ઓમ ફોર ખાદીઃ સાદગીના સંદેશા સમી સસ્ટેનેબલ ખાદીની ગ્લેમરસ અને સ્ટાઇલીશ ઓળખ ખડી કરી છે અમદાવાદની આ મહિલાઓએ

08 February, 2022 02:31 PM IST  |  Ahmedabad | Chirantana Bhatt

તમે ધારો તેના કરતાં વધુ બેજોડ રીતે ખાદી તમારી લાઇફસ્ટાઇલનો હિસ્સો બની શકે છે, સોફ્ટ ફર્નિશિંગથી માંડીને વેડિંગ લહેંગાઝ, ગોવાના વેકેશન અપેરલ્સ અને બાળકોનાં કપડાં પણ બની શકે છે સસ્ટેનેબલ ખાદીમાંથી

મીતા મંગલાની (ડાબે) તથા પૂજા કપૂર (જમણે) ઓમ ફોર ખાદી દ્વારા ખાદીને ફેશન અને લાઇફસ્ટાઇલના એક અલગ સ્તરે મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છે

ખાદી સાંભળીએ એટલે સૌથી પહેલા સ્વાભાવિક રીતે જ યાદ આવે ગાંધીજી અને આવવા જ જોઇએ. સ્વદેશીનું મહત્વ, તેમાં રહેલી શક્તિ સમજાવવાનું શ્રેય ગાંધીજીને જ જાય છે. વળી ગાંધીજીએ જ કહ્યું હતું કે ખાદી માત્ર વસ્ત્ર નથી પણ વિચારધારા છે. સ્વતંત્રતાની ચળવળમાં ખાદી અને રેંટિયાની શક્તિએ શું કમાલ કરી તેની જેટલી વાત કરીએ તેટલી ઓછી છે. પરંતુ આજે આપણે આ જ ખાદીને એક નવા સ્તરે મુકનારી પહેલની વાત કરીશું.  ખાદીને સાદગી સાથે જોડી દઇને આપણે ખાદીના ચાર્મને અવગણી દીધો છે. તમે કલ્પના કરી છે કે તમે કોઇ લગ્નમાં, કોઇ હાઇ ફાઇ કૉકટેલ પાર્ટીમાં કે પછી દિવાળીના ગિફ્ટ હેમ્પર્સમાં ખાદીનો ઉપયોગ કરી શકો? તમને ચોક્કસ એવો વિચાર આવશે કે આ બધા પ્રસંગની વાત કરીએ તો ખાદી તો કેટલી સાદી લાગે? પણ તમારા આ જ વિચારને ખોટો સાબિત કરી રહ્યાં છે અમદાવાદના મીતા મંગલાની અને પૂજા કપૂર કારણકે તેમણે ખાદીને એક નવી વ્યાખ્યા આપવાનું નક્કી કર્યું અને તેમાં આગવી સફળતા પણ મેળવી. ગાંધીજી કહેતા કે સ્ત્રીઓ આગળ આવશે તો ખાદીને ઓળખ અપાવશે અને તે વાત ત્યારે સ્વદેશી ચળવળ વખતે જેટલી સાચી હતી તેટલી જ આજે પણ છે.

અમદાવાદના ગુલબાઇટેકરા વિસ્તારમાં આવેલા ‘ઓમ ફોર ખાદી’ બૂટિકની તમે મુલાકાત લેશો તો ત્યાં ડિસપ્લેમાં મુકાયેલી ચીજો જોઇને તમને નવાઇ લાગશે કે ખાદીનો આ રીતે પણ ઉપયોગ થઇ શકે છે. આજે પર્યાવરણને માથે ફાસ્ટ ફેશનનું જોખમ પણ તોળાતું હોય ત્યારે સસ્ટેનેબલ ફેબ્રિક જે પર્યાવરણ માટે તો સારું છે જ પણ પહેરનારાના સ્વાસ્થ્યમ ટે પણ ફાયદાકારક છે તેને કેવી રીતે અવગણી શકાય? વળી ખાદી તો આપણું પોતાનું કાપડ છે, અમદાવાદના સાબરમતી આશ્રમમાં જ જેને આગળ ધપાવવાનો નિર્ણય લેવાયો તે ખાદીને સાદગીના બીબાંમાંથી બહાર લાવવાનું કામ ‘ઓમ ફોર ખાદી’ દ્વારા કરાયું છે.

