મૉન્સૂન મૅજિક : આ વર્ષે કઈ વાતનું ધ્યાન રાખશો તો તમારું જ નહીં, મહારાષ્ટ્રનું ભવિષ્ય પણ સોનેરી બનશે?

05 June, 2022 10:55 AM IST  |  Mumbai | Manoj Joshi

આ મૉન્સૂનને સામાન્ય ચોમાસા તરીકે ઊજવવાને બદલે એને એન્વાયર્નમેન્ટ સાથે જોડીને ઊજવવાની જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર

વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે આવે એટલે આખી દુનિયા પૃથ્વીની ચિંતા કરવામાં લાગી જાય. પાણીનો દિવસ આવે એટલે આપણે તરત જ પાણીની પારાયણ માંડી દઈએ અને પાણી બચાવવાના નુસખા દેખાડવાનનું શરૂ કરી દઈએ. તિથિઓ સાથે આપણા સંબંધ બહુ સારા છે અને આ સારા સંબંધોને લીધે જ આપણે એ દિવસોને પૂરા ઉત્સાહ અને ખંતથી ઊજવી લઈએ છીએ. વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડેના દિવસે સોશ્યલ મીડિયા પર પૃથ્વી માટે રોકકળ કરનારાઓના ઢગલા આપણે સૌએ જોયા છે. આ જે ઢગલો છે એ ઢગલાને બીજા દિવસે જરા પણ યાદ નહોતું કે ૨૪ કલાક પહેલાં તેમણે શું કર્યું અને ૨૪ કલાક પહેલાં તેમણે કેવા-કેવા શપથ લીધા, પણ આ ભૂલવા જેવું નથી. પૃથ્વી જે મિનિટે પોતાની નજર આપણી સામેથી ફેરવશે અને પર્યાવરણ બગાડવાના કામનો જવાબ જે સમયે એ માગશે એ સમયે આપણી પાસે રડવાનો સમય પણ નહીં રહે અને આમ પણ અત્યારે જે પ્રકારે ક્લાઇમેટ બદલાયેલું છે એ પણ દેખાડે જ છે કે આ આપણી પર્યાવરણ તરફની બેદરકારીનું જ આ પરિણામ છે.

આ મૉન્સૂનને સામાન્ય ચોમાસા તરીકે ઊજવવાને બદલે એને એન્વાયર્નમેન્ટ સાથે જોડીને ઊજવવાની જરૂરી છે. સૌરાષ્ટ્રમાં હજી પણ જૂની પેઢીના લોકો દરેક ચોમાસાને આ જ રીતે ઊજવે છે. આ ઉજવણી કેવી રીતે થાય એ પહેલાં જોવાની જરૂર છે.

પહેલા વરસાદની સાથે જ એ વડીલો હાથમાં નાનકડી થેલી લઈ લે કે પછી થેલી ન મળે તો ખિસ્સા ભરી લે બિયારણના. ચીકુ, કેરી, દાડમ, લીંબુનું બિયારણ થેલી કે ખિસ્સામાં ભરીને રસ્તા પર નીકળે અને જ્યાં ખુલ્લાં મેદાન જુએ ત્યાં એ વેરતા જાય. વરસાદના દિવસોમાં એને આપોઆપ પાણી પણ મળતું જાય અને જાતે એ ઊગી પણ નીકળે. આવું કરનારાઓ સાથે વાતો કરવાનો પણ અવસર મળ્યો છે એટલે એવું કરવાનો હેતુ પણ સારી રીતે સમજાય છે.

વેરવિખેર નાખેલા બિયારણમાંથી ઝાડ ઊગી જાય તો ત્યાંથી પસાર થનારા અને આજુબાજુમાં રહેનારાઓને પણ એ ફળના ઝાડનો લાભ મળે, એ ધારે તો એમાંથી ચીકુ કે પછી દાડમ કે લીંબુ લઈ શકે અને પોતાના વપરાશમાં રાખી પણ શકે. બીજી ખાસ વાત એ કે એને ઉગાડવાની ખાસ જહેમત પણ નહીં લેવાની. કુદરત જ પોતાની મહેનતથી એને ઉગાડી પણ દે.

આ મૉન્સૂનમાં આપણે આ કામ કરવા જેવું છે. જ્યાં ખુલ્લી જગ્યા જોવા મળે કે પછી અવાવરું જગ્યામાં કે રસ્તાની બન્ને બાજુએ આ પ્રકારે જો બિયારણ વેરવામાં આવે તો એનો લાભ ભવિષ્યમાં કોઈક ને કોઈકને તો થશે જ થશે. કોઈના લાભમાં પણ રહેશે અને પર્યાવરણ પણ સરસ થશે. ખાસ કરીને આપણે આ કામ હાઇવે પર કરતા જવું જોઈએ. હાઇવેની જમીન પર આમ પણ જંગલ ખાતાના અધિકારી હોય છે એટલે એ લોકો આમ પણ આ ઊગેલા ઝાડનો નાશ કરશે નહીં. જરા વિચારો કે તમે મહાબળેશ્વર જતા હો કે પછી સુરત, વાપી, વલસાડ, વસઈ જતા હો ત્યારે રસ્તામાં અચાનક તમને દાડમનું ઝાડ જોવા મળે અને એમાં દાડમ લટકતાં દેખાય તો કેવી ખુશી થાય. પર્યાવરણ માટે વધારે હેરાન પણ નહીં થવાનું અને જાતે-જાતે આ કામ પણ કરી લેવાનું, કોઈ જાતના વિશેષ શ્રમ વિના. ખરેખર, આ મૉન્સૂનમાં કરવા જેવું કામ આ છે અને એ કરવું જ જોઈએ.

columnists manoj joshi