તમારાં રૂંવાડાં ઊભાં થઈ જશે બાળકોના શોષણની વાતો જાણીને

04 June, 2022 04:51 PM IST  |  Mumbai | Ruchita Shah

આજે ‘ઇન્ટરનૅશનલ ડે ઑફ ઇનોસન્ટ ચિલ્ડ્રન વિક્ટિમ્સ ઑફ અગ્રેશન’ દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે આપણા દેશનાં કેટલાંક મજબૂર બાળકો કેવા પ્રકારના અત્યાચારનો ભોગ બની રહ્યાં છે એની વાત કરીએ

તમારાં રૂંવાડાં ઊભાં થઈ જશે બાળકોના શોષણની વાતો જાણીને

પ્રતિકાર કરવાની ક્ષમતા ન હોવાને કારણે બાળકોને હંમેશાં સૉફ્ટ ટાર્ગેટ તરીકે ટ્રીટ કરવામાં આવ્યાં છે. યુદ્ધમાં પણ બાળકો ટાર્ગેટ થયાં છે અને પારિવારિક તેમ જ સામાજિક સ્તરે પણ બાળકોનું ભરપૂર શોષણ થતું રહ્યું છે. આજે ‘ઇન્ટરનૅશનલ ડે ઑફ ઇનોસન્ટ ચિલ્ડ્રન વિક્ટિમ્સ ઑફ અગ્રેશન’ દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે આપણા દેશનાં કેટલાંક મજબૂર બાળકો કેવા પ્રકારના અત્યાચારનો ભોગ બની રહ્યાં છે એની વાત કરીએ

