ફૅશન જગતમાં ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહેલી ખાદી ડિઝાઇનરોનું ફેવરિટ ફૅબ્રિક કેમ બનતી જાય છે તેમ જ યુવાવર્ગમાં એનું આકર્ષણ વધવાનાં કારણોની ખણખોદ કરીએ
સ્લો ઍન્ડ સ્ટેડી ખાદી
એક સમયે રાજકારણીઓના ડ્રેસ-કોડ તરીકે ઓળખાતી ખાદી હવે ફૅશન સ્ટેટમેન્ટ બની છે. ‘ખાદી ફૉર નેશન ખાદી ફૉર ફૅશન’, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ મંત્રથી ફૅશન જગતમાં પણ હલચલ જોવા મળી રહી છે. મોદીજીથી પ્રભાવિત યુવાવર્ગમાં ખાદીના આઉટફિટ્સ પૉપ્યુલર થઈ રહ્યા છે. હાલમાં જ યોજાયેલા લૅક્મે ફૅશન વીકમાં યંગસ્ટર્સની ચૉઇસને ધ્યાનમાં રાખી અભિષેક ગુપ્તા બનારસ, અંજુ મોદી, ચારુ પરાશર, રીના ઢાકા સહિત કેટલાંક ડિઝાઇનરોએ ખાદીનાં પરિધાનો રજૂ કર્યાં હતાં. સાત્ત્વિક કલર સ્કીમથી ઇન્સ્પાયર થઈને અંજુ મોદીએ ડિઝાઇન કરેલા હલદી, ચંદન અને કેસર જેવા રંગના આઉટફિટ્સ પર હરકોઈ ફિદા થઈ ગયા હતા. ડિઝાઇનરો ખાદીને સ્લો ફૅશન તરીકે જોઈ રહ્યા છે. ફૅશન ઇન્ડસ્ટ્રીમાં ધીમી પણ મક્કમ ગતિએ પોતાનું સ્થાન જમાવી રહેલી ખાદી સ્લો ફૅશન કેમ મનાય છે એ જાણીએ.
મંઝિલ દૂર હૈ | ખાદી ભારતીય સ્વતંત્રતા ચળવળનો એક મહત્ત્વપૂર્ણ ભાગ હતો અને એ હંમેશાં ભારતીયોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. જોકે આઝાદી પછી લાંબા સમય સુધી એની ઉપેક્ષા કરવામાં આવી હતી. રિતુ બેરી જેવા કેટલાક ફૅશન ડિઝાઇનરે નેવુંના દાયકામાં એક શોમાં ખાદીનાં પરિધાન રજૂ કર્યા બાદ વિશ્વભરના ઘણા ટોચના ફૅશન ડિઝાઇનરોએ ખાદી સાથે એક્સપરિમેન્ટ્સ સ્ટાર્ટ કર્યા એવી જાણકારી આપતાં કાંદિવલીનાં ફૅશન ડિઝાઇનર અને ઇમેજ કન્સલ્ટન્ટ પાયલ સુરેખા કહે છે, ‘ખાદીનો ટ્રેન્ડ પાછો આવી રહ્યો છે અને એમાં કોઈ શંકા નથી, પરંતુ આપણે હજી ઘણી લાંબી મજલ કાપવાની છે. ખાદી ફૅબ્રિકને ડિઝાઇનરો ઝડપી ફૅશન જાયન્ટ્સની નથી માનતા, કારણ કે સ્ટોર પર નવું કલેક્શન લૉન્ચ થાય છે ત્યારે એને ખરીદવા માટે લાંબી લાઇન નથી લાગતી. ફાસ્ટ અને ટકાઉ ફૅશન બે જુદા વિષય છે. ખાદીનાં વસ્ત્રોને પ્રોત્સાહન આપવા તેમ જ વર્ષો જૂની હસ્તકલાને જીવંત રાખવા સરકારી ધોરણે અને ડિઝાઇનરો દ્વારા હાલમાં જે પ્રયાસો થઈ રહ્યા છે એની ગતિ ધીમી છે.’
ઇકો-ફ્રેન્ડ્લી ફૅબ્રિક | એક સામાન્ય ગેરસમજ છે કે ખાદી માત્ર કપાસમાંથી બને છે. હકીકતમાં ખાદીનાં વસ્ત્રો માત્ર કપાસ પૂરતાં મર્યાદિત નથી. સિલ્ક, જૂટ, ઊન અથવા ફૅબ્રિકના મિક્સમાંથી પણ ખાદી બને છે એમ જણાવતાં પાયલ કહે છે, ‘ઘણા લોકો માને છે કે ખાદી ફૅબ્રિક રફ અને થિક હોય છે. જોકે સાવ એવું નથી. હૅન્ડ સ્પિનિંગ ટેક્નિક આ ફૅબ્રિકને સૉફ્ટ બનાવે છે. સમય જતાં ખાદીની ગુણવત્તામાં ઘણો સુધારો થયો છે. ખાદીનું ઉત્પાદન ઇકો-ફ્રેન્ડ્લી પ્રક્રિયા છે. વીજળીના વપરાશ વિના સમગ્ર કામ હાથથી થાય છે. પર્યાવરણની સુરક્ષા વિશે જાગૃતિ આવતાં ખાદીનાં વસ્ત્રો તરફ ઝુકાવ વધી રહ્યો છે. ગ્રામીણ કારીગરોને તેમની આજીવિકા કમાવવા માટે મદદરૂપ થવાના આશયથી પણ અનેક લોકો ખાદી વાપરવા લાગ્યા છે. પબ્લિક અવેરનેસ અને ફૅશન ડિઝાઇનરોના એફર્ટથી ખાદી ફૅશન જગતમાં પોતાનું સ્થાન જમાવી રહી છે. ઇન્ટરનૅશનલ લેવલ પર પણ ખાદી ફૅશન વેઅર તરીકે આગળ વધી રહી છે.’
