નેત્રી ત્રિવેદીનો હૉટ ફેવરિટ લૂક એટલે “કેઝ્યુલ્સ”

27 April, 2022 09:30 AM IST  |  Mumbai | Rachana Joshi

અભિનેત્રી કહે છે કે, ‘ક્યારેક ફિલ્મના પ્રિમિયરમાં પણ મારે સ્લિપર પહેરીને જવાનું હોયને તો મને કોઈ જ વાંધો ન આવે’

અભિનેત્રી નેત્રી ત્રિવેદી શૅર કરે છે વૉર્ડરૉબ સિક્રેટ

સેલિબ્રિટી જેવી લાઈફ જીવવાની, સ્ટાર્સ જેવા દેખાવાનું, સેલેબ્ઝની ફેશન અનુસરવાનું દરેક સામાન્ય વ્યક્તિનું સપનું હોય છે. સેલેબ્ઝના જીવનમાં શું ચાલી રહ્યું છે તે તો થોડાઘણા અંશે તેમના સોશ્યલ મીડિયા પોસ્ટ પરથી જાણી શકાય છે. તેમની ફેશનનો અંદાજો પણ ઇન્ટરનેટ આપી જ દે છે. પરંતુ દરેક વ્યક્તિને સેલેબ્ઝની ફેશન, સ્ટાઇલ અને વૉર્ડરૉબ વિશે હંમેશા વધુને વધુ જાણવાની ઇચ્છા હોય જ છે. સેલેબ્ઝના વૉર્ડરૉબમાં શું હોય છે, તેઓ વૉર્ડરૉબનું ધ્યાન કઇ રીતે રાખે છે વગેરે બાબતો તમને જાણવા મળે તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે, ‘Wardrobe Wednesday`. દર મહિનાના છેલ્લા બુધવારે ‘Wardrobe Wednesday’માં અમે તમને સેલિબ્રિટીઝના ‘વૉર્ડરૉબ સિક્રેટ’ જણાવીશું.

સુપર હીટ ફિલ્મ ‘છેલ્લો દિવસ’ અને ‘૨૧મું ટિફિન’ ફેમ અભિનેત્રી નેત્રી ત્રિવેદી (Netri Trivedi) આજે આપણી સાથે તેમના વૉર્ડરૉબ સિક્રેટ શૅર કરે છે. આવો જાણીએ તેમના જ શબ્દોમાં...

સવાલ : વૉર્ડરૉબમાં તમાર કેટલા કમ્પાર્ટમેન્ટ/શૅલ્ફ છે?

જવાબ : હું વૉર્ડરૉબ તરીકે આજે પણ લોખંડની તિજોરી વાપરું છું. ફેન્સી વૉર્ડરૉબના જમાનામાં પણ તિજોરી વાપરવા પાછળ મારા બે મુખ્ય કારણ છે. પહેલું ઉધઇ ન થાય અને બીજું તિજોરીમાં સામાન ગોઠવવાનું સરળ પડે છે. તે સિવાય મારા રુમમાં તિજોરી એકદમ બરાબર ફીટ થઇ જાય છે એટલે મને એ જ વાપરવાનું ફાવે છે અને ગમે પણ છે.

 

સવાલ : તમારા વૉર્ડરૉબનો યુએસપી (USP) શું છે?

જવાબ : “MESSY”, મોટેભાગે મારું વૉર્ડરૉબ વેર-વિખેર હોય છે અને એ જ તેની ઓળખાણ છે.

નેત્રી ત્રિવેદીનું વૉર્ડરૉબ

સવાલ : તમે તમારા વૉર્ડરૉબને કેટલા સમયાંતરે સાફ કે ઑર્ગેનાઇઝ કરો છો?

જવાબ : મને વૉર્ડરૉબની સાફ-સફાઈ કરવાનો બહુ જ કંટાળો આવે. મેં કબાટમાં ગોઠવણી કરી હોય અને પછી લગભગ ત્રીજા કે ચોથા દિવસે જ તે ફરી પહેલાં જેવું થઈ જાય, વેર-વિખેર.

