02 May, 2023 01:19 PM IST | Mumbai | Shailesh Nayak
ચંદા ઠાકોર
પતિનો સાથ ન હોય કે પછી છૂટી ગયો હોય ત્યારે એકલપંડે સંતાનોનો ઉછેર કરતી સ્ત્રીઓનો સંઘર્ષ ખૂબ વધી જતો હોય છે. જોકે હવેની સિંગલ મૉમ્સ જરાય બિચારી-બાપડી નથી રહી. તેમની હિંમત અને આત્મવિશ્વાસ બુલંદ છે જે તેમના કામની પસંદગીમાં પણ છતાં થાય છે. બસ અને ટેમ્પો ચલાવતી આ સ્ત્રીઓ તેમનાં સંતાનો માટે પ્રેરણાનો જબરદસ્ત સ્રોત છે.
કહેવાય છે કે સ્ત્રી જો એકલી હોય અને મુસીબતમાં આવે તો કદાચ આંસુ સારીને અને હામ હારીને બેસી જાય; પણ જો એ જ સ્ત્રીના ખોળામાં બાળક રમતું હોય તો તેનામાં હકારાત્મકતા, હિંમત, કંઈ પણ કરીને બાળકને ઉછેરવાની હામ આપમેળે ઊગી નીકળે છે. પોતાની સાથે જે વીતી એ પોતાના સંતાન પર ન વીતે એ માટે તે કમર કસી લે છે. તેને જાણે જીવન જીવવાનું લક્ષ્ય મળી જાય છે. તેને કોઈ મુસીબતો, અડચણો, સમાજનાં મહેણાં નડતાં નથી. તેની સામે એક જ ધ્યેય હોય છે સંતાનને ભણાવી-ગણાવીને મોટો માણસ બનાવવાનું. આ હામ માત્ર ભણેલી-ગણેલી સ્ત્રીઓમાં જ હોય છે એવું નથી. ઓછું ભણેલી સ્ત્રીના હૃદયમાં પણ માતૃત્વની લાગણી એટલી જ હિલોળા લેતી હોય છે. બાળકના સારા ભવિષ્ય માટે કાળી મજૂરીનું કામ કરવા તૈયાર થતા પેરન્ટ્સ આપણે જોયા જ છે. આજે મળીએ ગુજરાતની એવી કેટલીક સાદી અને સરળ મહિલાઓને જેમણે આત્મનિર્ભર થઈને સંતાનોનો સ્વમાનભેર ઉછેર થઈ શકે એ માટે એવું કામ પસંદ કર્યું છે જે કદાચ આમ સ્ત્રીઓના વિચારક્ષેત્રની પણ બહાર છે.
દરિયાપુરની ઝાંસીની રાણી
સ્ત્રીઓ પર્સનલ યુઝ માટે સ્કૂટર-કાર ચલાવે એ અલગ વાત છે, પણ હવે સ્ત્રીઓ પુરુષોના પેંગડામાં પગ ઘાલી રહી છે. સાત ધોરણ સુધી ભણેલાં ચંદા ઠાકોરને અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં લોકો ઝાંસીની રાણી કહીને બોલાવે છે; કેમ કે ભલે તેઓ બે દીકરીઓ સાથે એકલાં રહે છે, પણ જિગર ઝાંસીની રાણીથી કમ નથી ધરાવતાં. તેમની બે દીકરીઓ પણ મમ્મીના સાહસ અને મહેનતભર્યા કામથી ગૌરવ અનુભવે છે. ટેમ્પો ચલાવવાનું કામ કરતાં ચંદા ઠાકોરે પુરુષોના વર્ચસવાળા આ કામમાં પણ કાઢું કાઠ્યું છે. ટેમ્પો ચલાવવાનું તેમને કઈ રીતે સૂઝ્યું એની વાત કરતાં ચંદાબહેન કહે છે, ‘મારા પતિએ લોનથી ટેમ્પો લીધો હતો, પણ ડ્રિન્કની આદતને કારણે ક્યારેક તેઓ ચલાવે અને ક્યારેક ન પણ ચલાવે. દિવસ ઊગે અને મારે ડ્રાઇવર શોધવા નીકળવું પડતું હતું. મારા પતિ ક્યારેક એમ જ ગામડે જતા રહે તો પાછા આવે. ટેમ્પો લઈને ધંધે જાય ખરા, પણ સાંજ પડે ઘરે આવે તો કંઈ બતાવે નહીં કે કેટલા પૈસા આવ્યા. આવામાં ઘરનું પૂરું કેવી રીતે કરવું? એક તરફ ઘર ચલાવવાનું ટેન્શન ને ઉપરથી ટેમ્પોની લોનના હપ્તા ભરવાના એટલે થયું કે આ બધી ઝંઝટ કરું એના કરતાં નોકરી કરું તો મહિને મારી પાસે પગાર તો આવે અને છોકરીઓની સેફ્ટી પણ રહે. એટલે પછી ટેમ્પો વેચી માર્યો અને મારા મિસ્ટરને કહી દીધું કે તું તારા રસ્તે જા અને હું મારી જિંદગી જીવી લઈશ. મેં પતિથી છૂટાછેડા લીધા નથી, પણ દીકરીઓના સારા ઉછેર માટે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે થઈને હું તેમનાથી જુદી થઈને મારાં મમ્મી-પપ્પાના ઘરે આવી ગઈ. જનવિકાસ સંસ્થાવાળા ફોર-વ્હીલર ચલાવતાં શીખવે છે એટલે ત્યાંથી ટેમ્પો ચલાવતાં શીખી. ડ્રાઇવિંગ આવડી ગયું, લાઇસન્સ પણ આવી ગયું એટલે ટેમ્પો ચલાવવાની નોકરી મને પણ મળી ગઈ. ચાર વર્ષ સુધી મેં ટ્રાન્સપોર્ટમાં ટેમ્પો ચલાવ્યો અને હમણાં છેલ્લા એક મહિનાથી કાર ચલાવવાનું શરૂ કર્યું છે.’
પોતાની દીકરીઓના ભવિષ્યની વાત કરતાં ચંદા ઠાકોર કહે છે, ‘મારે બે દીકરીઓ છે - પાયલ અને હીનલ. હું ઇચ્છું છું કે મારે મહેનતનાં જે કામો કરવાં પડ્યાં છે એવું મારી દીકરીઓએ ન કરવું પડે. મારી દીકરીઓ પર હું દબાણ નથી નાખતી, પણ મારી મોટી દીકરીને શેફ બનવું છે અને નાની દીકરીને ડૉક્ટર બનાવવી છે. તેમનાં આ સપનાં હું પૂરાં કરીશ. હું એકલી છું તો શું થઈ ગયું, હિંમત જરાય નથી હારી. દીકરીઓ માટે થઈને આજે હું રજા પણ નથી રાખતી, કેમ કે મારી ઇચ્છા છે કે મારી બે દીકરીઓ આગળ વધે અને તેમના માટે હું મહેનત કરી રહી છું. લૉકડાઉનમાં ઘર ચલાવવું ઘણું જ મુશ્કેલ થઈ પડ્યું હતું. કામધંધા બધા બંધ થઈ ગયા હતા. જોકે મને મારા શેઠે ટેમ્પો આપી દીધો હતો અને કહ્યું હતું કે ટેમ્પો લઈ જા અને ચલાવ. એટલે લૉકડાઉનમાં હું ટેમ્પો લઈને શાકમાર્કેટ જતી. ત્યાંથી શાકભાજી લાવીને વેચતી અને એ રીતે મારા ઘરનું ગુજરાત ચલાવતી હતી.’