ફૅશનેબલ આઉટફિટ્સ | અવેરનેસની સાથે બધાને ટ્રેન્ડમાં પણ રહેવું છે. બદલાતી ફૅશન યંગસ્ટર્સને અટ્રૅક્ટ કરે છે એવી વાત કરતાં તેઓ કહે છે, ‘રોહિત બાલ, અંજુ મોદી, પાયલ જૈન અને પૂનમ ભગત જેવા ટોચના ડિઝાઇનરોએ વાઇટ, બ્લૅક, ઇન્ડિગો અને મસ્ટર્ડ જેવા વાઇબ્રન્ટ કલર્સમાં મૉડર્ન ટ્વિસ્ટ કર્યા છે. સબ્યસાચી મુખરજીએ ભરતકામ કરેલા ખાદીના લેહંગા અને હળવા વજનના અનારકલી ડ્રેસિસે યુવાવર્ગને આકર્ષવાનું કામ કર્યું છે. કેટલાક ફૅશન-શોમાં ખાદીમાં પરંપરાગત ભારતીય સાડીઓની રસપ્રદ રજૂઆત કરવામાં આવી છે. જમ્પ સૂટ, બંદાના, ધોતી પૅન્ટ, કૅપ્રી, પલાઝો, જૅકેટની વિશાળ શ્રેણીના કારણે યુવાનો ખાદી પહેરતા થયા છે. ખાદીમાં ઇન્ડિયન અને વેસ્ટર્ન બન્ને પ્રકારના આઉટફિટ્સ બને છે. રેગ્યુલર જીન્સ સાથે ખાદીનો કુરતો પહેરી શકો છો. ટૉપ સાથે ખાદીનો સ્કાર્ફ અથવા દુપટ્ટો બાંધી શકાય. ફૅશનેબલ વસ્ત્રોની સાથે ખાદીની બૅગ અને અન્ય ઍક્સેસરીઝ ટ્રેન્ડી લુક આપે છે. ડે ટુ ડે લાઇફમાં ખાદી સરસ લાગે જ છે, કૅઝ્યુઅલ વેઅર તરીકે પણ લોકો એને સ્વીકારતાં થયા છે. કૉર્પોરેટ ઑફિસમાં ફૉર્મલ પૅન્ટ અથવા સ્કર્ટ સાથે ખાદી ટ્રાય કરી શકો. ખાદીનું પુનરાગમન થતાં આવનારા સમયમાં ફૅશન જગતમાં ઘણાં પરિવતર્ન જોવા મળી શકે છે.’
ફાસ્ટ અને ટકાઉ ફૅશન બે જુદા વિષય છે. જોકે જમ્પ સૂટ, બંદાના, ધોતી પૅન્ટ, કૅપ્રી, પલાઝો, જૅકેટ જેવા મૉડર્ન સ્ટાઇલની વિશાળ શ્રેણીના કારણે યુવાનો ખાદી પહેરતા થયા છે
પાયલ સુરેખા, ફૅશન ડિઝાઇનર
ખાદી પહેરવાના ફાયદા-ગેરફાયદા
હૅન્ડક્રાફ્ટેડ સેલ્ફ-ટેક્સ્ચર ડિઝાઇન ડિફરન્ટ લુક આપે છે.
વજનમાં હળવું અને ટકાઉ છે.
ખાદીની ખાસિયત એ છે કે એ હ્યુમન-ફ્રેન્ડ્લી છે. પહેરનારને શિયાળામાં હૂંફ અને ઉનાળામાં શીતળતાનો અહેસાસ કરાવે છે.
સંપૂર્ણપણે સ્વદેશી ફૅબ્રિક વાપરવાનો ગર્વ અનુભવી શકો.
ખાદી સરળતાથી શરીર સાથે ચોંટી જાય છે એ ગેરફાયદો છે.
ખાદીનાં વસ્ત્રોનો લુક જળવાઈ રહે એ માટે એને પહેરતાં પહેલાં સ્ટાર્ચ કરવાં પડે છે.
ખાદીનાં પરિધાનોની જાળવણી ખર્ચાળ છે.