ઘરનો દરવાજો ખોલ્યો અને સામે તે, મારી આંખો ખુલ્લી રહી ગઈ, તેની પણ

07 June, 2022 11:40 AM IST  |  Mumbai | Sarita Joshi

કહે છેને કે સપ્તપદી તો ઉપરથી જ નક્કી થઈ જતી હોય છે. એ સાવ સાચું છે અને મારા જીવનમાં તો મેં આ વાતનો સાક્ષાત્કાર થતો જોયો છે

રંગભૂમિના એ દિવસો દરમ્યાનની એક તસવીરી યાદ.

‘અહીં તે શું કામ આવ્યો હતો?’
રાજકુમાર બે દિવસ દેખાયો નહીં એટલે મેં મારી રીતે અને સાવ જ સહજ લાગે એ રીતે પૃચ્છા કરવાનું શરૂ કર્યું. એ દરમ્યાન ખબર પડી કે એ ખાસ રિહર્સલ્સ જોવા આવ્યો હતો. રિહર્સલ્સ અને અમારી નાટક-કંપનીની કામગીરી જોવા. એ સમયમાં થિયેટ્રિકલ કંપનીમાં કાવસજી ખટાઉનું નામ બહુ મોટું. બહુ મોટું એટલે તમને કહ્યું હતું એમ, તેમનાથી લાઇનની શરૂઆત થાય. તેમની નાટક-કંપની તો શોખથી ચાલતી, એના પર ફૅમિલીનો નિભાવ નહોતો. આલ્ફ્રેડ ખટાઉ થિયેટ્રિકલ કંપનીનાં નાટકો પણ એવાં મોંઘાદાટ હોય. મેં મનોમન ધારી લીધું કે કદાચ નાટકનું કંઈક શીખવવા માટે તેને અહીં મોકલ્યો હશે, પણ હશે, એ આવ્યો અને ગયો.
આવ્યો અને ગયો અને સમય જતાં તો હું પણ તેને વીસરી ગઈ. હા, ક્યાંક કોઈ બહુ સૉફિસ્ટિકૅટેડ યંગસ્ટર જોવા મળે તો તે અલપઝલપ યાદ આવી જાય, પણ જે કાચી ઉંમર હતી એ ઉંમરે તો યાદ પણ કેવી હોય. પાંચમી મિનિટે તમે કામ પર લાગો અને છઠ્ઠી મિનિટ મન પરથી પેલી યાદનો ભાર હળવો થઈ જાય. બીજી પણ એક વાત હું કહીશ. મારે તેની સાથે કોઈ વાત થઈ નહોતી. કોઈ ચર્ચા પણ નહીં. બસ, આંખોની જ ઓળખ અને એ ઓળખ પણ કેવી, નજર મળે કે નજર ફેરવી લઈએ એવી, પણ સાહેબ, કહે છેને ડેસ્ટિની. તકદીર તમારાં તમામ ચોકઠાં ગોઠવતી હોય છે. તમે જુઓ મારું જીવન. દરેક પગલે મેં મારા ભૂતકાળને છોડીને વર્તમાનને સ્વીકાર્યું છે અને જેવો એ સ્વીકાર કર્યો છે કે તરત જ ભૂતકાળે નવેસરથી મને ડેસ્ટિનીએ ડિઝાઇન કરેલા રસ્તા પર વાળી દીધી છે.
lll
મુંબઈ નાટક માટે ગઈ અને નાટકો એમ જ રહી ગયાં અને દિલ્હી પહોંચી ગઈ. દિલ્હી જઈને હું જીવનની આંટીઘૂંટીમાં અટવાઈ અને બધું જ સહર્ષ સ્વીકારતી થઈ ત્યાં આઈ આવીને મને ફરી વડોદરા લઈ આવી. વડોદરા જઈને શું કરવું અને કેવી રીતે નવો શુભારંભ કરીશ એ વિશે વિચારું ત્યાં જ મને ઈરાની શેઠનું મળી જવું અને ઇન્દુમાંથી સરિતાનો જન્મ થવો. જન્મની સાથે જ નવેસરથી થિયેટરની દુનિયાનું ખૂલવું. આંખને ગમે એવો રાજકુમાર જોવો. મનમાં, હૈયામાં ક્યારેય અનુભવ્યા ન હોય એવાં સ્પંદનોનો સાક્ષાત્કાર થવો અને અચાનક જ તેનું ચાલ્યા જવું.