અમદાવાદની પહેલી બસ-ડ્રાઇવર
બીઆરટીએસની બસ ચલાવતાં રેખા કહાર
અમદાવાદમાં બીઆરટીએસની પ્રથમ મહિલા બસ-ડ્રાઇવરનું બહુમાન મેળવનાર અને પોતાનાં દીકરા અને દીકરીના ભવિષ્યને નજર સમક્ષ રાખીને બીજાં લગ્ન ન કરનાર રેખા કહાર કહે છે, ‘મારા હસબન્ડનું ૨૦૧૫માં ઍક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું. અચાનક જ આવી પડેલી આ મુસીબતમાં હવે બે બાળકો સાથે હું કેમ જીવીશ એ કંઈ સમજાતું નહોતું. મેં બીજાં લગ્ન કરવાનું પણ વિચાર્યું નહીં, કેમ કે મારે મારી દીકરી જાનવી અને દીકરા પ્રિન્સની લાઇફ બનાવવાની હતી. તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે મેં લગ્ન કરવાનું ટાળ્યું. જો કદાચ હું બીજાં લગ્ન કરું અને કોઈ પાત્ર સારું મળ્યું, ના મળ્યું તો બાળકો હેરાન થાય અને હું મારાં બન્ને બાળકોને સારી જિંદગી ન આપી શકું. એના કરતાં મેં નક્કી કર્યું કે મારાં બન્ને બાળકોની લાઇફ હું પોતે બનાવીશ. મારી પરિસ્થિતિ એવી આવી ગઈ કે પતિ મૃત્યુ પામ્યા એટલે મારે એકલા હાથે જ કમાઈને બાળકોને મોટાં કરવાની જવાબદારી આવી ગઈ. એટલે બાળકોના ભવિષ્યને લઈને મારા પતિના મૃત્યુ પછી હું બસ ચલાવતાં શીખી. લાઇસન્સ પણ મળ્યું. પહેલાં હું સ્કૂલ-બસ ચલાવતી હતી, પરંતુ કોરોનાને કારણે સ્કૂલ-બસ બંધ થઈ ગઈ. નોકરી છૂટી ગઈ, પરંતુ હિંમત હારી નહીં અને મને બીઆરટીએસમાં બસ-ડ્રાઇવર તરીકે નોકરી મળી ગઈ. આજે છેલ્લા એક વર્ષથી હું અમદાવાદના વિવિધ રૂટ પર બસ ચલાવું છું.’
આજે જાનવી અને પ્રિન્સ ખુશ છે કે તેમની મમ્મી બસ ચલાવીને આત્મસન્માન સાથે તેમનો ઉછેર કરી રહી છે અને તેમનો અભ્યાસ રુકાવટ વગર ચાલી રહ્યો છે. બાળકોને ખુશ જોઈને રેખા કહાર કહે છે, ‘અમે એકલા રહીએ છીએ ત્યારે હું બાળકોને સારું શિક્ષણ આપવા માગું છું અને તેઓ તેમના પગ પર ઊભા રહે એવા બનાવવા માગું છું. હું મારાં બાળકો માટે મહેનત કરું છું. મને અત્યારે તકલીફ પડે છે. સ્કૂલની ફી ભરવી, ઘરની જવાબદારી એકલા હાથે નિભાવવી મુશ્કેલજનક હોય છે; પણ જ્યારે બાળકની જિંદગી બની જાય ત્યારે એક માતાને જે આત્મસંતોષ થાય એ બીજા કોને થાય? અમે નિષ્ઠાપૂર્વક કામ કરીએ છીએ એટલે પ્રભુ સૌ સારાંવાનાં કરે છે. હું પબ્લિકની વચ્ચે રહીને સિટી બસ ચલાવું છું ત્યારે પૅસેન્જરો પણ મને જોઈને ખુશ થાય છે અને કૉમ્પ્લિમેન્ટ્સ આપતાં કહે પણ છે કે સારી બસ ચલાવો છો. મારા સાથી ડ્રાઇવર-મિત્રો અને અધિકારીઓ મને માન આપે છે તથા મારા પ્રૉબ્લેમમાં મારી સાથે ઊભા રહીને સપોર્ટ પણ કરે છે.’
સમાજ બોલતો રહ્યો, પણ...
શબનમ શેખ
લગ્નના આઠમા મહિને જ વજ્રાઘાત સહન કરીને જીવનનો કડવો ઘૂંટડો પીવો પડ્યો, પણ હોંસલો બુલંદ કરીને પોતાની દીકરી માટે એક માતા એ રીતે બેઠી થઈ કે સમાજ જોતો રહી ગયો. હા, આ એ માતાની વાત છે જે આજે અમદાવાદમાં આત્મસન્માન સાથે એકલા હાથે પોતાની દીકરીનો ઉછેર કરી રહી છે. એ માતા એટલે શબનમ શેખ.
