03 February, 2022 01:42 PM IST | Mumbai | Varsha Chitaliya
મોહિત પટેલ અને કિંજલ મહેતા
હાઈપ્રોફાઇલ કપલ હોય કે સામાન્ય પરિવારનાં સંતાનો, બધાં જ પોતાના બજેટ પ્રમાણે પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવતાં થઈ ગયાં છે. છેલ્લાં કેટલાંક વર્ષથી ટુ બી મૅરિડ કપલમાં આ ટ્રેન્ડ ખાસ્સો પૉપ્યુલર છે. વાસ્તવમાં લગ્નના દિવસ કરતાં પણ વધુ એક્સાઇટમેન્ટ પ્રી-વેડિંગ ફોટોગ્રાફી માટે જોવા મળે છે, કારણ કે શહેરની ભીડભાડથી દૂર એકાંતમાં તેઓ ઇચ્છે એવા રોમૅન્ટિક પોઝ આપી શકે છે. કન્સેપ્ટ નવો નથી, પરંતુ દર સીઝનમાં કપલની પસંદગી અને સ્થળો બદલાતાં રહે છે. દરેક કપલ હટકે લોકેશનની તલાશમાં હોય છે. ઘણી વાર પૈસા ખર્ચીને પણ સારાં લોકેશન મળતાં નથી. પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે તમે પણ પ્લાનિંગ કરી રહ્યા હો તો કેટલાંક કપલે શૅર કરેલા લોકેશન્સ અને આઇડિયાઝ પર નજર ફેરવી લો.
નૅચરલ સેટિંગ
બોરીવલીના ગ્રૂમ મોહિત પટેલ અને નાલાસોપારાની બ્રાઇડ કિંજલ મહેતાનાં ૭મી ફેબ્રુઆરીએ લગ્ન થવાનાં છે. પ્રી-વેડિંગ ફોટોશૂટના આઇડિયાઝ અને લોકેશન વિશે વાત કરતાં આ કપલ કહે છે, ‘દરિયાકિનારો, નાળિયેરનાં વૃક્ષો અને ચારે તરફ હરિયાળી હોય એવી જગ્યાએ જઈને અમારે રોમૅન્ટિક પિક્ચર્સ ક્લિક કરવા હતાં. આજકાલ ૨૫-૩૦ હજાર રૂપિયાનો ખર્ચ કરી અનેક કપલ્સ સ્ટુડિયો ફોટોગ્રાફી કરાવે છે. અમે ફીલ કર્યું કે આવી ફોટોગ્રાફીમાં એ એસેન્સ નથી જેની અમને તલાશ છે. રિયલ લોકેશનની તુલના સેટ્સ સાથે ન થાય. ફોટોગ્રાફર સાથે ડિસ્કસ કરીને મુંબઈથી નજીકનાં બ્યુટિેફુલ લોકેશન કેલવે બીચ વિસ્તાર પસંદ કર્યો. બે ફોટોગ્રાફર ઉપરાંત મેકઅપ આર્ટિસ્ટને પણ હાયર કર્યા હતા. બાય રોડ પાલઘર તરફ જતાં એક બ્રિજ આવ્યો. ફોટોગ્રાફરને આ જગ્યા પર્ફેક્ટ લાગતાં કેટલાક ફોટો ક્લિક કર્યા. વાસ્તવમાં સ્પેસિફિક પૉઇન્ટ પર જવું છે એવું નહોતું વિચાર્યું. રસ્તામાં બ્યુટિફુલ પ્લેસ આવતી ગઈ એમ ફોટોશૂટ કરતાં ગયાં. એક જગ્યાએ શૂટ કર્યા બાદ રૂમમાં આવીને આઉટફિટ ચેન્જ કરતાં. આ દરમિયાન ફોટોગ્રાફરો આસપાસ ફરીને લોકેશન શોધી લેતા. કોઈ પણ પ્રકારની કમર્શિયલ ઍક્ટિવિટી ન થતી હોય ને માત્ર માછીમારોની બોટ લાંગરવામાં આવી હોય એવા સ્વચ્છ બીચ મળી ગયા હતા. ફોટોગ્રાફરે કેલવે પાસે ફોર્ટ શોધી કાઢ્યો હતો. મોટા ભાગના અમારા ફોટો અનપ્લાન્ડ લોકેશન પર ક્લિક થયા છે. એક દિવસમાં બધું કવર કરવાથી હેક્ટિક થઈ ગયું હતું, પરંતુ ઑફબીટ પ્લેસના કારણે ફોટોઝ એકદમ યુનિક આવ્યા છે.’
