05 June, 2022 02:22 PM IST | Mumbai | Hiten Anandpara
પ્રતીકાત્મક તસવીર
તને શું દઉં, તને કહી દઉં છું વગેરે અનેક વાક્યો આપણે બોલચાલની ભાષામાં વાપરતા હોઈએ છીએ. ઘરની તિજોરી ખાલી હોય તો પણ શુભેચ્છા, સ્પંદન, લાગણીની, આશીર્વાદની મૂડી તો દરેક પાસે હોવાની. આ મૂડી વહેંચીએ ત્યારે એમાં આપવાનો ભાવ ન હોય, પણ સામી વ્યક્તિનું સારું થાય એવી ઝંખના હોય. કોઈના એકાંતને ઉઝરડો ન પડાય અને કોઈની એકલતાને સાચવી લેવાય. દીપક બારડોલીકર કવિઓને માફક આવે એવો સંગાથ શોધી કાઢે છે...
સહરા છે, ઝાંઝવાં છે, સતત ઊડતો ગુબાર
ને કોઈની તલાશ છે, હું એકલો નથી
બોલો તો આખી સીમ કરી દઉં હરીભરી
મનની અતાગ વાવ છે, હું એકલો નથી
જૂની વાવમાં અનેક કથાઓ સમાયેલી હોય. પગથિયાં ઊતરીને નીચે જઈએ ત્યારે એક અજીબ કિસમની ગંધ ઘેરી વળે. જો ઇતિહાસ વાંચ્યો હોય તો એમાં આલેખાયેલાં પાત્રો અદૃશ્ય સ્વરૂપે હાજર હોય એવું મહેસૂસ થાય. કશું ન સમજાય એવું લાગ્યા કરે. સુનીલ શાહ આ અધૂરપને નિરૂપે છે...
એવું સ્હેજ પણ છે નહીં, વારતા અધૂરી છે
તમને સાચું કહી દઉં છું કે વ્યથા અધૂરી છે
જેમને ન સમજાઈ લાગણી કદી મારી
એમની કદાચિત આ પાત્રતા અધૂરી છે
અન્યનું સંવેદન સમજવા માટે આપણે સભર થવું પડે. આમ તો બધા પાસે સંવેદન હોય જ, પણ ઘણી વાર જિંદગીની હાડમારીમાં કોઈ ધાડ મારીને એને છીનવી જાય. સમયસર કામકાજે પહોંચવાની જવાબદારી હોય, શહેરી પરિવહનમાં ખોટકાયેલી ગતિશીલતા હોય ત્યારે રસ્તા પર લોહીનીંગળતી હાલતમાં પડેલા કોઈ રાહદારી માટે માત્ર પ્રાર્થના કરીને સંતોષ માની લેવો પડે. સંજોગો સંવેદના પર ગજબનું વર્ચસ ધરાવે છે. ગૌરાંગ ઠાકર નગરજીવનની વિષમતા વ્યક્ત કરે છે...
શ્વાસ કાંટાળો ફરે છે દેહમાં
થાય અટકાવી દઉં એની સફર
લઈ ઉદાસી કેટલું ચાલ્યા કરે
એકલો માણસ અને ભરચક નગર
એકલો માણસ ઘણું કરી શકે, પણ સાથીઓ જોડાય તો કાર્યનો વ્યાપ વધી જાય. એકમેકનો સથવારો અનેક તબક્કે જરૂરી હોય છે. સામાજિક જીવનમાં કદાચ એક વાર ચલાવી લેવાય, પણ પારિવારિક જીવનમાં દરાર પડે તો એની આકરી કિંમત આવનારા સમયે ચૂકવવી પડે. રિષભ મહેતા આવા જ કોઈ અંતરની વાત કરે છે...
આપણી મંઝિલ અલગ ને આપણા રસ્તા અલગ
એટલે પડતાં રહ્યાં છે આપણાં પગલાં અલગ
સાદ દઉં તુજને હું, તુજથી ‘એ...ય’ પણ બોલાય ના
આપણા શબ્દો અલગ ને આપણા પડઘા અલગ
અલગ-અલગ પંથે ચાલીને એકતા સાધવાનું કામ થોડું અઘરું તો પડે. ક્યારેક વિચારોનો ભેદ હોય તો ક્યારેક વિસ્તારોનો દ્વંદ્વ હોય. કેટલીયે વાર તો સમાન રસ્તે ચાલનારોમાં પણ અનેક ફિરકા પડી જાય. મૂળ સંસ્થા હોય અને એમાંથી કોઈ ચોકો અલગ કરી નવી સંસ્થા ઊભી કરે ત્યારે બંનેને માર પડે. સંઘશક્તિનો પ્રભાવ ઓછો થાય તો ઉદ્દેશપૂર્તિમાં તકલીફ પડવાની. રાઝ નવસારવી પોતાની તકલીફ બયાં કરે છે...
બૂરા મારે નથી બનવું પરંતુ એટલું કહી દઉં
જગતમાં સારા બનવામાં બહુ તકલીફ પહોંચી છે
તમે દીધું મને રાહતનું ખોટું એક સરનામું
ને એની શોધ કરવામાં બહુ તકલીફ પહોંચી છે
રાહતની વાત કરીએ તો ભારતનો વાર્ષિક જીડીપી ગ્રોથ ૮.૬ ટકા નોંધાયો. રાજકોષીય ખાધ આ વખતે સખણી રહી. ચોમાસું સારું રહેવાનો વર્તારો એજન્સીએ કર્યો છે. રસીકરણને કારણે કોરોનાનો ખોફ અને પ્રકોપ ઓછો થયો છે. મોદી સરકારનું આઠ વર્ષનું રિપોર્ટ-કાર્ડ અને સરકારમાં પ્રજાનો વિશ્વાસ જોઈને વિપક્ષોના મોઢામાં ઊગેલાં મરચાં તીખાશ ગુમાવી બેઠાં છે. ભલભલા ગુનેગારો હવે પકડાવા લાગ્યા છે. હર્ષ બ્રહ્મભટ્ટ કહે છે એ વાત ભ્રષ્ટાચાર નિર્મૂલનને વધારે અસરકારક બનાવે એવી આશા રાખીએ...
જો આપ કહો એક ચમત્કાર કરી દઉં
આ પાનખરોને હું તડીપાર કરી દઉં
ચહેરો જ નહીં સૌના ઇરાદાય બતાવે
થોડોક અરીસાને અસરદાર કરી દઉં
ક્યા બાત હૈ
હું હળાહળ રણને ભીની આંખથી નવડાવી દઉં
હું જ દરિયામાં નદીને ડૂબતી અટકાવી દઉં
ભરબપોરે એક ગોફણ વીંઝી દઈ આકાશમાં
કોઈ સૂતા તારલાની ઊંઘ પણ ઉડાવી દઉં
એકધારા ઘર તરફ આવી રહ્યા ખુન્નસ બની
હું એ ધુમ્મસને બનાવી વાદળાં વરસાવી દઉં
લાશ પડઘાની મળે તો એમ સમજી લેવું કે
ખીણમાં ઊંડે અવાજોનેય હું દફનાવી દઉં
જે રીતે તેં વાતને ધરબી હતી વરસો સુધી
એટલાં વરસો હવે આ જિંદગી થંભાવી દઉં?
ચેતન શુક્લ ચેનમ
ગઝલસંગ્રહ : પથ્થરની નાવ