નવ વર્ષની સાંચી (નામ બદલ્યું છે)ને તેની મમ્મી સાથે વાત કરવાનું બહુ મન છે. તે જે ઘરમાં ઘરકામ માટે આવી છે ત્યાં દરેક જણ પાસે બે-ત્રણ ફોન છે. બહુ આલીશાન ઘર છે જેને સાફ રાખવાની જવાબદારી તેના માથા પર છે. તે કામ કરે તો તેની મેમસાબ ઉત્તર પ્રદેશના નાના ગામડામાં રહેતા તેના પેરન્ટ્સને પૈસા મોકલે અને તેમનો ગુજારો ચાલે. છેલ્લે દોઢ વર્ષ પહેલાં બે મિનિટ માટે તેને તેની મા સાથે વાત કરાવડાવી હતી. સાંચી મજામાં છે એનો રિપોર્ટ તેનાં મા-બાપને તેની મેમસાબ દર અઠવાડિયે આપી દે અને સમયસર પૈસા પહોંચાડી દે છે એટલે મા-બાપ નિશ્ચિંત છે. જોકે ગયા અઠવાડિયે સાંચીના હાથે એક કીમતી વાઝ તૂટી ગયો એટલે તેની મેમસાબે તેના માથા પરથી લોહી નીકળવા માંડ્યું ત્યાં સુધી માર્યું હતું. તેને બે દિવસ ખાવાનું પણ નહોતું આપ્યું અને ઘરનું બધું જ કામ તેની પાસે કરાવડાવ્યું હતું. મેમસાબની પણ એક દીકરી છે જે સાંચી કરતાં ૧૦ વર્ષ મોટી છે, તે પણ ક્યારેક તેનો મૂડ ખરાબ હોય તો સાંચીને ધમકાવીને કે એકાદ લાફો મારીને પોતાનો ગુસ્સો કાઢી લે છે. સાંચી જ્યાં કામ કરે છે એ ઘરના સાહેબે એકાદ વાર કોઈનું ધ્યાન નહોતું ત્યારે તેના પ્રાઇવેટ પાર્ટને અડવાની કોશિશ કરેલી, પણ નસીબજોગ એ જ સમયે મેમસાબ જોઈ ગયાં. તેણે તેના હસબન્ડને તો ખરીખોટી કહી જ દીધી, પણ એ વખતે પણ સાંચીની ધુલાઈ થઈ. માત્ર ૯ વર્ષની છે સાંચી, પણ તેને બીજા લોકો સાથે ઇન્ટરેક્ટ કરવાનું કે ઘરની બહાર પગ મૂકવાનું અલાઉડ નથી. હા, પણ એક વાર એવું બન્યું જેણે સાંચીના જીવનના આ નરક કરતાં પણ બદ્દતર દિવસો પૂરા કર્યા. મેમસાબની કિટી પાર્ટી વખતે તેમની બધી ફ્રેન્ડ્સ ઘરે આવેલી. એમાં એક આન્ટી અચાનક રસોડામાં પાણી લેવા આવ્યાં, જ્યાં તેમણે નાનકડી સાંચીને વાસણ ઘસતી જોઈ. તેમણે તેને વહાલ કર્યું ત્યારે સાંચીની આંખમાં આંસુ હતાં અને હાથ જોડાયેલા હતા. ‘મને બચાવી લો પ્લીઝ’ની ક્યારેય બહાર ન આવેલી સાંચીની ચીખ મેમસાબની એ ફ્રેન્ડ સુધી પહોંચી ગઈ. એ દિવસે કંઈ જ રીઍક્ટ કર્યા વિના તે ત્યાંથી નીકળી ગઈ, પણ બીજા દિવસે પોલીસ અને ચાઇલ્ડ વેલ્ફેર માટે કામ કરતી સંસ્થાના કાર્યકરો એ ઘરે પહોંચી ગયાં. સાંચીને પૂછવામાં આવ્યું પણ તે કાંઈ બોલી શકે એમ નહોતી. મેમસાબે બધાની સામે સાંચીને ખૂબ પ્રેમથી વહાલ કર્યું અને ‘આ તો અમારા રિલેટિવની દીકરી છે. અહીં ભણે છે’ કહીને હકીકત છુપાવવાની કોશિશ કરી. જોકે એ વખતે સાંચીની આંખમાં આંસુ હતાં. ધ્રુસકે-ધ્રુસકે રડતી સાંચીનો અવાજ જાણે ખોવાઈ ગયો હતો. તેને ત્યાંથી બાળકેન્દ્રમાં લઈ જવામાં આવી. તેનાં સાબ-મેમસાબને પોલીસે પકડી લીધાં. માત્ર ૯ વર્ષની છોકરીને છૂટી ગયાનો આનંદ હતો, પણ સાથે હવે તેના પરિવારને પૈસા કોણ મોકલશે અને તેમનું ગુજરાન કેમ ચાલશે એની પીડા પણ હતી.
આ કોઈ કાલ્પનિક સ્ટોરી નથી. ‌‘ચાઇલ્ડહૂડ એન્હાન્સમેન્ટ થ્રૂ ટ્રેઇનિંગ ઍન્ડ ઍક્શન’ એટલે કે ‘ચેતના’ નામની સંસ્થાના અસિસ્ટ પ્રોજેક્ટ કો-‌ઑર્ડિનેટર વિજયકુમારે આવા એક નહીં, પણ અનેક કેસ સૉલ્વ કર્યા છે, જ્યાં હાથ કે આંગળી કપાવવી સામાન્ય બાબત હોય એવી લોખંડની અને ધાતુની મિલમાં બાળમજૂરોની ભરતી થાય છે, ભીખ મગાવવા અને સેક્સ રૅકેટમાં નાનાં બાળકોના ટ્રાફિકિંગના અનેક કેસ નોંધાય છે. આ માત્ર આપણે ત્યાંની સ્થિતિ નથી. કેટલાક આંકડાકીય અહેવાલ કહે છે કે વિશ્વભરમાં હિંસાગ્રસ્ત ક્ષેત્રોમાં સૌથી વધુ પ્રભાવિત થનારાં બાળકો છે. નાદાન અને નાસમજ બાળકો સમજી પણ નથી શકતાં કે તેમની સાથે હિંસા થઈ રહી છે અને તેઓ પોતાની સુરક્ષા કરવા માટે પણ અસમર્થ છે. યુદ્ધમાં પણ બાળકોને જે રીતે હાથોટી બનાવાય છે અને તેમના પર જે પ્રકારના અત્યાચાર થાય છે એને રોકવા વિશે જાગૃતિ લાવવા યુનાઇટેડ નેશન્સ (યુએન) દ્વારા ૧૯૮૨ની ૧૯ ઑગસ્ટની સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ૪ જૂને ‘ઇન્ટરનૅશનલ ડે ઑફ ઇનોસન્ટ ચિલ્ડ્રન વિક્ટિમ્સ ઑફ અગ્રેશન’ તરીકે ઊજવવાની શરૂઆત કરી છે. લડાઈ વખતે બાળકોની બળજબરીથી ભરતી, અપહરણ, હથિયાર, સ્કૂલ પર હુમલા, તેમનું જાતીય શોષણ અને બાળકોનું ટ્રાફિકિંગ વગેરે ન થાય એ માટેના આ પ્રયાસ છે. 
બહુ દયનીય સ્થિતિ
નાનાં બાળકોને તેમની સાથે જે થાય એ સાચું લાગતું હોય એટલે તેઓ ઘણી વાર ફરિયાદ પણ નથી કરતાં. વિજયકુમાર કહે છે, ‘તમે મસ્તી કરો તો પપ્પા મારે અને તમારું માથું દીવાલ સાથે અફાળે એ ખોટું છે. એ વાત બાળકને નથી સમજાતી. તેને માટે તો તેના કૅરટેકર તેના પેરન્ટ્સ કે સિબિ‌લિંગ્સ જે કરે એ બધું કરવા યોગ્ય છે એ જ વાસ્તવિકતા છે. મને યાદ છે કે એક ચાઇલ્ડને બચાવવા અમે ગયેલાં. તેની મમ્મી એક્સપાયર થઈ ગઈ અને તેનો બાપ દારૂ પીને ૧૨ વર્ષની દીકરીને સેક્સ્યુઅલી હૅરૅસ કરતો હતો. 
છોકરીએ તેની ફ્રેન્ડને વાત કરી કે મારા ડૅડી તો રોજ મારી સાથે આ રીતે સૂએ છે. પેલી ફ્રેન્ડે તેના ઘરે વાત કરી અને આખી વાત બહાર આવી. બાળક ક્યારેય ફરિયાદ કરવા નથી જતું. હવે જઈને સ્કૂલના માધ્યમે ગુડ ટચ અને બૅડ ટચની વાત આવે છે. હવે સ્કૂલો પણ આ બાબતમાં બાળકોને અલર્ટ કરતી થઈ છે. હજી ગયા અઠવાડિયે જ એક કેસ અમારી પાસે આવ્યો, જેમાં એક બાળકની ઈ-મેઇલ હતી, એ પણ લગભગ ૧૧-૧૨ વર્ષનો છોકરો હશે. તેણે હેલ્પલાઇનના ઈ-મેઇલ ઍડ્રેસ પર મેઇલ કરેલી કે પહેલાં રોજ સાંજે મારી સાથે રમનારા ડૅડી છેલ્લાં બે અઠવાડિયાંથી મારી સાથે બરાબર વાત નથી કરતા. ગઈ કાલે મેં જ્યારે તેમની સાથે વાત કરવાની કોશિશ કરી ત્યારે તેમણે મારા પર ગુસ્સો કર્યો. મને હેલ્પ કરો. તેણે તેના ડૅડી આવું કેમ કરે છે એ માટે બહુ ઇનોસન્સ સાથે હેલ્પ માગી હતી. લાત મારવી, ગરમ તવેતાનો ડામ આપવો, ગાળ બોલવી, સિગારેટના ચટકા આપવા જેવી બાબતોને બાળકો નૉર્મલ લેવા માંડે છે આપણે ત્યાં. આ હિંસા રહેતી જ નથી તેમને માટે. બીજી બાજુ પેરન્ટ્સ માટે પણ પ્રેમ ભરપૂર હોય તો પણ બાળકોને મારી દેવું, પોતાનો ગુસ્સો બાળકને બે ઝાપટ મારીને બહાર કાઢી લેવો એ બહુ જ કૉમન બાબત છે અને સદીઓથી આપણે ત્યાં આ ચાલ્યું આવે છે એ પરંપરા તરીકે સ્વીકારી લેવામાં આવ્યું છે. જો કોઈ રૂઢિ ખરાબ હોય તો પણ એને રૂઢિ સમજીને કન્ટિન્યુ કરવી એ તો યોગ્ય નથીને? તમે ટેક્નૉલૉજિકલી અપગ્રેડ થયા છો, આ બિહેવિયરમાં કેમ નથી બદલાતા.’