 

સવાલ : તમે સેલિબ્રિટી છો એટલે તમારી પાસે કપડાંનું કલેક્શન બહુ હોય એ સામાન્ય વાત છે. તો તમે બધા કપડાં અરેન્જ કરવાનો/ગોઠવવાનો ટાઇમ કઈ રીતે ફાળવો છો?

જવાબ : હું વૉર્ડરૉબ ત્યારે જ ઍર્ગેનાઇઝ કરું જયારે મારી મમ્મી મને ગુસ્સો કરે અને બુમો પાડીને કહે કે, ‘નેત્રી આ શું છે? જો તો ખરી તારું કબાટ કેટલું અસ્તવ્યસ્ત થઈ ગયું છે!’ અને બીજું જ્યારે મને એવું લાગે કે હવે મને કોઈ વસ્તુ મળતી નથી અને “ઇટ્સ હાઇ-ટાઇમ” ત્યારે હું વૉર્ડરૉબ ગોઠવવા બેસું.

આમ પણ શોપિંગનો એટલો ક્રેઝ નથી. હમણાં કહ્યું એમ કે એકદમ જ જરુરિયાત આવી પડે તયારે જ વૉર્ડરૉબ ઓર્ગેનાઇઝ કરું એમ હવે લાગે કે મારી પાસે સાવ નવા કપડાં છે જ નહીં ત્યારે જ હું શોપિંગ કરવા જાવ. એમાં પણ મારી મમ્મી કરતાં મારા પપ્પા સાથે મને શોપિંગ કરવાનું વધુ ગમે છે.

 

સવાલ : વૉર્ડરૉબ ગોઠવવાનો તમારો યુએસપી (USP) શું છે?

જવાબ : ભલે મારો વૉર્ડરૉબ મેસી હોય પરંતુ હું જ્યારે પણ તે ગોઠવવા બેસું ત્યારે પ્રસંગ પ્રમાણે અને કયા કપડાંની કેટલી જરુર પડે એ પ્રમાણે સેક્શન મુજબ આગળ-પાછળ કપડાંની ગોઠવણી કરું. પાર્ટી ડ્રેસનું અલગ ખાનું, સાડી બધી એક સાથે, રેગ્યુલર પહેરવાના કપડાંની અલગ થપ્પી કરીને ગોઠવણી કરું. જેથી કપડાં સરળતાથી મળી રહે.

એ સિવાય મારા નાની અને મમ્મી પાસેથી હું શીખી છું કે કપડાંની તિજોરી/કબાટમાં હંમેશા ડામરની ગોળી મુકવી, જેથી કપડામાં દુર્ગંધ ન આવે. મારી તિજોરીમાં ડામરની ગોળી અચુક હોય જ છે.

 

સવાલ : કોઈ એવી ટિપ્સ આપો જેનાથી વૉર્ડરૉબ જલ્દીથી ગોઠવાઈ જાય, એમાં મુકેલી વસ્તુઓ જલ્દી મળી જાય.

જવાબ : હું કબાટ ગોઠવવા બેસું ત્યારે સૌ પ્રથમ આખું કબાટ ખાલી કરી દઉં. બધા જ કપડાં ઢગલો કરું અને પછી વ્યવસ્થિત ગડી વાળીને થપ્પીઓ કરું. પછી તે આખી થપ્પી વૉર્ડરૉબમાં મુકી દઉં.

 

સવાલ : તમે ક્યારેય ગણતરી કરી છે કે તમારી પાસે કેટલાં જોડી કપડાં છે? કેટલાં જોડી શૂઝ/ચપ્પલ/સેન્ડલ્સ છે?

જવાબ : મારી પાસે કેટલાં જોડી કપડાં છે તે તો મેં ગણ્યા નથી. પણ હા શૂઝ-ચપ્પલ બહુ જ ઓછા છે એટલું ચોક્કસ કહીશ. મારા સ્ટાઇલિસ્ટ હંમેશા ગાળો આપતા હોય છે કે, હવે તો તું શૂઝ-ચપ્પલ ખરીદ! જ્યારે મારા મિત્રો પણ કહેતા હોય છે કે, જો હવે અમે તારા પગમાં આ સ્લિપર જોયાને તો અમે ઉઠાવીને ફેંકી દઈશું. હું શૂઝ અને ચપ્પલ કરતાં સ્લિપરમાં વધારે કર્મ્ફટેબલ હોઉં છું. જો કોઈ ફિલ્મના પ્રિમિયરમાં પણ મારે સ્લિપર પહેરીને જવાનું હોયને તો મને કોઈ જ વાંધો ન આવે.