મીતા મંગલાની લાંબા સમયથી ફેશન ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત છે. તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું કે, “છેલ્લા કેટલાક વર્ષોથી મને આપણાં પારપંરિક વણાટના કાપડમાં રસ પડવા માંડ્યો. ખાદી સાથે વધુ પરિચય કેળવાયો ત્યારે મને થયું કે અમુક ચોક્કસ માન્યતાઓને કારણે ખાદીને જેટલી અગ્રિમતા મળવી જોઇએ તે નથી મળી રહી. ખાદીના કાપડ પર રંગ, ભરતકામ, કટ્સ અને ડિઝાઇનનો ઘણો બધો સ્કોપ છે પણ કોઇ એ દિશામાં વિચારતું જ નથી. ખાદી વણાટનું કામ કરનારાઓને વધુ રોજગારી મળે તેનો હેતુ પણ આ કામથી પાર પડે છે.  ખાદી કે તેની બનવાટનું વેચાણ કરવું હોય તો KVICનો માર્ક જોઇએ અને એ દિશામાં મેં અને પૂજાએ સાથે મળીને કામ કર્યું.”

ઓમ ફોર ખાદીમાં તમને ખાદીના સ્ટાઇલિશ કપડાં તો મળશે જ પણ આ ઉપરાંત તેમણે ખાદીનાં ટેબલ રનર્સ, મેટ્સ, નેપકિન્સ, બેડશીટ્સ, પડદા અને ટોવેલ્સ પણ લૉન્ચ કર્યા. 2 ઑક્ટોબર 2021ના દિવસે ઓમ ફોર ખાદીના સ્ટોરનું ઉદ્ઘાટન થયું અને દિવાળીમાં તેમણે લૉન્ચ કરેલા ખાદીના હેમ્પર્સની ધૂમ ખરીદી થઇ. આ હેમ્પર્સમાં તેમણે ખાદીના ટેબલ રનર્સ નેપકિન્સના સેટ સાથે ડિલીવર કર્યા અથાણાં અને આ સાથે ઘેર બેસીને અથાણાનો બિઝનેસ કરનાર કારીગરોની દિવાળી ખાદી હેમ્પર્સે સુધારી. તેઓ સસ્ટેનેબલ અને ઓર્ગેનિક ઉત્પાદન બનાવનારા અન્ય કારીગરો સાથે પણ ટાય અપ કરે છે. તેમના એક ગિફ્ટ હેમ્પરમાં ઓર્ગેનિક મધની બોટલ્સ એડ કરવામાં આવી હતી.

ખાદીના કાપડનું વજન હોય છે કે તેમાં અમૂક પ્રકારનો ફ્લો નથી હોતો તે આખી વાતથી સાવ વિપરીત જોઇએ તો ઓમ ફોર ખાદીએ કથક નૃત્યકાર માટે પણ ડ્રેસિસ ડિઝાઇન કર્યા હતા. આ માટે ખાદીના વણાટમાં દોરાના કદની ગણતરી અનિવાર્યતા પ્રમાણે બદલવામાં આવી.  અહીં શૅર કરેલો વીડિયો જોઇને તમે માની નહીં શકો કે આ ખાદીના ડ્રેસિઝ છે.

