શું તમે પોતાની જાતને રાજકુમારી સમજો છો?

07 June, 2022 11:08 AM IST  |  Mumbai | Ruchita Shah

આ એક જાતની માનસિક બીમારી છે. દરેક એજ-ગ્રુપની મહિલાઓના વ્યવહારમાં આવી રહેલા આવા બદલાવો નિષ્ણાતો નોંધી રહ્યા છે એ વિશે વાત કરીએ

શું તમે પોતાની જાતને રાજકુમારી સમજો છો?

સતત ડગલે ને પગલે આવું લાગતું હોય અને એ વ્યવહારમાં પણ છલકાય, માનસિકતામાં ભૌતિકવાદ ચરમસીમાએ હોય, વ્યવહારમાં આત્મશ્લાઘા પરાકાષ્ઠાએ હોય - આવાં લક્ષણોને ચીન અને કોરિયામાં પ્રિન્સેસ સિન્ડ્રૉમ કહે છે. આ એક જાતની માનસિક બીમારી છે. દરેક એજ-ગ્રુપની મહિલાઓના વ્યવહારમાં આવી રહેલા આવા બદલાવો નિષ્ણાતો નોંધી રહ્યા છે એ વિશે વાત કરીએ

એક રિયલ કિસ્સાથી વાતની શરૂઆત કરીએ. મુંબઈના એક જાણીતા કૉસ્મેટોલૉજિસ્ટના ક્લિનિકમાં રિસેપ્શન એરિયામાં અમુક દરદીઓ પોતાની અપૉઇન્ટમેન્ટના સમય પ્રમાણે આવીને બેઠા છે. શાંતિપૂર્ણ માહોલ છે અને બધા પોતપોતાના કામમાં વ્યસ્ત છે. ત્યાં અચાનક મા-દીકરીની એક જોડી રિસેપ્શન એરિયામાં પ્રવેશે છે. તેમનો અવાજ જરૂર કરતાં વધારે મોટો છે, સ્વરમાં તોછડાઈ છે. દરેકનું ધ્યાન ખેંચાય એ રીતે તેઓ ક્લિનિકના રિસેપ્શનિસ્ટ સાથે વાતની શરૂઆત કરે છે. ‘ડૉક્ટર ક્યાં છે? અમારે તેમને મળવું છે.’
ત્યાં બેસેલી રિસેપ્શનિસ્ટ પોલાઇટલી જવાબ આપે છે કે ‘સર હજી ક્લિનિક આવ્યા નથી. કેમ તમારી અપૉઇન્ટમેન્ટ છે આજે?’ 
દીકરી તાત્કાલિક જવાબ આપે છે, ‘ના અપૉઇન્ટમેન્ટ નથી પણ મળવું તો છે અત્યારે જ.’
‘સર, દસેક મિનિટમાં પહોંચશે. તમે અહીં વેઇટ કરો. જેવું અપૉઇન્ટવાળાનું ચેકઅપ પતશે કે હું તમને અંદર મોકલી દઈશ.’ 
એ વાત પર બન્ને મા-દીકરી અકળાઈ ગઈ. ‘ના, પહેલાં અમે જઈશું.’
એ દરમ્યાન તેમણે તેમની પહેલાં અપૉઇન્ટમેન્ટ હતી એવી બે મહિલાઓને કહી દીધું કે  ‘અમે પહેલાં જઈશું, તમે પછી જજો.’ ત્યાં જ બેસેલા પુરુષોને તો તેમણે પૂછવાની પણ તસ્દી ન લીધી. 
આ ઘટનામાં હાજર પાર્લાના એક રહેવાસીનો આ સ્વાનુભવ છે. પોતાને કંઈક વિશેષ ગણવું અને પોતાની સામે બીજા તો કંઈ છે જ નહીં એવા ઍટિટ્યુડ સાથે સતત પોતાની સુપિરિયારિટી પ્રૂવ કરતા જવી એ બાબત મહિલાઓમાં તમે ઑબ્ઝર્વ કરી છે? ચીન, વિએટનામ અને સાઉથ કોરિયા જેવા ઈસ્ટ અને સાઉથ ઈસ્ટ એશિયાઈ દેશોમાં ટીનેજ છોકરીઓમાં અતિપ્રમાણમાં આત્મશ્લાઘા, ભૌતિક વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ અને સુપિરિયોરિટીના ભાવને એક બીમારી તરીકે જોવામાં આવે છે. પ્રિન્સેસ સિન્ડ્રૉમ, પ્રિન્સેસ ડિસીઝ, પ્રિન્સેસ સિકનેસ વગેરે નામથી ઓળખાતા આ બિહેવિયરમાં પોતે જાણે રાજકુમારી હોય એ રીતનો વ્યવહાર તેમના દ્વારા થતો હોય છે. આકાશને આંબે એવી અપેક્ષાઓ, અવાસ્તવિક માપદંડો અને જાત માટેની એવી ઊંચી ધારણા અને જીદ જેમાં તેઓ જે માગે એ બધાએ ત્યારેને ત્યારે હાજર કરવું પડે. પ્રિન્સેસ સિન્ડ્રૉમ પર વધુ વિગતવાર વાત કરીએ જાણીતાં સાઇકોલૉજિસ્ટ અને રિલેશનશિપ કાઉન્સેલર દીપલ મહેતા સાથે. 
ઑફિશ્યલ નથી આપણે ત્યાં
ફેરી ટેલની દુનિયામાં જીવવું અને દુનિયામાં જે શ્રેષ્ઠ છે એ જ મને મળે અને એના માટે હું જ અધિકારી છું એનું ઑબ્સેશન હોવું. સતત પોતાના દેખાવને લઈને કૉન્શિયસ રહેવું. આવા સેલ્ફ-સેન્ટ્રિક બિહેવિયર અને એના માટે ગમે તે સ્તર પર વાતને લઈ જવી એ બાબત પ્રિન્સેસ સિન્ડ્રૉમ તરીકે અમુક દેશોમાં બીમારીના રૂપમાં જોવાય છે. જોકે આપણે ત્યાં એવું નથી એમ જણાવીને દીપલ મહેતા કહે છે, ‘ક્લિનિકલ રિસર્ચમાં પ્રૂવ થયેલી આ બાબત નથી પરંતુ છતાં પણ બિહેવિયરવાઇઝ આવું આપણે ત્યાં પણ જોવા તો મળે જ છે. ખાસ કરીને હવે આપણે ત્યાં પણ ઓન્લી ચાઇલ્ડનો કન્સેપ્ટ જોર પકડી રહ્યો છે ત્યારે એકની એક દીકરીને બધાં જ લાડ લડાવવા માગતા પેરન્ટ્સ તેને વાસ્તવિકતા સાથે પરિચય કરાવવાનું ચૂકી જાય છે અને દીકરી ઓવરરેટેડ સેલ્ફ ઇમેજને કારણે બાકી બધાને ગણકારે જ નહીં એવું ટીનેજ ગર્લ્સમાં જોવા પણ મળે છે. જોકે ભારતમાં એક વિચિત્ર ટ્રેન્ડ આજકાલ જોવા મળી રહ્યો છે. મેં અને મારા જેવા ઘણા કાઉન્સેલર્સે આ ઑબ્ઝર્વ કર્યું છે જેમાં માત્ર યંગ ગર્લ્સ જ નહીં પણ મિડલ એજ મહિલાઓ અને ઘણી વાર સિનિયોરિટીની ઉંમરે પહોંચી ગયેલી મહિલાઓ પણ આત્મશ્લાઘામાં રાચતી જોવા મળે છે. ઘણા કિસ્સાઓ આવે છે અમારી પાસે જેમાં પતિપત્ની વચ્ચેના પ્રૉબ્લેમ્સમાં પણ મહિલાઓના સ્વ માટેનાં વધુ પડતાં ઊંચાં ધોરણો જવાબદાર હોય.’
બનતું શું હોય છે?
‘મેં કહ્યું એ તો થવું જ જોઈએ.’ ‘મને જોઈતી વસ્તુ હું માગું ત્યારે મળવી જ જોઈએ.’ ‘દુનિયા મારા પ્રમાણે ચાલે અને ન ચાલે તો હું રડવા માંડું અથવા તો જાતજાતનાં ટૅન્ટ્રમ્સ થ્રો કરું.’ ‘હું તો બધી હાઇફાઇ વસ્તુ જ વાપરું’, ‘આઇફોનની નવી સિરીઝ માર્કેટમાં લૉન્ચ થાય એ પહેલાં એ મારી પાસે હોવો જોઈએ’ આવા અઢળક આગ્રહોને તમે પ્રિન્સેસ સિન્ડ્રૉમ કૅટેગરીમાં મૂકી શકો છો. જોકે આવા આગ્રહો માત્ર મહિલાઓ જ કે માત્ર ટીનેજ યુવતીઓે જ રાખે એવું જરૂરી નથી. કોઈ પણ વ્યક્તિમાં એ હોઈ શકે છે. દીપલ મહેતા કહે છે, ‘જેમને સતત સેન્ટર ઑફ અટ્રૅક્શન રહેવું ગમતું હોય અને જેઓ સતત