31 March, 2022 12:32 PM IST | Mumbai | Rachana Joshi
અભિનેત્રી નીલમ પંચાલ શૅર કરે છે વૉર્ડરૉબ સિક્રેટ
સેલિબ્રિટી જેવી લાઈફ જીવવાની, સ્ટાર્સ જેવા દેખાવાનું, સેલેબ્ઝની ફેશન અનુસરવાનું દરેક સામાન્ય વ્યક્તિનું સપનું હોય છે. સેલેબ્ઝના જીવનમાં શું ચાલી રહ્યું છે તે તો થોડાઘણા અંશે તેમના સોશ્યલ મીડિયા પોસ્ટ પરથી જાણી શકાય છે. તેમની ફેશનનો અંદાજો પણ ઇન્ટરનેટ આપી જ દે છે. પરંતુ દરેક વ્યક્તિને સેલેબ્ઝની ફેશન, સ્ટાઇલ અને વૉર્ડરૉબ વિશે હંમેશા વધુને વધુ જાણવાની ઇચ્છા હોય જ છે. સેલેબ્ઝના વૉર્ડરૉબમાં શું હોય છે, તેઓ વૉર્ડરૉબનું ધ્યાન કઇ રીતે રાખે છે વગેરે બાબતો તમને જાણવા મળે તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે, ‘Wardrobe Wednesday`. દર મહિનાના છેલ્લા બુધવારે ‘Wardrobe Wednesday’માં અમે તમને સેલિબ્રિટીઝના ‘વૉર્ડરૉબ સિક્રેટ’ જણાવીશું.
નેશનલ ઍવૉર્ડ વિજેતા ફિલ્મ ‘હેલ્લારો’ અને ‘૨૧મું ટિફિન’ ફેમ અભિનેત્રી નીલમ પંચાલ (Niilam Paanchal) આજે આપણી સાથે તેમના વૉર્ડરૉબ સિક્રેટ શૅર કરે છે. આવો જાણીએ તેમના જ શબ્દોમાં...
સવાલ : વૉર્ડરૉબમાં તમાર કેટલા કમ્પાર્ટમેન્ટ/શૅલ્ફ છે?
જવાબ : મને વૉર્ડરૉબમાં ડ્રોવર સ્ટાઇલ જરાય ફાવતી નથી. કારણકે ડ્રોવરની ચેનલ્સ બહુ જગ્યા રોકે અને તેને કારણે વૉર્ડરૉબની અંદરની જગ્યા ઓછી થાય છે. મને જુની સ્ટાઇલના કબાટ જેવા એટલે કે જેમાં શૅલ્ફ હોય એવા વૉર્ડરૉબ જ ગમે છે અને ફાવે પણ છે. મારું એવું આઠ મોટા શૅલ્ફ વાળું કબાટ છે.
સવાલ : વૉર્ડરૉબ કોઈની સાથે શૅર કરવું પડે તો તમને ગમે?
જવાબ : મારા ઘરમાં વૉર્ડરૉબને મામલે મારી જ જોહુકમી ચાલે છે. ક્યા અને કઈ રીતે કપડાં ગોઠવવાના એ હું જ નક્કી કરું છું. આમેય ઘરમાં હું જ બધાના કબાટ ગોઠવું છું. મેં ગોઠવેલું હોય એટલે બધું વ્યવસ્થિત જ હોય. એટલે કદાચ શૅર કરવાનું આવે તો પણ મને વાંધો ન આવે.
નીલમ પંચાલનું વૉર્ડરૉબ
સવાલ : તમારા વૉર્ડરૉબનો યુએસપી (USP) શું છે?
જવાબ : ચોખ્ખાઈ. મારા નજીકના દરેક લોકોને ખબર છે કે, હું ચોખ્ખાઇની ખુબ જ આગ્રહી છું. મને દરેક વસ્તુ બહુ જ ચોખ્ખી અને વ્યવસ્થિત જોઈએ, વૉર્ડરૉબ પણ.
સવાલ : તમે તમારા વૉર્ડરૉબને કેટલા સમયાંતરે સાફ કે ઑર્ગેનાઇઝ કરો છો?
જવાબ : મેં કહ્યું એમ મને જરાય આડું અવળું ચાલે નહીં એટલે હું સમય મળે ત્યારે વૉર્ડરૉબ ઑર્ગેનાઇઝ કરું. રાત્રે તમને ખલેલ પહોંચાડવા વાળું કોઈ ન હોય ત્યારે મને સફાઈ કરવાનું ગમે. જો મને ઉંઘ ન આવતી હોય તો હું અડધી રાત્રે પણ વૉર્ડરૉબની સફાઇ કરવા મંડી પડું છું. મારા માટે સાફ-સફાઇ એ મેડિટેશન છે.
