News In Short: રૂપિયો ડૉલર સામે ફ્લૅટ બંધ રહ્યો

07 June, 2022 03:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીજી તરફ ભારતીય શૅરબજારમાં નરમાઈ હતી અને ઑઇલ આયાતકારો દ્વારા પણ ભાવ વધી રહ્યા હોવાથી ડૉલરની માગ વધી રહી છે

પ્રતીકાત્મક તસવીર

ભારતીય રૂપિયો ડૉલર સામે સરેરાશ ફ્લૅટ બંધ રહ્યો હતો. રિઝર્વ બૅન્કની મૉનિટરી પૉલિસી કમિટીની બેઠક આજથી ત્રણ દિવસ માટે શરૂ થઈ છે અને બુધવારે એનો નિર્ણય જાહેર કરશે, જેમાં વ્યાજદરમાં ૦.૪૦થી ૦.૫૦ ટકાનો વધારો થાય એવી સંભાવના દેખાઈ રહી છે, જેની અસર પણ રૂપિયા પર જોવા મળી રહી છે.

ભારતીય રૂપિયો સોમવારે ૭૭.૬૭ પર ખૂલ્યો હતો અને દિવસ દરમ્યાન નબળો પડીને ૭૭.૬૮૭૫ સુધી પહોંચીને છેલ્લે ૭૭.૬૪ની સપાટી પર બંધ રહ્યો હતો. શુક્રવારે ભારતીય રૂપિયો ૭૭.૬૩૫૦ પર બંધ રહ્યો હતો. આમ સરેરાશ ફ્લૅટ જેવો જ બંધ રહ્યો હતો.

બીજી તરફ ભારતીય શૅરબજારમાં નરમાઈ હતી અને ઑઇલ આયાતકારો દ્વારા પણ ભાવ વધી રહ્યા હોવાથી ડૉલરની માગ વધી રહી છે, જેની અસર પણ રૂપિયા પર જોવા મળી હતી. પરિણામે રૂપિયો વધુ સુધરવાને બદલે ફ્લૅટ રહ્યો હતો.

વર્ક ફ્રૉમ હોમ હજી પણ યથાવત્ રહેશે : ક્રિસિલ

સરળ ઍક્સેસ માટે શહેરી કેન્દ્રોમાં આ ક્ષેત્રની માગમાં વધારો

કોવિડ-19 રોગચાળા પછી વર્ક ફ્રૉમ હોમ એક વાસ્તવિકતા બની ગયું હોવાથી રિયલ એસ્ટેટ સંશોધન એજન્સીના જણાવ્યા અનુસાર, કાર્યકારી જગ્યાઓની માગ વધી રહી છે, જે કર્મચારીઓની સરળ ઍક્સેસ માટે શહેરી કેન્દ્રોમાં અનુકૂળ રીતે સ્થિત કાર્યસ્થળને સમાવી શકે એમ ક્રિસિલે જણાવ્યું હતું. એ એક માત્ર વ્યવસાય નથી જે સ્થાવર મિલકતના માલિકો આ પ્રકારે વધુ સ્થિતિસ્થાપકતા શોધી રહ્યા છે, મિલકત વિકાસકર્તાઓ અને મકાનમાલિકો પણ કામના ભાવિ માટે જરૂરિયાત-આધારિત ઇકોસિસ્ટમ બનાવવાનું સતત મૉડલ શોધી રહ્યા છે, જ્યાં વર્કિંગના હાઇબ્રિડ મૉડલ સ્વીકાર્ય ધોરણો બની રહ્યા છે, એમ ક્રિસિલે કહ્યું હતું.