અચાનક જ અંધકારમય બની ગયેલી પોતાની પાછલી જિંદગી પર નજર ફેરવતાં અને હવે આશાના કિરણ સાથે ઊગેલી નવી સવારની વાત કરતાં શબનમ શેખ કહે છે, ‘મારા ઘરવાળા નથી. મારી દીકરી મારી કૂખમાં હતી ત્યારે એક ઍક્સિડન્ટમાં મારા પતિ મૃત્યુ પામ્યા હતા. લગ્નના આઠ મહિનામાં જ મારે આ ફેસ કરવું પડ્યું હતું અને એવડી મોટી મુશ્કેલી મારા માથે આવી પડી હતી. મારા પતિના મૃત્યુ પછી મારી હાલત બહુ ખરાબ હતી. હું મારા પિતાના ઘરે આવી ગઈ. જોકે હું કોઈના પર બોજ બનવા માગતી નહોતી અને બીજી તરફ મારે મારી દીકરી શાહેદાનું ભવિષ્ય જોવાનું હતું. હું દીકરીને ભણાવું, તેનો ખર્ચ ઉઠાવું એટલા માટે નોકરી કરીને મારું અને મારી દીકરીનું પાલન કરવા ઇચ્છતી હતી. મારે પોલીસ બનવું હતું, પણ હું આઠ ધોરણ સુધી જ ભણી શકી છું એટલે મારું સપનું હું મારી દીકરીમાં જોવા માગું છું અને દીકરીને આઇપીએસ બનાવવા માગું છું. અમારે ત્યાં છોકરીઓ બહુ બહાર નીકળતી નથી. મારી એક આન્ટી છે. તેમને લાગ્યું કે જો હું બહાર નીકળીશ તો મારું માઇન્ડ સારું થશે. એટલે તેમણે મને કાર ચલાવતી સંસ્થાનો સંપર્ક કરાવી આપ્યો અને હું કાર શીખી. પછી તો સેલ્ફ-ડિફેન્સની ટ્રેઇનિંગ પણ લીધી અને કાર-ડ્રાઇવર તરીકે જૉબ શરૂ કરી. આજે એ વાતને પાંચ વર્ષ થઈ ગયાં છે. આજે હું મારી પાંચ વર્ષની દીકરી શાહેદા માટે જીવી રહી છું. અમે સારી રીતે જીવન જીવી રહ્યાં છીએ. દીકરીને અંગ્રેજી મીડિયમની સ્કૂલમાં અભ્યાસ કરાવી રહી છું અને તેનું ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે મહેનત કરી રહી છું. મને એ વાતનો સંતોષ છે કે હું આજે મારી અને મારી દીકરીની સંભાળ રાખી રહી છું.’
કાર-ડ્રાઇવર તરીકે કામ શરૂ કરવાની સાથે જ અનેક અવરોધો આવ્યા અને વિરોધ પણ થયો છતાં દીકરી શાહેદાના ભવિષ્યને નજર સમક્ષ રાખીને હિંમત હાર્યા વગર અડચણોને પાર કરીને આગળ વધેલી માતા શબનમ શેખ કહે છે, ‘મારાં મમ્મી સલમાબીબીને ઘણાએ કહ્યું કે છોકરી છે, બહાર ના કાઢો, હાથથી નીકળી જશે, નામ ખરાબ કરશે. જોકે મારી મમ્મીએ મને હિંમત આપી. મેં મારી મમ્મીને કહ્યું કે મારે મારી દીકરીને આગળ લાવવી છે. મારી મમ્મી માની ગઈ તો પપ્પાને મનમાં થોડું લાગી આવ્યું, પણ મેં મક્કમતાથી મારા પપ્પાને કહ્યું કે પપ્પા, હું કામ કરવા જઈશ. લોકો બોલતા રહ્યા અને હું કાર ચલાવતાં શીખી ગઈ.’