોઅર બ્રશ. એ રિયલ જંગલી સૂઅરની રુવાંટીમાંથી બનાવવામાં આવે છે. એ સૉફ્ટ હોવાથી વાળને ડૅમેજ નથી કરતા અને સ્કૅલ્પમાં હેલ્ધી ઑઇલનો સ્રાવ કરાવે છે. ખૂબ પાતળા, એજિંગ હેરની કૅર માટે આ બ્રશ બહુ કામનું છે. અલબત્ત, એ મોંઘું પડી શકે છે. એનો સસ્તો ઑપ્શન નાયલોન બ્રિસ્ટલ બ્રશનો છે. જ્યારે પ્રત્યેક વાળ જાડો હોય અને જથ્થો પણ વધારે હોય ત્યારે એની ગૂંચ માટે આ બ્રશ સારું પડશે.
ટીઝિંગ બ્રશઃ આ પ્રકારનાં બ્રશ વાળ ઓળવા માટે નહીં પણ કપાળની ઉપરના ભાગના વાળમાં વૉલ્યુમ ક્રીએટ કરવા માટે વપરાય છે. એને રિવર્સમાં ઓળીને વાળનો જથ્થો વધુ હોવાનો આભાસ કરાવી શકાય છે. હેરલૉસ ખૂબ હોય ત્યારે માથાના ઉપરના ભાગમાં આ બ્રશ કામનું છે.
સ્ટ્રેટનિંગ બ્રશઃ આજકાલ સ્ટ્રેટ વાળની ફૅશન છે એવામાં હૉટ આયર્નનો ઉપયોગ વધુ થાય તો વાળ ડૅમેજ થઈ શકે છે. સ્ટ્રેટનિંગ બ્રશ આયર્ન સ્ટ્રેટનર અને પૅડલ બ્રશનું કૉમ્બિનેશન છે. આ બ્રશ ગરમ થઈને વાળને ખૂબ ઝડપથી સ્મૂધ અને સ્ટ્રેટ કરી શકે છે.