સત્ય - ૨૨ દિવસ પહેલાં અને ૨૨ દિવસ પછી

05 June, 2022 02:26 PM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

કાયદાની જાળવણી એ ન્યાયની પ્રક્રિયા છે. આ જાળવણીના માર્ગે ક્યારેક કોઈક અડચણ પેદા થાય ત્યારે સમજફેર થવાનો ભય ખરો, પણ કાળો રંગ સફેદ ન થઈ જાય અને સફેદ રંગ કાળો ન થાય

પ્રતીકાત્મક તસવીર

પૂરા બાવીસ દિવસ સુધી પેલાને જેલમાં રાખ્યો ત્યારે બગલારાજાએ બહાર તળાવમાં અને તળાવની આસપાસ શું કર્યું એ તો રામ જાણે, પણ બાવીસ દિવસ પછી આ રાજાએ આપણને ફરી વાર છાતી ઠોકીને કહ્યું, ‘ના રે ના, આર્યન ખાન તો બોલ્યોય નથી ને ચાલ્યોય નથી. ડાહ્યોડમરો થઈને બેઠો છે. તેણે નથી કોઈ પડીકી ખાધી-પીધી કે નથી તેણે કોઈ પડીકીની હેરાફેરી કરી. તેનો કોઈ વાંક નથી.’

રાજદંડ હાથમાં હોય ત્યારે : મહાભારતમાં યુદ્ધના અંતે બાણશય્યા પર સૂતેલા પિતામહ ભીષ્મે પુત્ર યુધિષ્ઠિરને રાજાના ધર્મો સમજાવ્યા છે. આમાં એક વાત એવી પણ કહી છે કે જે હાથમાં રાજદંડ એટલે કે શાસનતંત્ર સોંપાયું હોય એ હાથે એનો ઉપયોગ બરાબર જાણી લેવો જોઈએ. જ્યાં જરૂર હોય ત્યાં આ દંડનો ઉપયોગ બરાબર થવો જોઈએ અને જરૂરી ન હોય ત્યાં ઉપયોગ કર્યા વિના પણ એના અસ્તિત્વ વિશે લોકોને જાણકારી થવી જ જોઈએ. પિતામહ ભીષ્મની આ શિખામણ આજે પણ એટલી જ સજીવન છે, જો રાજાઓ સમજે તો. 

ઇતિહાસના કોઈ પણ તબક્કે, કોઈ પણ સમાજને એના વ્યવસ્થિત સંચાલન માટે શાસનતંત્ર વિના ચાલ્યું નથી. આ શાસનતંત્ર સમયાંતરે જુદા-જુદા નામે ઓળખાયું છે. ક્યારેક એ રાજા કહેવાયું છે તો ક્યારેક એ લોકશાહી કહેવાયું છે. નામ કોઈ પણ હોય, એના વિના ક્યારેય ચાલ્યું નથી.

લગભગ આઠેક દાયકા પહેલાં શિક્ષણની જે પદ્ધતિ હતી એમાં પ્રાથમિક શાળા તરીકે ઓળખાતી એક નિશાળમાં થોડો સમય ભણ્યો હોવાનું યાદ આવે છે. પાઠ્યપુસ્તક તરીકે ઓળખાવાયેલી સચિત્ર ચોપડીમાંથી શિક્ષક એક વાર્તા કહી સંભળાવતા હતા.

એક હતું તળાવ. તળાવમાં ઘણીબધી માછલીઓ રહે. આ માછલીઓમાં જે મોટી અને બળૂકી હોય એ નાની માછલીઓને મારીને ખાઈ જતી. નાની અને નબળી માછલીઓ આ મોટીથી બહુ ડરતી. (ગલાગલ મત્સ્ય ન્યાય એ તો સનાતન નિયમ કહેવાય!) નાની માછલીઓએ ભગવાનને પ્રાર્થના કરી કે ‘હે પ્રભુ, અમને જીવતા રહેવા દેવા માટે એક રાજા આપો.

આ રાજા પેલાં મોટાં માછલાંઓને અંકુશમાં રાખે.’ ભગવાને એમને એક મોટો પથ્થર આપ્યો અને કહ્યું કે ‘લ્યો, આજથી આ તમારો રાજા.’

રાજા તરીકે પથ્થર તો કંઈ કરે નહીં. હાલ્યાચાલ્યા વિના પડ્યો જ રહે. મોટાં માછલાં તો નાનાંને ખાધા જ કરે. ત્રાસી ગયેલાં નાનાં માછલાં પાછાં ભગવાન પાસે ગયાં  અને કહ્યું, ‘હે પ્રભુ, અમને કામ કરતો રાજા આપો.’ ભગવાને કહ્યું, ‘તથાસ્તુ’. આટલું કહીને ભગવાને એક બગલો તળાવમાં મોકલી દીધો. આ રાજા ત્યારથી આજ સુધી પેલાં મોટાં માછલાંઓ સાથે મળીને નાનાં માછલાંઓનું ભોજન કરતો રહ્યો છે.