એના માટે પોતાના બનતા પ્રયાસો કરે અને પોતાનું ધાર્યું કરવા માટે ગમે તે હદ સુધી જઈ શકે વિચાર્યા વિના એ બાબતોને સમયસર જો ટૅકલ કરવામાં ન આવે તો આગળ જતાં એ પર્સનાલિટીને ઘણી રીતે જોખમમાં પણ મૂકી શકે છે. આવા ઘણા કિસ્સાઓ હું તમારી સાથે શૅર કરી શકું છું. જેમ કે પાર્લામાં રહેતા એક પરિવારમાં બ્રેકઅપ સુધી વાત પહોંચી. કપલ વચ્ચે બધું જ નૉર્મલ હતું. જોકે દીકરી મોટી થઈ ગઈ અને તે પોતાની રીતે સેલ્ફ-ડિપેન્ડન્ટ થઈ ગઈ એટલે વાઇફ ફ્રી થઈ ગઈ. આટલાં વર્ષ પોતે માત્ર બીજા માટે જ જીવી છે, હવે પોતાના માટે જીવવું જોઈએ એમ લાગતાં વાઇફે ઘર તરફ સંપૂર્ણ દુર્લક્ષ્ય શરૂ કર્યું. મોંઘાં કપડાં ખરીદવાનાં, મોંઘી વસ્તુઓ લેવાની અને રોજ તૈયાર થઈને નવી રેસ્ટોરાંમાં જવાનું, ફોટો લેવાના, સોશ્યલ મીડિયા પર મૂકવાના અને લોકોને પોતાની તરફ આકર્ષાયેલા રાખવા ગમે તે હદ સુધી જવાનું. આવું બિહેવિયર લાંબો સમય ચાલતાં નૅચરલી ઘરમાં ઝઘડા શરૂ થયા. આવું જ એક સિનિયર લેડીમાં ઑબ્ઝર્વ કરેલું. ૮૨ વર્ષનાં આ બહેન નવાં-નવાં કપડાં પહેરીને રેગ્યુલર નાચ-ગાન હોય એવા પ્રોગ્રામમાં જાય. પોતે હજી પણ કેટલાં સુંદર લાગે છે એની વાતો કરે. પોતાની સ્કિનને સાચવવા દિવસ રાત મચેલાં રહે. દેખીતી રીતે આવા સંજોગોમાં ફૅમિલી સાથેની ટર્મ્સ બગડે. લાંબા સમય સુધી દબાયેલી રહેલી મહિલાઓ પણ ઘણી વાર થોડોક સમય મળતાં અતિશય આઉટવર્ડ થઈ જતી હોય છે જે તેમની ફૅમિલી લાઇફમાં કેઓસ ઉત્પન્ન કરે છે.’
સેલ્ફ-ડિસ્ટ્રક્ટિવ
ઘરમાં જ્યારે બે દીકરીઓ હોય અને એમાંથી જો આવા પ્રિન્સેસ સિન્ડ્રૉમથી પીડાતી હોય તો તે બીજા સિબલિંગ માટે પણ ટૉર્ચરનું કારણ બને છે. દીપલબહેન કહે છે, ‘પોતે જ સર્વ શ્રેષ્ઠ છે અને બીજા બધા તેનાથી ઊતરતા છે આવા ભ્રમમાં જીવનારી છોકરીઓનો ભ્રમ તૂટે છે ત્યારે તેમને માટે તેનો સ્વીકાર ખૂબ અઘરો બનતો હોય છે. જેમ કે સ્કૂલમાં તેના કરતાં તેના સિબલિંગના માર્ક્સ વધારે આવે કે તેના બદલે કોઈ બીજાનાં વખાણ થઈ જાય તો તે સહી નથી શકતી. આમાં ઈર્ષ્યા, ઇન્સિક્યૉરિટી અને કમ્પેટિટિવનેસ એટલી વધારે હોય છે કે પોતાનું ધાર્યું ન થાય તો એક્સ્ટ્રીમ કેસમાં મરવા, મારવા સુધી વાત પહોંચી જાય છે. આવા નેચર સાથે સોસાયટીમાં ઍડ્જસ્ટ થવામાં તેમને ખૂબ તકલીફ થાય છે. મિત્રો તેમના ઓછા હોય છે એટલે સાઇકોલૉજિકલી ઇમ્બૅલૅન્સ્ડ હોવું તેમને માટે સામાન્ય હોય છે. મટીરિયાલિસ્ટિક વસ્તુઓનો ક્રેઝ તેમને એટલો વધારે હોય કે હ્યુમન ઇમોશન્સ, ફીલિંગ્સને તેઓ પૂરતા પ્રમાણમાં સમજી જ ન શકે.