ચાલ્યા જવું અને ફરીથી પાછા આવી પણ જવું. સાહેબ, એ જે પ્રિન્સને મેં નાનપણમાં જોયો હતો એ બીજું કોઈ નહીં, પણ પદ્‍માના હસબન્ડનો કઝિન બ્રધર હતો અને એ વાત પણ સાવ અનાયાસ જ મારી સામે આવી.
lll
‘અમલદાર’ની તૈયારીઓ ચરમસીમા પર ચાલતી હતી એ દિવસોની વાત છે. નક્કી થઈ ગયું હતું કે નાટક આપણે કાઠિયાવાડના જામનગર શહેરથી ઓપન કરવું. તડામાર તૈયારી ચાલે અને એ તૈયારી વચ્ચે એક દિવસ આઈ મારી સામે આવી ગઈ.
‘ઇન્દુ, આજે થોડી મોડી જાય તો ન ચાલે?’
આઈએ મને આદેશ નહોતો આપ્યો, તેણે મને પૂછ્યું હતું અને આઈના શબ્દોમાં રહેલી નરમાશ જોઈને મને મોડું થતું હતું તો પણ મેં રોકાવાનું નક્કી કરી લીધું.
‘વધારે વાર નહીં આઈ, પણ હું અડધો કલાક મોડી જઈશ તો ચાલશે...’ મેં આઈને કહ્યું હતું, ‘મારી મોટા ભાગની તૈયારીઓ થઈ ગઈ છે એટલે ઈરાની શેઠ કંઈ બોલશે નહીં.’
‘હા, પણ તું ચિંતા ન કર, તેઓ પણ અત્યારે અહીં જ આવે છે.’
‘કેમ?’
મને નવાઈ લાગી હતી. રાતે તો તેમણે એવું કંઈ કહ્યું નહોતું. ઊલટું, બધાને તાકીદ કરી હતી કે કોઈએ મોડું આવવું નહીં અને અત્યારે તેઓ અહીં આવે છે, સરપ્રાઇઝ.
‘અરે, તેમના કોઈ રિલેટિવ આવ્યા છે, તેને લઈને પદ્‍માના દીકરાને જોવા આવે છે...’
‘ઠીક છે...’
વધારે લપ કર્યા વિના હું પણ આઈને કામમાં હાથ દેવડાવવામાં લાગી ગઈ અને થોડી વારમાં ઘરનો દરવાજો ખખડ્યો.
‘ઇન્દુ, જોને આવ્યા લાગે છે...’
કિચનમાં કામ કરતી આઈએ મને કહ્યું અને હું દોડતી દરવાજો ખોલવા ગઈ.
જઈને મેં દરવાજો ખોલ્યો અને...
સામે એ જ પ્રિન્સ, જેને મેં કલકત્તામાં જોયો હતો. બધું સેમ જ હતું તેનું. કોઈ ચેન્જ નહોતો આવ્યો. જ્યારે મેં તેને પહેલી વાર જોયો ત્યારે હું ૧૨-૧૩ વર્ષની અને તે સોળેક વર્ષનો. આજે, હું સોળેક વર્ષની અને તે અઢાર-વીસ વર્ષનો, પણ એ જ નજાકત, એ જ સૌમ્યતા અને ચહેરા પર એ જ ચમક.
મને જોઈને તે સ્તબ્ધ થઈ ગયો. હું પણ તેને જોતી જ રહી ગઈ. શરૂઆત આંખોથી વાતો કરવાની થઈ અને એ પછી એ વાતો શબ્દો સુધી પહોંચી. એ દિવસની વાત કરું તો ચા-નાસ્તો આપીને હું પણ 
ત્યાં બેઠી. વાત કરવાની શરૂઆત પણ તેણે જ કરી. 
‘તમે, તમે શું કરો છો?’