 

સવાલ : જ્યારે કપડાં પહેરવાની વાત આવે ત્યારે તમે સ્ટાઇલને વધુ મહત્વ આપો છો કે તમારા કમ્ફર્ટને વધુ મહત્વ આપો છો?

જવાબ : સ્ટાઇલ મહત્વની નથી એવું તો હું નહીં કહું. પણ હા જે કપડાંમાં હું કમ્ફર્ટેબલ હોઉં તે જ પહેરવાનું પસંદ કરું છું. હું કમ્ફર્ટેબલ ફીલ ન કરું તો મારો આત્મવિશ્વાસ ડગમગી જાય. એટલે મારું માનવું છે કે, જો તમે કોઈ નવી સ્ટાઇલ અપનાવો તો પહેલાં પોતે સારું ફીલ કરો એટલે કમ્ફર્ટ જાતે જ આવી જશે.

મને મિસ-મેચ કરવું બહુ ગમે. હું જોગર્સ સાથે જુદા-જુદા ટી-શર્ટ મેચ કરી દઉં, બૉયફ્રેન્ડ જીન્સ અને ક્રોપ ટૉપ પહેરું. જીન્સ અને કુર્તો મેચ કરું. એ પ્રકારે મિસ મેચ કરીને મારી એક અલગ સ્ટાઇલ કરતી હોઉં છું.

 

સવાલ : તમને ટ્રેન્ડ્સ ફૉલૉ કરવાનું ગમે છે કે પછી તમારી કોઈ યુનિક સ્ટાઇલ છે? તમે તમારી સ્ટાઇલને કઈ રીતે વર્ણવશો?

જવાબ : હું ગાંડા કે વિચિત્ર ટ્રેન્ડ્સ ફૉલૉ ક્યારેય ન કરું. પણ જો કોઇ ટ્રેન્ડ જોઈને મને લાગે કે હા આમા મને મજા આવશે તો હું એ ચોક્કસ ફૉલૉ કરું. આય ઑલ્વેઝ ચુઝ ધ ટ્રેન્ડ.

સ્ટાઇલની વાત કરું તો, કેઝ્યુલ એન્ડ ઍથનિક ઈઝ માય ટાઇપ ઑફ સ્ટાઇલ. મને લુઝ ટી-શર્ટ અને જોગર્સ પહેરવા ગમે છે. તેમ જ ઇન્ડિયન સ્ટાઇલ તમને કયારેય નિરાશ નહીં કરે. ઇન્ડિયન આઉટફિટ હંમેશા મારી સેફ ચોઇસ રહ્યાં છે. ક્યારેક મૂડ લિફ્ટ કરવા પણ હું કુર્તા પાયજામા સાથે સિમ્પલ ડાર્ક કાજલ અને હૅર બન પછી ઝુમકાથી લુક કમ્પલિટ કરતી હોઉં છું.

 

સવાલ : જેમ ઘરમાં/રુમમાં ગમતો ખૂણો હોય એમ વૉર્ડરૉબમાં તમારું કોઈ મનપસંદ કોર્નર/સેક્શન છે?

જવાબ : કેઝયુલ કોર્નર મારુ મનગમતું છે. ટી-શર્ટ અને જેગિન્સ હોય એ કોર્નર સૌથી વધારે ગમે.

 

સવાલ : તમારા વૉર્ડરૉબમાં સૌથી મોંધી વસ્તુ કઈ છે અને સૌથી સસ્તી વસ્તુ કઈ છે?

જવાબ : મેં રોડ પરથી કે પછી મેળામાંથી જે શોપિંગ કરી છે એનું મુલ્ય પૈસાની દ્રષ્ટિએ બહુ ઓછું છે. એમાં ૧૦૦ કે ૧૫૦ રુપિયાના ચપ્પલો પણ આવી ગયા અને ૨૦ કે ૩૦ રુપિયાની બુટ્ટીઓ પણ આવી ગઈ.