તમને ખબર છે?

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના આંકડા કહે છે કે છેલ્લા એક વર્ષમાં બેથી સત્તર વર્ષ સુધીનાં લગભગ એક અબજ બાળકોએ ફિઝિકલ, સેક્સ્યુઅલ અને ઇમોશનલ હિંસાનો સામનો કર્યો છે. 

સાઇકોલૉજિસ્ટ શું કહે છે?

આજકાલના પેરન્ટ્સ પોતાનું અગ્રેશન મારીને કાઢવાને બદલે અમુક પ્રકારની કઠોર ભાષા વાપરીને પ્રગટ કરતા થયા છે. એટલે ફિઝિકલ અબ્યુઝને બદલે મેન્ટલ અબ્યુઝ વધારે જોવા મળે છે અને એ વધારે ખતરનાક પણ છે એમ જણાવીને સાઇકોલૉજિસ્ટ પૂર્વી શાહ કહે છે, ‘કમ્પેરિઝન કરવી, બાળકને બીજાની સામે ઉતારી પાડવો, તું તો અક્કલનો બારદાન છે કે તારામાં દાણા જેટલી પણ બુદ્ધિ નથી કે તું તો સાવ નકામો છે અથવા તો તારા કરતાં તો બાળક ન આવ્યું હોત તો સારું જેવા શબ્દો ઘણા પેરન્ટ્સ બાળકની સામે વાપરતા હોય છે. આજે નાનાં બાળકો જલદી મૅચ્યોર થઈ રહ્યાં છે અને તેમને તમારા શબ્દોના વજનની ખબર પડે છે. તમારી ભાષાથી તેઓ પ્રભાવિત થાય છે અને એટલે જ આ પ્રકારની અબ્યુઝિવ લૅન્ગ્વેજ બાળકની પર્સનાલિટીને બહુ ખરાબ રીતે અસર કરે છે. તમારા બાળક પાસે શિસ્ત જોઈતી હશે તો પણ પહેલાં તમારી ભાષાને સુધારો અને કહેવાની રીત બદલો, નહીં તો બાળકનું ભવિષ્ય બગાડવામાં તમે પણ નિમિત્ત બનશો.’

columnists ruchita shah