ઘરમાં બે દીકરીઓ હોય અને એક પ્રિન્સેસ સિન્ડ્રૉમથી પીડાતી હોય તો તે બીજા સિબલિંગ માટે ટૉર્ચરનું કારણ બને છે.

કરવું શું?

સૌથી પહેલાં તો તમારામાં કે તમારા બાળકમાં સુપિરિયોરિટી કૉમ્પ્લેક્સ હોય અને પોતાની ઇચ્છા પ્રમાણે જ બધું થઈ રહ્યું હોય એવો આગ્રહ હોય તો એ વાસ્તવિકતાને સમજો અને સ્વીકાર કરો તેનો. દીપલ મહેતા કેટલીક ટિપ્સ આપતાં આગળ કહે છે, ‘આ દુનિયામાં ઘણા એક્સપર્ટ છે, ઘણા બુદ્ધિશાળી છે અને તમારા કરતાં બહેતર હોય એવા સેંકડો લોકો છે. તમારા બાળકને પણ આ વાસ્તવિકતા સમજાવો અને તમે પણ સમજો. કંઈક નબળાઈઓ તમારામાં અને તમારા બાળકમાં હોય તો એ સહજ છે અને એને એમ જ સ્વીકારવાની હોય. બધામાં તે બેસ્ટ ન બની શકે. તમે શ્રેષ્ઠ હોઈ શકો પણ સર્વશ્રેષ્ઠ હોવાની ભ્રાંતિમાંથી બહાર નીકળવું જોઈએ. સતત લોકોનું અટેન્શન મેળવવા માટે ગમે તે કર્યા કરવું એ વાસ્તવિક દુનિયાથી દૂરની બાબત છે. આવાં લક્ષણો દેખાય તો એક્સપર્ટને મળીને તેમનું કાઉન્સેલિંગ કરાવવું જોઈએ. પોતાને પ્રિન્સેસ માનવું ખરાબ નથી પરંતુ પોતે એક જ પ્રિન્સેસ છે અને બાકી તેની આજુબાજુના લોકોને દાસ 
માનીને ગમે તેમ બિહેવ કરવું એ ખરાબ લક્ષણ છે. તમારા પોતાનામાં કે તમારાં સંતાનોમાં આ ઍટિટ્યુડ દેખાય તો નિષ્ણાતની મદદ લો તાત્કાલિક, કારણ કે લાંબા ગાળે આવી માનસિકતા વ્યક્તિને સુસાઇડલ થૉટ્સ તરફ ધકેલે છે.’

columnists ruchita shah