સૌથી મોંધી વસ્તુની વાત કરુંને તો એક સિમ્પલ ફુલ સ્લિવનો બ્લેક ડ્રેસ છે. જે મારો ભાઈ મારા માટે પેરિસથી લાવ્યો હતો. મારા ભાઈને છોકરીઓની ફેશન અને તેમના માટે શોપિંગની એટલી ખબર ન પડે. પણ એ પેરિસ ગયો ત્યારે મેં એને કહેલું કે પેરિસ તો ફેશન હબ છે એટલે તારે ત્યાંથી મારા માટે શોપિંગ કરવું જ પડશે. તો એ ત્યાંથી આ બ્લેક ડ્રેસ લઈ આવ્યો હતો. એ ડ્રેસ માટે એણે પૈસા ભલે વધુ ચુકવ્યા હતા પરંતુ તેણે જે પ્રયત્નો કર્યા હતા એ વધુ મહત્વના છે. આ સિમ્પલ અને એલિગન્ટ બ્લેક ડ્રેસનું પૈસા અને યાદો બન્ને રીતે મારા જીવનમાં અને વૉર્ડરૉબમાં બહુમુલ્ય છે.

બાકી હું કપડાં ખરીદવમાં થોડીક ચિવટ રાખું છું. અમુક બજેટથી ઉપરના કપડાં ન લેવા, અમુક પ્રકારના પ્રસંગ માટે એક લિમિટ સુધી જ ખર્ચો કરવો વગેરે હું નક્કી કરું છું. મને નવા-નવા કપડાં પહેરવા ગમે છે. પણ તેનો અર્થ એ નહીં કે જેટલી પણ કમાણી છે તે બધી જ ખરીદી કરવમાં વેડફી નાખું.

 

આ પણ વાંચો : હું અડધી રાત્રે પણ મારું વૉર્ડરૉબ ગોઠવવા બેસી જાઉં છું : નીલમ પંચાલ

 

સવાલ : તમારા હિસાબે કયા પાંચ આઉટફિટ વૉર્ડરૉબમાં હોવા જ જોઈએ?

જવાબ : મારા હિસાબે આ પાંચ જોડી આઉટફિટ હોવા જ જોઈએ. પહેલું એક ઇન્ડિયન ટ્રેડિશનલ સેટ, કુર્તો-પાયજામો અને દુપટ્ટો. જે તમે ગઝલ નાઇટમાં પણ પહેરીને જઈ શકો અને લગ્ન પ્રસંગે પણ પહેરી શકો. બીજું એક ક્યૂટ-લિટલ ફ્રોક હોવું જોઈએ. ત્રીજું અને મહત્વનું ડેનિમનું જૅકેટ તમારા વૉર્ડરૉબમાં હોવું જ જોઈએ. કારણકે જૅકેટને તમે કોઈપણ આઉટફિટ પર સેટ કરી શકો છો. મેં વન પિસ, જીન્સ, જોગર્સ, દરેક પર ડેનિમ જૅકેટ પહેર્યું છે. એક જીન્સ હોવું જોઈએ જેના પર તમે ક્રોપ ટોપ કે પછી ટી-શર્ટ કંઈપણ પહેરી શકો. લાસ્ટ એક કર્મ્ફટેબલ જોર્ગસ હોવા જોઈએ. જે તમે કોઈપણ ઋતુમાં અને કોઈપણ સમયે પહેરી શકો.

 

સવાલ : તમારા માટે ફેશન એટલે શું?

જવાબ : મારા માટે ફેશન એટલે, ભલેને તમે સાદું ટી-શર્ટ પહેર્યું હોય પણ એ પહેર્યા પછી તમે તેને કઈ રીતે કૅરી કરો છો એ મહત્વનું છે. તમે ગમે તે ડ્રેસ પહેરો અને સાથે આત્મવિશ્વાસ કેળવો કે અને પોતે સારું ફીલ કરો એટલે સારું જ લાગતું હોય છે. મારી મમ્મી હંમેશા કહે છે કે, ‘બે રુપિયાની વસ્તુ બસ્સોની હોય એ રીતે પહેરવાની’.

life and style fashion fashion news dhollywood news netri trivedi rachana joshi