સવાલ : તમે સેલિબ્રિટી છો એટલે તમારી પાસે કપડાંનું કલેક્શન બહું હોય એ સામાન્ય વાત છે. તો તમે બધા કપડાં અરેન્જ કરવાનો/ગોઠવવાનો ટાઇમ કઈ રીતે ફાળવો છો?
જવાબ : મારે સ્પેશ્યલી વૉર્ડરૉબ સાફ કરવું પડે એવું ક્યારેય થતું નથી. પહેલું કારણ કે મને ચોખ્ખાઇ જોઈએ એટલે હું નાની-નાની બાબતનું ધ્યાન રાખું કે તે આડી અવળી ન મુકાઈ જાય. એટલે સામાન્ય રીતે વસ્તુઓ તેની જગ્યાએ જ મુકાતી હોય છે. બીજું મારા ઘરે નિયમ છે કે દર વર્ષે દિવાળીમાં અમે ઘરની દરેક વ્યક્તિના કપડાંની એક-એક મોટી જમ્બો થેલી ભરાય એટલા કપડાં જરુરિયાતમંદો માટે કાઢીએ છીએ. એટલે સમયાંતરે કપડાં વૉર્ડરૉબમાંથી ખાલી થતા જાય. આપણે ત્યાં જગ્યા થતી જાય અને જેને જરુર છે તેને મદદ મળતી જાય.
સવાલ : વૉર્ડરૉબ ગોઠવવાનો તમારો યુએસપી (USP) શું છે?
જવાબ : દરેક વસ્તુના સેક્શન છે. જેમ કે, ઉપરના ખાનામાં સાડી-બ્લાઉઝ છે. સાડી ક્યારેક પહેરવાની હોય એટલે એ ઉપર ચાલે. પછી વચ્ચે જે ખાનું છે તેમાં જીન્સ-ટીશર્ટ અને વેસ્ટર્ન ડ્રેસ છે. એ મને દરરોજ જોઈએ એટલે વૉર્ડરૉબ ખોલતા નજર સામે દેખાય એ રીતે ગોઠવ્યા છે. પછી સૌથી નીચે સલવાર-કમીઝ ગોઠવ્યા છે. જે કપડાંની જેટલી જરુરિયાત એ રીતે ચઢતા-ઉતરતા ક્રમમાં ગોઠવ્યા છે અને ઍક્સેસરીઝ નાના ડ્રોવરમાં ગોઠવી છે. સુવ્યવસ્થિત ગોઠવણીને મારા વૉર્ડરૉબનો યુએસપી કહી શકાય.
સવાલ : કોઈ એવી ટિપ્સ આપો જેનાથી વૉર્ડરૉબ જલ્દીથી ગોઠવાઈ જાય, એમાં મુકેલી વસ્તુઓ જલ્દી મળી જાય.
જવાબ : તમે તમારા વૉર્ડરૉબમાં સેક્શન મુજબ દરેક કપડાં કવરની અંદર મુકીને મુકશો તો તમને ગોઠવવામાં સરળ પડશે અને જ્યારે તે કપડાં જોઈતા હશે ત્યારે સરળતાથી મળી પણ જશે. તેમજ ડામરની ગોળી કે લવિંગ મુકવાથી લાકડાનું કબાટ સારું રહે તેવી મારાં મમ્મી અને સાસુએ આપેલી ટિપ્સ હું ફૉલો કરું છું.
નીલમ પંચાલના વૉર્ડરૉબમાં એક કવરમાં સાડી અને બ્લાઉઝ હોય અને બાજુમાં પેટીકોટ
સવાલ : તમે ક્યારેય ગણતરી કરી છે કે તમારી પાસે કેટલાં જોડી કપડાં છે? કેટલાં જોડી શૂઝ/ચપ્પલ/સેન્ડલ્સ છે?
જવાબ : કપડાં તો ક્યારેય ગણ્યા નથી. પણ હા અત્યારે લગભગ ૩૦થી ૪૦ જોડી શૂઝ-ચપ્પલ છે. હું અમદાવાદમાં મૉડલિંગ કરતી હતી તે સમયે મારી પાસે ૧૫૦ જોડી કરતા પણ વધુ શૂઝ-ચપ્પલ હતા. મુંબઈમાં ભેજવાળા વાતાવરણને કારણે ચામડું જલ્દી ખરાબ થઈ જાય છે એટલે હું હવે વધુ ચપ્પલ રાખતી નથી. મને પર્સનો પણ બહુ જ શોખ છે પરંતુ ભેજવાળા વાતાવરણને કારણે હું પર્સનું બહુ કલેક્શન રાખી શકતી નથી.