આ અંગે પૂજા કપૂર સાથે જ્યારે વાત માંડી તો તેમણે પોતાના ખાદી કનેક્શનનો વિચાર કહ્યો. પૂજા કપૂરનું કહેવું છે કે, “ખાદી એક સસ્ટેનેબલ ફેબ્રિક તરીકે કોઇની પણ પહેલી પસંદ હોઇ શકે છે. મેં ગામે ગામ ફરીને ખાદી વણાટનું કામ કરતા કારીગરો સાથે વાત કરી.  ખાદીને જો યોગ્ય માર્કેટ મળે તો આ તમામ કારીગરોને એક સ્થિર રોજગારી મળી શકે છે. ખાદી સાદગી છે તે ખરું પણ લાઇફસ્ટાઇલ અને ફેશનની વાત આવે તો અપસ્કેલ – હાઇ એન્ડ ખાદીનો અનુભવ બેજોડ સાબિત થાય છે. ખાદીના ઇવનિંગ ગાઉન્સ, ખાદીના કફ્તાન્સ, સૂટ્સથી માંડીને લગ્નમાં શોભે એવી એમ્બ્રોઇડરી વાળા ડ્રેસિઝ પણ બનાવ્યા છે. અમારી પાસે લગ્ન માટે ડિઝાઇનિંગ કરાવવા આવેલા કસ્ટમર્સને અમે ખાદીના લહેંગા ડ્રેસિઝ આપ્યા તેને બહુ સારો પ્રતિસાદ મળ્યો.”મીતા મંગલાનીએ કહ્યું કે, “લોકો કોટન માટે જો ખર્ચો કરે તો ખાદીના આ હાઇએન્ડ અનુભવ માટે પણ તે ખર્ચ કરી શકે. ભાવમાં એટલો બધો તોતિંગ ફેર પણ નથી હોતો અને સ્ટાઇલ સાથે તમે એક સંદેશ પણ કૅરી કરો છો જે વધુ અગત્યનું છે. લગ્નના ડિઝાઇનિંગના એક ઓર્ડરમાં અમે ખાદીના સ્ટોલ્સ આપ્યા હતા અને તે એટલા ક્લાસિક લાગતા હતા કે કસ્ટમર્સને વધુ પ્રોડક્ટ્સ વિશે જાણવામાં રસ પણ પડ્યો.” અહીં ખાદીના પડદા પણ મળે છે તો ઓર્ડર પર સોફા કવર પણ ડિઝાઇન થઇ શકે છે. નીચેની તસવીરમાં પડદાના વિકલ્પ છે તો સ્ટોલ પર કરાયેલી હેવી એમ્બ્રોઇડરી ખાદીને અનેરો ઉઠાવ આપે છે.

પૂજા કપૂર જણાવે છે કે ભારતમાં ખાદીનું માર્કેટ બહુ મોટું છે. ગાંધીના વિચારના વર્તમાન રાજકારણીઓ પણ સમજે છે અને સ્વીકારે છે. KVICના ચેરમેન સુદ્ધાં ઓમ ફોર ખાદીની કારીગરીથી પ્રભાવિત થયા હતા. ઓમ ફોર ખાદીમાં પ્રેગનેન્ટ સ્ત્રીઓથી માંડીને નવજાત શીશુઓ માટેનાં કપડાં તૈયાર કરાવવા હોય તો તેના વિકલ્પો પણ હાજર છે. ઓમ ફોર ખાદી – આ નામ વિશે વાત કરતાં પૂજા કહે છે, “જે રીતે ઓમ સર્વવ્યાપી અને સનાતન છે તે જ રીતે ખાદી પણ સર્વવ્યાપી અને સનાતન છે અને માટે જ આ પહેલનું નામ ઓમ ફોર ખાદી રખાયું છે.”  તેમના મતે ખાદી એક અનુભવ છે અને તેની સાથે જોડાયેલી માન્યતાઓ દૂર કરવા માટે કસ્ટમર્સને ખાદીના જેટલાં અલગ અલગ રૂપ બતાડી શકાય તેટલું ઓછું છે અને તે જ દિશામાં મીતા મંગલાની અને પૂજા કપૂર કામ કરવા માગે છે.

fashion ahmedabad life and style fashion news mahatma gandhi gujarat