03 May, 2022 12:31 PM IST | Mumbai | Aparna Shirish
ભલે વપરાશ ઓછો હોય; પણ આ એક એવો ટ્રેન્ડ છે જે તમને આકર્ષણનું કેન્દ્ર જરૂર બનાવશે, કારણ કે માઇક્રો બૅગ છે જ એટલી આકર્ષક અને ક્યુટ કે એ જોતાં જ મનમાં વસી જાય છે. રિમા શાહ, હૅન્ડબૅગ ડિઝાઇનર
શું આ એક બૅગ છે કે બૅગ પર લગાવવાનું બૅગ-ચાર્મ કે પછી ઇયર-પ્લગ રાખવા માટેની ઍક્સેસરી? નજર સામે આવતાં જ આવા પ્રશ્નો મનમાં આવવા લાગે એવી છે આ માઇક્રો બૅગ. તાજેતરમાં દિશા પટણી એક ઇવેન્ટમાં આવી જ એક ટચૂકડી બૅગ લઈને આવી હતી અને બૅગની સાઇઝને લઈને ટ્રોલ પણ થઈ હતી. આ પહેલાં પ્રિયંકા ચોપડા પણ ઘણી વાર આવી ટચૂકડી બૅગ સાથે જોવા મળી છે. આ ટ્રેન્ડ વિશે હૅન્ડબૅગ ડિઝાઇનર રિમા શાહ કહે છે, ‘ભલે પ્રૅક્ટિકલ ન હોય, પણ આ બૅગ તમને આકર્ષણનું કેન્દ્ર જરૂર બનાવે છે.’
માઇક્રો બૅગની વેવ | ૨૦૦૦થી લઈને ૨૦૧૦ દરમિયાન મોટી સાઇઝની ટોટ બૅગ ખૂબ ટ્રેન્ડમાં હતી. એ પછી આવ્યો નાની શોલ્ડર બૅગનો ટ્રેન્ડ. બૅગ-લવર મોટી બૅગ વાપરીને કંટાળી ગયા હતા. કંઈક નવું ટ્રાય કરવા માટે તેમણે નાના હૅન્ડલવાળી મિની શોલ્ડર બૅગના ટ્રેન્ડને વધાવી લીધો. ત્યાર બાદ બૅગની સાઇઝ જાણે ઘટતી જ ગઈ. ઘણા ફૅશન-ક્રિટિક્સે તો આ માઇક્રો બેગને બૅગ બનાવતી મોટી બ્રૅન્ડ્સનું એક માર્કેટિંગ ગિમિક પણ ગણાવ્યું છે. શરૂઆત કરી કેટલીક ઇન્ટરનૅશનલ બ્રૅન્ડ્સે અને એ પછી તો દુનિયાભરની બૅગ-બ્રેન્ડ્સ આમાં કૂદી પડી. આજે દરેક બ્રેન્ડ આવી નાની સાઇઝની બૅગ બનાવે છે જે ક્યારેક બૅગ અટૅચમેન્ટ તરીકે અને ક્યારેક માઇક્રો બૅગ તરીકે જ વપરાય છે.
કેટલી પ્રૅક્ટિકલ? | આ બૅગની સૌથી મોટી સમસ્યા એ છે કે એમાં આજની આપણી જીવનજરૂરિયાતની વસ્તુ એટલે કે સ્માર્ટફોન સમાતો નથી. એટલે જ આ માઇક્રો બૅગનો ટ્રેન્ડ પૂરી રીતે હજી અપનાવાયો નથી. દેખાવમાં ક્યુટ લાગતી આ બૅગ વધુમાં વધુ ઇયરપોડ્સ, ક્રેડિટ કે ડેબિટ કાર્ડ, ચાવી અને થોડા પૈસા સમાવી શકે. બૅગ ડિઝાઇનર રીમા શાહ કહે છે, ‘ભલે આ મિની બૅગમાં વધુ કંઈ સમાતું ન હોય, પણ આવી નાની બૅગ તમારી મોબિલિટીમાં વધારો જરૂર કરે છે. બૅગમાં વસ્તુઓ જેટલી ઓછી એટલી જ એની ચિંતા પણ ઓછી.’
માઇક્રો બૅગના પ્રકાર | માઇક્રો બૅગમાં ફક્ત હૅન્ડબૅગ જ છે એવું નથી. નાની સાઇઝની બૅગમાં ઘણા પ્રકારો જોવા મળી રહ્યા છે. કાંડા પર બાંધી શકાય એવી બ્રેસલેટ બૅગ, કમર પર પટ્ટા સાથે જોડી શકાય એવી બેલ્ટ બૅગ તેમ જ સ્લિંગ બૅગમાં પણ માઇક્રો સાઇઝની બૅગ જોવા મળી રહી છે. એ સિવાય આ બૅગને મોટી બૅગના હૅન્ડલ પર એક ચાર્મ તરીકે પણ લટકાવવામાં આવે છે.
કેવી સાઇઝ પસંદ કરવી? | જો તમને આ માઇક્રો બૅગનો ટ્રેન્ડ પસંદ આવી ગયો હોય તો એટલી સાઇઝની બૅગ પસંદ કરવી જેમાં તમારો સ્માર્ટફોન આસાનીથી રહી જાય. એ સિવાય જો મોબાઇલ સાથે રાખવાની પળોજણ ન હોય તો ક્રેડિટ કાર્ડ અને થોડી કૅશ, તમારા ઇયરપૉડ અને ચાવીઓ સમાઈ જાય એટલી સાઇઝ બૅગની હોવી જરૂરી છે. બાકી આ એક ફૅશન-ટ્રેન્ડ છે જે ૨૦૨૨માં તો રહેવાનો જ. એટલે જો અપનાવવો હોય તો એને પોતાની જરૂરત પ્રમાણે પ્રૅક્ટિકલ બનાવી દો.
ભલે વપરાશ ઓછો હોય; પણ આ એક એવો ટ્રેન્ડ છે જે તમને આકર્ષણનું કેન્દ્ર જરૂર બનાવશે, કારણ કે માઇક્રો બૅગ છે જ એટલી આકર્ષક અને ક્યુટ કે એ જોતાં જ મનમાં વસી જાય છે.
રિમા શાહ, હૅન્ડબૅગ ડિઝાઇનર