‘અરે, આપણા નાટકની લીડ ઍક્ટ્રેસ છે... શું ઍક્ટિંગ કરે છે, શું ઍક્ટિંગ કરે છે... ઑડિયન્સ જોતું જ રહી જાય.’ હું કંઈ કહું એ પહેલાં ઈરાની શેઠે જવાબ આપી દીધો, ‘આવ્યો જ છો તો નવું નાટક અમારું જોઈને જજે. બહુ મજા આવશે.’
‘હા, આવજો તમે... ’
મારા હોઠ સહેજ ફફડ્યા અને તેણે આવવાની હા પાડી.
મેં તમને કહ્યું એમ, ‘અમલદાર’ નાટકનો પહેલો શો જામનગરમાં હતો અને તે એ શો જોવા માટે આવ્યો હતો. મને પાક્કું યાદ છે કે અમારાં ગ્રૅન્ડ રિહર્સલ્સ ચાલતાં હતાં ત્યારે પણ તે એક પણ વાર જોવા માટે નહોતો આવ્યો. એક વાર અમે એમ જ બહાર મળી ગયાં અને મેં તેને ગ્રૅન્ડ રિહર્સલ્સ જોવા આવવા માટે કહ્યું, પણ તેણે ના પાડી દીધી.
‘ના, બધાની સાથે...’
અને સાહેબ, તેણે નાટક બધા સાથે ઑડિયન્સમાં બેસીને જોયું અને એ પણ પહેલો શો. જોકે એ શો તો મારે માટે જુદો જ શો હતો. મારી આંખ સામે માત્ર અને માત્ર મારો પર્ફોર્મન્સ હતો અને એ એવું રહ્યું કે ચાલુ નાટકે લોકો રડે, ચાલુ નાટકે લોકો ઊભા થઈ-થઈને તાળીઓ પાડે. નાટક પૂરું થયું ત્યારે સ્ટૅન્ડિંગ ઓવેશન મળ્યું અને પાંચ મિનિટ સુધી એકધારી તાળીઓ પડતી રહી. જામનગરનો રાજવી પરિવાર પણ નાટક જોવા આવ્યો હતો અને શહેરના બીજા અનેક મોટા અને નામી લોકો પણ નાટક જોવા આવ્યા હતા. 
હું હિરોઇન બની ગઈ, સરિતાદેવી અને પછી તો એક પછી એક નાટકો સાથે આગળ વધતી ગઈ. ઈશ્વરે હવે પોતાનો રંગ દેખાડ્યો. જે જૂનાં નાટકોમાં મેં નાનપણમાં કામ કર્યું હતું એ નાટકોમાંથી પણ હિટ નાટકોને ફરીથી શરૂ કરવામાં આવ્યાં. એ નાટકોમાંથી મને આજે પણ એક નાટક યાદ છે, ‘અનોખી પૂજા’. આ નાટકમાં રાણી પ્રેમલતા મેઇન રોલ કરતાં હતાં. ‘અમલદાર’ના અઢળક શો થયા અને એ પછી નવું નાટક કરવાની વાત આવી એટલે ઈરાની શેઠે ‘અનોખી પૂજા’ નાટક નવેસરથી કરવાનું નક્કી કર્યું, જેમાં રાણી પ્રેમલતા જે રોલ કરતાં હતાં એ રોલ કરવાનું મને કહેવાયું.
નાટકોની આવી જ વાતો અને એક વાર અલોપ થયા પછી ફરીથી સામે આવેલા પેલા પ્રિન્સની બીજી વાતો આપણે કરીશું હવે આવતા મંગળવારે, પણ સાહેબ, કોરોનાએ જરાતરા દેખાવાનું શરૂ કર્યું છે અને આપણી સરકારે પણ માસ્ક પહેરવાની અરજ કરી છે તો ખોટા ઓવર કૉન્ફિડન્સમાં રહેવાને બદલે નવેસરથી ચીવટ રાખવાનું શરૂ કરી દેજો. હવે બંધ કશું નથી થવાનું, પણ તકેદારી રાખવામાં કશું ખોટું પણ નથીને.

columnists sarita joshi