સવાલ : તમારા વૉર્ડરૉબમાં સૌથી મોંધી વસ્તુ કઈ છે અને સૌથી સસ્તી વસ્તુ કઈ છે?
જવાબ : મોંધી વસ્તુ કહું તો મારું પાનેતર અને બીજું Diorનું Poison પરફ્યુમ. મને પરફ્યુમનો બહુ જ શોખ છે. મારી પાસે Poisonનું સૌથી મોંધામાં મોંધુ પરફ્યુમ છે. Diorનું Poison મારું ફેવરિટ પરફ્યુમ છે. સસ્તી વસ્તુની વાત કરું તો કાનની ઈઅરરિંગ્સ હશે. અને હા, ઇંઢોણી. એ ઇંઢોંણીનું પૈસાનું મુલ્ય ભાગ્યે વીસ કે ત્રીસ રુપિયા જ છે. પણ મારે મન એ બહુ અમુલ્ય છે. એ હું અમદાવાદથી લાવી હતી અને ફિલ્મ ‘હેલ્લારો’માં પણ મેં આ જ એક ઇંઢોણી વાપરી હતી.
સવાલ : જ્યારે કપડાં પહેરવાની વાત આવે ત્યારે તમે સ્ટાઇલને વધુ મહત્વ આપો છો કે તમારા કમ્ફર્ટને વધુ મહત્વ આપો છો?
જવાબ : હું બન્નેને મહત્વ આપીશ. સ્ટાઇલ કરું છું પણ મને કર્મ્ફટેબલ હોય તો જ. રોલ પ્રમાણે વજન વધારવાનું અને ઘટાડવાનું ચાલતું રહે છે. એટલે જ હું મારા વૉર્ડરૉબમાં સ્મૉલથી માંડીને એક્સએલ દરેક સાઇઝના કપડાં રાખું છું ખબર નહીં ક્યારે ક્યાં કામ લાગી જાય.
સવાલ : તમને ટ્રેન્ડ્સ ફૉલૉ કરવાનું ગમે છે કે પછી તમારી કોઈ યુનિક સ્ટાઇલ છે? તમે તમારી સ્ટાઇલને કઈ રીતે વર્ણવશો?
જવાબ : મને મારી યુનિક સ્ટાઇલ કરવાનું ગમે છે. એ જ રીતે ટ્રેન્ડ જો મારા પર સૂટ થાય તો હું ફૉલૉ કરું જ છું. મને હંમેશા લોકો કરતા જુદા કપડાં પહેરવાના ગમે છે. પણ હા મને એકદમ બોડી ફીટ, બોડી રિવિલિંગ અને સ્લિવલેસ કપડાં નથી ગમતા. રીલ લાઇફ અને રિયલ લાઇફ બન્નેમાં હું એવા કપડાં પહેરવાનું ટાળું છું.
એકવાર એક ફોટોશૂટમાં મેં બે સાડી ડ્રેપ કરીને ટ્રેડિશનલ પણ સ્ટાઇલિશ હોય તેવો લૂક કર્યો હતો, જેના લોકોએ ખુબ જ વખાણ કર્યા હતા. પછી મારા ઘણા ફેન્સે એ સ્ટાઇલ ફૉલૉ પણ કરી હતી.
બે સાડી ડ્રેપ લૂક
સવાલ : જેમ ઘરમાં/રુમમાં ગમતો ખૂણો હોય એમ વૉર્ડરૉબમાં તમારું કોઈ મનપસંદ કોર્નર/સેક્શન છે?
જવાબ : ખરું કહું ને તો મારા વૉર્ડરૉબ કરતા પણ મને બીજા રુમમાં રહેતું મારું એક નાનું કબાટ છે જે બહુ ગમે છે. કારણકે એમાં મારા ઘરમાં પહેરવાના અને જીમના કપડાં છે.
સવાલ : તમારા માટે ફેશન એટલે શું?
જવાબ : તમે જે પહેરીને નીકળો એમાં તમારો આત્મવિશ્વાસ હોય એ જ ફેશન. કપડાં પહેરવાની સાથે આત્મવિશ્વાસ પણ રાખો એ બેસ્ટ ફેશન.