અપરાધ કર્યો છે કે નથી કર્યો?

થોડા મહિના પહેલાં આપણામાંના મોટા ભાગે કોઈએ ભાગ્યે જ આર્યન ખાનનું નામ સાંભળ્યું હશે. હવે આજે આપણામાંનો મોટો ભાગ આ નામથી પરિચિત છે. પરિચિત થવા માટે તેણે કંઈ નથી કર્યું. જેકંઈ કર્યું છે એ બીજાઓએ જ કર્યું છે. આર્યન ખાન શાહરુખ ખાનનો દીકરો હોય કે પછી શાહરુખ ખાન આર્યન ખાનનો બાપ હોય એનાથી આપણને કશો ફરક પડતો નથી.
ભગવાને મોકલેલા પેલા બગલારાજાએ એક દિવસ આપણને સૌને છાતી ઠોકીને કહી દીધું, ‘આર્યન ખાનના ખિસ્સામાંથી ડ્રગ્સની પડીકીઓ મળી છે. આર્યન ખાને આ નશીલા અને પ્રતિબંધિત પદાર્થોનું સેવન કર્યું છે. લાંબા સમયથી તે આવા નશીલા પદાર્થોની હેરફેર કરે છે.’ બગલારાજાએ કહ્યું એટલે આપણે એ વાત માની લીધી. રાજા કંઈ ખોટું બોલે? આર્યન ખાન તો જેલમાં ધકેલાઈ ગયો.

પૂરા બાવીસ દિવસ સુધી પેલાને જેલમાં રાખ્યો ત્યારે બગલારાજાએ બહાર તળાવમાં અને તળાવની આસપાસ શું કર્યું એ તો રામ જાણે, પણ બાવીસ દિવસ પછી આ રાજાએ આપણને ફરી વાર છાતી ઠોકીને કહ્યું, ‘ના રે ના, આર્યન ખાન તો બોલ્યોય નથી ને ચાલ્યોય નથી. ડાહ્યોડમરો થઈને બેઠો છે. તેણે નથી કોઈ પડીકી ખાધી-પીધી કે નથી તેણે કોઈ પડીકીની હેરાફેરી કરી. તેનો કોઈ વાંક નથી.’

ન્યાય અને કાયદો શું છે?

બાવીસ દિવસ સુધી જેને જેલના સળિયા પાછળ પૂરતા પુરાવા સાથે રગદોળ્યો હતો એ ગુનેગાર એકાએક દૂધે ધોયેલો થઈ ગયો. બાવીસ દિવસ પહેલાં જેમની પાસે પૂરતા પુરાવા હતા તેમણે જ હાથ ઊંચા કરી દીધા.

રાજા એટલા માટે હોય છે કે તેણે નબળાનું રક્ષણ કરવા માટે નીતિ-નિયમો ઘડવા જોઈએ અને એનો અમલ કરવો જોઈએ. આ નિયમોને કાયદા કહે છે. કાયદાની જાળવણી એ ન્યાયની પ્રક્રિયા છે. આ જાળવણીના માર્ગે ક્યારેક કોઈક અડચણ પેદા થાય ત્યારે સમજફેર થવાનો ભય ખરો, પણ કાળો રંગ સફેદ ન થઈ જાય અને સફેદ રંગ કાળો ન થાય. ક્યારેક લીલા, પીળા, વાદળી કે ભૂરા રંગની સમજફેર થાય પણ ખરી.

કાયદા વિનાની કાયદાપોથી 
વૃક્ષની ડાળીએ કે પછી દીવાલની પછીતે લટકતા મધપૂડાને ક્યારેય ધ્યાનથી જોયો છે? દીવાલના ભોંય પરના કોઈક ખૂણામાં આવ-જા કરતી કીડીઓને ધ્યાનથી જોઈ છે? આ મધપૂડાની મધમાખીઓ અને દરની આસપાસ હારબંધ જતી-આવતી કીડીઓ પાસે કોઈ લેખિત કાયદા નથી હોતા, પણ કાયદાપોથી તો હોય જ છે. આ કાયદાપોથીનો કોઈ અભ્યાસ કોઈ માખી કે કોઈ કીડી કરતી નથી છતાં, બધા જ કાયદા વંશપરંપરાગત તેઓ જાણે જ છે. એના અમલમાં ક્યારેય કોઈ સમજફેર થતી નથી. આપણા રાજાની જેમ બાવીસ દિવસ પહેલાં જે સમજણ હોય એ સમજણ બાવીસ દિવસ પછી પણ એની એ જ રહે છે. ‘નથી’નું ‘છે’ અને ‘છે’નું ‘નથી’ થઈ જતું નથી. આપણા આ રાજાઓએ મધમાખીઓ અને કીડીઓ પાસેથી આટલું તો શીખવા જેવું છે.

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં છે, ન્યુઝપેપરનાં નહીં)

columnists dinkar joshi