07 August, 2023 02:08 PM IST | Mumbai | Manoj Joshi
પ્રતીકાત્મક તસવીર
બીજું કંઈ ન કરી શકો તો વાંધો નહીં, નક્કી કરો કે આજે સામે જેકોઈ મળે તેની સામે એક સ્માઇલ કરીને દિવસ પસાર કરવો છે. કોઈ પણ મળે, બાળક મળે તો તેની સામે પણ સ્માઇલ કરવાનું અને વડીલ મળે તો તેમની સામે પણ પ્રેમથી સ્માઇલ કરવાનું. એકેએક વ્યક્તિ સામે સ્માઇલ કરવાનું છે. આજનો આ સ્વતંત્રતા દિવસ છે એને સ્મિત દિવસ બનાવવાનો છે તમારે. હસવાનું ભૂલી ગયા હોય તેના ચહેરા પર નરમાશ લાવીએ અને દુઃખ વચ્ચે, પીડા વચ્ચે, હેરાનગતિ વચ્ચે જીવતા હોય તેમના ચહેરા પર સ્માઇલ લાવવાનું કામ કરીએ.
અમેરિકા જેકોઈ ગયું હશે તેમને ખબર હશે કે સ્માઇલ એક બહુ સામાન્ય વાત છે ત્યાં અને જો કોઈની પણ સાથે તમે આંખ મિલાવો તો સહજ રીતે તેના ચહેરા પર સ્માઇલ આવી જાય છે. થયેલા એ સ્માઇલથી એ વ્યક્તિનો તો દિવસ સુધરે જ છે, પણ સાથોસાથ તેના ચહેરા પર આવી ગયેલા સ્માઇલના પ્રત્યુત્તરમાં તમારા બન્ને હોઠ પણ સહેજ ખેંચાય તો એનાથી તમારો પણ દિવસ સુધરે છે.
આ સ્વતંત્રતા દિવસે નહીં કહું તમને કે એક પણ ભૂખ્યો ન રહેવો જોઈએ કે એવું પણ નહીં કહું કે જ્યાં પણ બાળકને રાષ્ટ્રધ્વજ વેચતા જુઓ, તેની પાસેથી ધ્વજ ખરીદી લો. એ તમારી મરજી, તમારી ઇચ્છા કે દેશના ભાવિ નાગરિકને આમ રસ્તા પર રાષ્ટ્રધ્વજ વેચતો બેસવા દેવો છે કે નહીં અને બીજી વાત, તમારો જવાબ કદાચ ના પણ હોય તો મુદ્દો એ પણ એટલો જ સાર્થક છે કે તમારા ગજવામાં એટલું એક્સ્ટ્રા ફન્ડ છે કે નહીં. જો હોય અને તમે એ રાષ્ટ્રધ્વજ ખરીદીને એ બાળકના ચહેરા પર સ્માઇલ લાવી દો તો બહુ સારી વાત છે. કરવું જ જોઈએ. જો તમારી ઇચ્છા હોય કે તમે આજે સામે મળનારા તમામ ગરીબના ભૂખ્યા પેટમાં ધાન ભરો તો કરો, કરવું જ જોઈએ. આનાથી મોટી આઝાદી દિનની કોઈ ઉજવણી હોય જ નહીં, પણ એવું કરવાની સાથોસાથ હું તમને એ પણ કહીશ કે એક સ્માઇલ આપો.
ગજવું ખાલી હોય તો પણ સ્માઇલ થઈ શકે અને સ્માઇલ માટે તો મન જોઈએ, ભાવના જોઈએ અને ભાવ જોઈએ. આ ભાવ દર્શાવો અને ભાવની સાથોસાથ કોઈના દિવસમાં ખુશી ભરવાની ભાવના પણ દેખાડો. એક સ્માઇલ કરવાથી તમે નાના નથી થઈ જવાના. બલકે એક સ્માઇલ તમને પોતાને પણ ખુશી આપવાનું કામ કરવાનું છે. એક નાનકડા સ્મિત સાથે આઝાદી દિનની ઉજવણી કરવામાં આવશે તો એની ખુશી જેકોઈ સામે મળ્યું હશે તેને પણ થશે અને જો આ વાત દેશનો એકેએક નાગરિક પાળે તો આજના આ ગર્વિષ્ઠ દિવસે દેશઆખાના ચહેરા પર સ્માઇલ હશે, પણ દેશઆખાની ચિંતા તમારે નથી કરવાની એ પણ એટલું જ સાચું છે. મહાત્મા ગાંધીએ પોતાની ફરજ અદા કરી હતી, સરદાર પોતાનું કામ કરતા ગયા. બસ, એવી જ રીતે તમારે પણ એ જ કામ કરવાનું છે અને તમારે પણ એ જ કરતા આગળ વધવાનું છે, એક સરસમજાના સ્માઇલ સાથે. તમારું એ સ્માઇલ આજે દેશને આપેલી સૌથી મોટી ગિફ્ટ ગણાશે.
આપશોને ગિફ્ટ?