આંતરરાષ્ટ્રીય પૅસેન્જર ટ્રાફિક પ્રી-કોવિડના ૮૫ ટકા સુધી પહોંચશે

૨૭ માર્ચ બાદ કમર્શિયલ ફ્લાઇટ શરૂ થવાને પગલે ટ્રાફિટ વધ્યો

ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફર્મેશન ઍન્ડ ક્રેડિટ રેટિંગ એજન્સી (ઇકરા)એ સોમવારે આ નાણાકીય વર્ષ દરમિયાન કોરોના પહેલાંના વૉલ્યુમના ૮૦-૮૫ ટકા પર ભારતીય ઍરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરોના ટ્રાફિકના એના અંદાજમાં સુધારો કર્યો છે.
આવા પ્રવાસીઓનું પ્રમાણ મે મહિનામાં પ્રીકોવિડ સ્તરના ૭૨ ટકાને સ્પર્શી ગયું છે.
આંતરરાષ્ટ્રીય મુસાફરોની માગમાં તીવ્ર વધારો મુસાફરી પ્રતિબંધનાં ધોરણો અને પૅસેન્જર માગને પગલે માર્ચના અંતમાં સુનિશ્ચિત ફ્લાઇટ કામગીરી ફરી શરૂ થવાના પગલે આવી હતી, એમ ઇકરાએ એક અહેવાલમાં જણાવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય ટ્રાફિક માગને આગળ ધપાવતાં મુખ્ય સ્થળો દક્ષિણપૂર્વ એશિયા, મધ્યપૂર્વ અને યુરોપ છે.
કોવિડ-19 રોગચાળા વચ્ચે બે વર્ષના વિરામ બાદ ૨૭ માર્ચે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું કમર્શિયલ સંચાલન ફરી શરૂ થયું. એ સમયગાળા દરમ્યાન ‘વંદે ભારત મિશન’ અને કેટલાક દેશો સાથે દ્વિપક્ષીય ‘ઍર ટ્રાન્સપોર્ટ બબલ’ કરાર હેઠળ વિશેષ ફ્લાઇટ્સ દ્વારા આંતરરાષ્ટ્રીય કામગીરી અમુક દેશો સુધી મર્યાદિત હતી.

આઇસી૧૫ ઇન્ડેક્સ ૨૪૪૧ પૉઇન્ટ ઊછળ્યો

દુબઈસ્થિત શૉપિંગ મૉલ અને રીટેલ સ્ટોરની કંપની મજિદ અલ ફુટ્ટેમે બિનાન્સ પે મારફતે ડોઝકૉઇન, બીટકૉઇન અને ઇથેરિયમમાં પેમેન્ટ સ્વીકારવાની જાહેરાત કરી છે. મજિદ અલ ફુટ્ટેમે આના માટે બિનાન્સ સાથે સહયોગ સાધ્યો છે. કંપનીએ બિનાન્સની સાથે મળીને અનેક બ્લૉકચેઇન પ્રોજેક્ટ્સ પર કામ કરવાનું પણ નક્કી કર્યું છે. એમાં એનએફટીનું બિનાન્સ માર્કેટપ્લેસ પર લિસ્ટિંગ કરવાનો સમાવેશ થાય છે. 
ચીનમાં કોરોના સંબંધિત નિયંત્રણો હળવાં કરવામાં આવ્યાં તેની સારી અસર ક્રીપ્ટોકરન્સી માર્કેટ પર થતાં આઇસી૧૫ ઇન્ડેક્સમાં ૨,૪૪૧ પોઇન્ટનો ઉછાળો આવ્યો છે. બિટકોઇન પણ ૫.૭૦ ટકા વધીને ૩૧,૪૦૦ ડૉલરની આસપાસ ચાલી રહ્યો છે. આ જ રીતે ઈથેરિયમમાં ૬.૩૨ ટકાના ઉછાળા સાથે તેનો ભાવ ૧,૯૦૩ ડૉલર થઈ ગયો છે. કાર્ડાનોમાં ૧૦.૨૯ ટકા, સોલાનામાં ૧૧.૧૧ ટકા, ડોઝકોઇનમાં ૧.૯૧ ટકા અને પોલકાડોટમાં ૩.૭૩ ટકાનો વધારો થયો છે. માર્કેટનું કુલ કૅપિટલાઇઝેશન પણ ૫ ટકાની વૃદ્ધિ સાથે ૧.૨૯ ટ્રિલ્યન ડૉલર થયું હતું.  અન્ય એક અહેવાલ મુજબ ચીનના બિલ્યનેર જેક મા સંચાલિત એન્ટ ગ્રુપે સિંગાપોરમાં ડિજિટલ બૅન્ક - એનેક્સ્ટ શરૂ કરવાની જાહેરાત કરી છે. નાનાં તથા મધ્યમ કદનાં એકમોને ડિજિટલ નાણાકીય સેવાઓ પૂરી પાડવા માટે આ સાહસની સ્થાપના થઈ છે. અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૬.૨૬ ટકા (૨,૪૪૧ પોઇન્ટ) ઉછળીને ૪૧,૪૪૧ પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૩૯,૦૦૦ ખૂલીને ૪૧,૫૬૧ સુધીની ઉપલી અને ૩૮,૮૫૭ પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. 