ઍડ્વેન્ચરસ ફોટોશૂટ
ડિસેમ્બર મહિનામાં પ્રભુતામાં પગલાં પાડનાર નાલાસોપારાનાં હેલી સંઘવી અને નીલ દેસાઈએ પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે ત્રણ દિવસ ફાળવ્યા હતા. ખાસ કરીને હેલી ખૂબ એક્સાઇટેડ હતી. તે કહે છે, ‘સી, ફૉરેસ્ટ અને ઍડ્વેન્ચર બધું જ અમને અટ્રૅક્ટ કરે છે. પ્રી-વેડિંગ ફોટોશૂટમાં આ ત્રણેય જગ્યા જોઈતી હતી. મધદરિયે યૉટમાં લૉન્ગ ગાઉન પહેરીને રોમૅન્ટિક ફોટોશૂટ કરવાનું મારું ડ્રીમ હતું. પહેલાં અમે ગોવા જવાનાં હતાં, પરંતુ કોઈ કારણસર પ્લાન ચેન્જ થતાં ગેટવે ઑફ ઇન્ડિયાના દરિયામાં યૉટ બુક કરી હતી. એક દિવસ અમારો એમાં જ ગયો. વસઈના સુરુચિ બીચથી નાયગાંવ તરફનો વિસ્તાર ગ્રીનરીથી ભરપૂર છે. બીજા દિવસે અહીં હૉર્સ રાઇડિંગ કરતા ફોટો પડાવ્યા હતા. ટ્રેઇન્ડ ઘોડાની વ્યવસ્થા ફોટોગ્રાફરે જ કરી હતી. ઍડ્વેન્ચરસ ફોટોગ્રાફી માટે આ લોકેશન પર્ફેક્ટ ચૉઇસ છે. પ્રી-વેડિંગ ફોટોગ્રાફી આલબમમાં રોમૅન્સ અને ઍડ્વેન્ચરસ ઍક્ટિવિટીની સાથે ટ્રેડિશનલ લુક પણ ઍડ કરવો જોઈએ. આ ફોટોશૂટ માટે ઘરની અંદર સ્ટુડિયોમાં હોય એવો સેટઅપ બનાવ્યો હતો. આ બધા પ્લાન અમે જાતે કર્યા હતા. જોકે બીજાં કપલ્સની જેમ અમે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પાછળ પાગલ નહોતાં. લાઇફટાઇમ મેમરી માટે એક વાર પ્રોફેશનલ ફોટોશૂટ કરાવવામાં અમને વધુ ઇન્ટરેસ્ટ હતો. સોશ્યલ મીડિયા પોસ્ટ અને ટ્રેન્ડને ફૉલો કરવાની સાથે ટુ બી મૅરિડ કપલે પોતાનાં ડ્રીમ ફુલફિલ કરવા પર ફોકસ રાખવું જોઈએ. આઇડિયાઝ ક્લિશયર હોય તો લોકેશન ઘણાં છે.’
વન સ્ટૉપ સોલ્યુશન
ચેમ્બુરના ચિંતન ઠક્કર અને બોરીવલીની સ્નેહા ગાંધીનાં ૨૫મી માર્ચે લગ્ન છે. પ્રી-વેડિંગ ફોટોગ્રાફી માટે લોકેશન શોધવામાં તેમને ખાસ્સી જહેમત ઉઠાવી છે. દૂરનાં જુદા-જુદા લોકેશન પર જવાનું જોખમ ખેડવા કરતાં એક જ રૂફ નીચે બધું મળી રહે એવી જગ્યા તેમણે કેમ પસંદ કરી એની વાત કરતાં ચિંતન કહે છે, ‘લગ્નના પંદર દિવસ બાકી હોય ત્યારથી સોશ્યલ મીડિયા પર કાઉન્ટડાઉન સ્ટોરી સાથે ફોટો અને વિડિયો પોસ્ટ કરવાનો ટ્રેન્ડ છે. પ્રી-વેડિંગ ફોટોશૂટમાં કોવિડ રિસ્ટ્રિક્શન્સ ઉપરાંત બજેટ પણ મૅટર કરે છે, કારણ કે તમારે કૅમેરાની ટીમ લઈને જવાનું છે. અલગ-અલગ લોકેશન પર જાઓ તો અઠવાડિયું લાગે અને ખર્ચ ખૂબ વધી જાય તેથી અમે લોકોએ વન સ્ટૉપ ડેસ્ટિનેશન પસંદ કર્યું છે. કલ્યાણથી નાશિક જતાં રસ્તામાં સેટ્સ ઑફ ધ સિટી નામનો સ્ટુડિયો આવે છે. અહીં આબેહૂબ રિયલ લોકેશન જેવા પચીસ જેટલા સેટ્સ ઊભા કરેલા છે. અમે થોડા દિવસ પહેલાં જઈને પાંચ સેટ્સ સિલેક્ટ કરી લઈશું જેથી આઉટફિટ્સનો આઇડિયા આવે. વિડિયોની થીમ વિચારી રાખી છે. સૌથી પહેલાં બોલ્ડ વેસ્ટર્ન લુક, ત્યાર બાદ ઘાઘરા-ચોલી અને કુરતા સાથેનો ટ્રેડિશનલ લુક અને છેલ્લે ગ્રૂમ સૂટમાં અને બ્રાઇડ લૉન્ગ ગાઉનમાં હોય એ રીતનો વેસ્ટર્ન ટચ આપવો છે. પ્રી-વેડિંગ ફોટોશૂટમાં એડિટિંગમાં એક્સપર્ટ હોય એવો ફોટોગ્રાફર હોવો ખૂબ જરૂરી છે. તેમની એડિટિંગ સ્કિલ તમારા આલબમને યાદગાર બનાવે છે.’
પૉપ્યુલર લોકેશન
ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી બન્ને માટે મુંબઈની સૌથી નજીકના લોકેશનમાં વસઈ ફોર્ટ, વસઈથી પાલઘરની વચ્ચે આવેલા જુદા-જુદા બીચ અને અહીંનું નૅચરલ ગ્રીન એન્વાયર્નમેન્ટ, બોરીવલીના સંજય ગાંધી નૅશનલ પાર્ક અને ગોરાઈ બીચ, નવી મુંબઈ પામ બીચ તેમ જ બાંદરા-વરલી સી-લિન્ક બેસ્ટ લોકેશન છે. આઉટડોર લોકેશનમાં ઉદયપુર અને જેસલમેરના કિલ્લાઓ તેમ જ પૅલેસ મોસ્ટ પૉપ્યુલર છે.