ભારતનો ગલ્ફ દેશો સાથેના વેપારમાં સતત વધારો થયો

યુએઈ અને સાઉદી અરેબિયા સહિત ગલ્ફ કો-ઑપરેશન કાઉન્સિલ જૂથના તમામ છ સભ્યો સાથે ભારતનો દ્વિપક્ષીય વેપાર ૨૦૨૧-’૨૨માં બન્ને પ્રદેશો વચ્ચે વધતાં આર્થિક સંબંધોને કારણે નોંધપાત્ર રીતે વધ્યો છે. વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર ભારતની નિકાસ ૨૦૨૦-’૨૧માં ૨૭.૮ અબજ ડૉલરની સામે સામે ૨૦૨૧-’૨૨માં ૫૮.૨૬ ટકા વધીને લગભગ ૪૪ અબજ ડૉલરની થઈ ગઈ છે. ભારતની કુલ નિકાસમાં આ છ દેશોનો હિસ્સો ૨૦૨૦-’૨૧માં ૯.૫૧ ટકાથી વધીને ૨૦૨૧-’૨૨માં ૧૦.૪ ટકા થયો છે. એ જ રીતે આયાત ૨૦૨૦-’૨૧માં ૫૯.૬ અબજ ડૉલરની સરખામણીમાં ૮૫.૮ ટકા વધીને ૧૧૦.૭૩ અબજ ડૉલરની થઈ છે.

સેબી દ્વારા મ્યુચ્યુઅલ ફન્ડની ઍડ્વાઇઝરી કમિટીનું પુનર્ગઠન

આરબીઆઇના ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નરની અધ્યક્ષતામાં હવે કુલ ૨૫ સભ્યો સામેલ

સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી)એ મ્યુચ્યુઅલ ફન્ડ પર એની સલાહકાર સમિતિનું પુનર્ગઠન કર્યું છે. ૨૫ સભ્યોની સલાહકાર સમિતિની અધ્યક્ષતા રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાનાં ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર ઉષા થોરાત કરશે, અગાઉ પૅનલમાં ૨૪ સભ્યો હતા.
નિયમનકારે એનજે ઇન્ડિયા ઇન્વેસ્ટના ચૅરમૅન નીરજ ચોકસીને સલાહકાર સમિતિમાં સામેલ કર્યા છે. અન્ય સભ્યોમાં એસબીઆઇ મ્યુચ્યુઅલ ફન્ડના સ્વતંત્ર ટ્રસ્ટી સુનીલ ગુલાટી અને ડીએસપી મ્યુચ્યુઅલ ફન્ડના સ્વતંત્ર ટ્રસ્ટી ધર્મિષ્ઠ નરેન્દ્રપ્રસાદ રાવલ સહિત બીજી અન્ય કેટલીક કંપનીના વડાનો સમાવેશ થાય છે. અસોસિએશન આ.ફ મ્યુચ્યુઅલ ફન્ડ્સ ઇન ઇન્ડિયાના ચૅરમૅન એ. બાલાસુબ્રમણ્યન પણ આ પૅનલનો ભાગ છે. ઉપરાંત બીએસઈ, એનએસઈ અને કમ્પ્યુટર એજ મૅનેજમેન્ટ સર્વિસિસના વડાઓને પણ આમાં સામેલ કરાયા છે.

business news