પ્રોવિડન્ટ ફન્ડમાં વર્ષે ૨.૫ લાખ રૂપિયા કરતાં વધુ રકમ જમા કરાવનારાઓએ ધ્યાનમાં રાખવા જેવો નવો નિયમ

20 December, 2023 02:47 PM IST  |  Mumbai | Nitesh Buddhadev

ઈપીએફ યોજના કલ્યાણકારી યોજના છે. જેમની આવક ઘણી વધારે છે તેઓ સામાન્ય વર્ગના લોકો માટેની આ યોજનાનો વધુપડતો લાભ લઈ જાય નહીં એવો ઉક્ત ફેરફાર પાછળનો ઉદ્દેશ છે

પ્રતીકાત્મક તસવીર

સરકારે તાજેતરમાં કર્મચારી ભવિષ્ય નિધિ (એમ્પ્લૉઇઝ પ્રોવિડન્ટ ફન્ડ - ઈપીએફ) પરનો વ્યાજનો દર ૮.૧ ટકા જાહેર કર્યો છે. આ વ્યાજદર ૧૯૭૭-૭૮ પછીનો સૌથી ઓછો દર છે.
આની પહેલાં ઈપીએફ બાબતે કેન્દ્રીય બજેટ ૨૦૨૧માં એક મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો હતો. એ ફેરફાર મુજબ ઈપીએફમાં દર વર્ષે ૨.૫ લાખ રૂપિયાથી વધુ જેટલી રકમ હશે એના પર મળનારા વ્યાજની આવક કરપાત્ર બનશે. 
ઈપીએફ યોજના કલ્યાણકારી યોજના છે. જેમની આવક ઘણી વધારે છે તેઓ સામાન્ય વર્ગના લોકો માટેની આ યોજનાનો વધુપડતો લાભ લઈ જાય નહીં એવો ઉક્ત ફેરફાર પાછળનો ઉદ્દેશ છે. ઊંચી આવક રળનારાઓ ઈપીએફ અકાઉન્ટમાં વધુ ભંડોળ જમા કરાવીને કરમુક્ત વ્યાજ મેળવતા આવ્યા છે. આ ફેરફારને પગલે હવે તેમની કરમુક્ત આવક મર્યાદિત થઈ જશે. 
અહીં જણાવવું રહ્યું કે આ ફેરફાર ઈપીએફ અકાઉન્ટમાં જમા કરાતા એમ્પ્લોયીના ભંડોળને લાગુ પડે છે, એમ્પ્લોયરના યોગદાનને નહીં. આમ, જેઓ સ્વૈચ્છિકપણે ઈપીએફમાં વર્ષેદહાડે ૨.૫ લાખ કરતાં વધારે રકમ જમા કરાવે છે તેમને પણ આ જોગવાઈ લાગુ પડશે.
આ મુદ્દાને એક સરળ ઉદાહરણ દ્વારા સમજીએ. સાથે નીચેનો કોઠો પણ જોઈએ.
સરળ શબ્દોમાં કહીએ તો વર્ષે બેઝિક પગાર વત્તા મોંઘવારી ભથ્થા સહિતની ૨૦.૮૩ લાખ રૂપિયાની આવક મેળવનારાઓને આ ફેરફારની અસર થશે. 
ઉપરાંત, જે ઈપીએફ સબસ્ક્રાઇબર્સને એમ્પ્લોયર તરફથી કોઈ યોગદાન મળતું નથી, તેમના માટે ઈપીએફમાં કરાતા રોકાણ માટેની કરમુક્ત મર્યાદા ૫ લાખ રૂપિયા છે. સરકારી કર્મચારીઓના કિસ્સામાં પણ ૫ લાખ રૂપિયાની મર્યાદા છે. 
સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસે (સીબીડીટી) ઑગસ્ટ ૨૦૨૧માં જાહેર કર્યું હતું કે દરેક નાણાકીય વર્ષમાં ઈપીએફમાં ૨.૫ લાખ કરતાં વધુ રકમ જમા કરાવનારા કર્મચારીઓએ બે અલગ-અલગ અકાઉન્ટ રાખવાં પડશે. એક અકાઉન્ટ કરપાત્ર અને બીજું કરમુક્ત. બે અલગ ખાતાં રાખવાને લીધે આવકવેરા ખાતાને આ સાધન પર આપવામાં આવતાં કરમુક્ત અને કરપાત્ર વ્યાજની ગણતરી કરવાનું સહેલું પડશે.
સીબીડીટીએ બહાર પાડેલું એ નોટિફિકેશન નાણાકીય વર્ષ ૨૦૨૧-’૨૨થી લાગુ કરવામાં આવશે. આ નિયમ અમલમાં આવી ગયો હોવાથી કરદાતાએ જાણવું જરૂરી કે તેમણે નવું ખાતું ખોલવા માટે મહેનત કરવાની જરૂર નથી, કારણ કે જો તેમનું યોગદાન વર્ષે ૨.૫ લાખ રૂપિયા કરતાં વધુ છે તેમનું અલગ ખાતું એમ્પ્લૉઇઝ પ્રોવિડન્ટ ફંડ ઑર્ગેનાઇઝેશન જાતે જ ખોલી દેશે. આ ખાતું યુએએન (યુનિવર્સલ અકાઉન્ટ નંબર) હેઠળ આપમેળે ખૂલી જશે.
અહીં એ જણાવવું રહ્યું કે સંબંધિત નાણાકીય વર્ષમાં કરાયેલા ઉપાડને ધ્યાનમાં લીધા બાદ જ વ્યાજ પરના કરની ગણતરી કરવામાં આવશે. 
આમ, ઉપરોક્ત ઉદાહરણના આધારે જોઈએ તો વ્યક્તિ ‘સી’ અને ‘ડી’ માટે કરપાત્ર અને કરમુક્ત એમ બે ખાતાં ખૂલી જશે. આ વ્યક્તિઓએ વધારાની રકમ પર મળેલા વ્યાજની આવક પોતાના આવકવેરાના રિટર્નમાં દેખાડવી પડશે.

સવાલ તમારા…

મારા પીપીએફ અકાઉન્ટની ૨૦૨૧ની ૩૧ માર્ચે ક્લોઝિંગ બૅલૅન્સ પાંચ લાખ રૂપિયા છે અને નાણાકીય વર્ષ ૨૦૨૧-’૨૨ દરમિયાન ઈપીએફમાં મારું યોગદાન ૩ લાખ રૂપિયા છે. મારા ઈપીએફ પરના વ્યાજનો કરપાત્ર હિસ્સો કેવી રીતે નક્કી કરવામાં આવશે?
નાણાકીય વર્ષ ૨૦૨૧-’૨૨ માટે ઈપીએફના ૨.૫ લાખ રૂપિયાની ઉપરના યોગદાન પર મળતું વ્યાજ કરપાત્ર બને છે. તમારું યોગદાન ૩ લાખ રૂપિયા હોવાથી ૨.૫ લાખની ઉપરની એટલે કે ૫૦,૦૦૦ રૂપિયાની રકમ પર મળનારું વ્યાજ કરપાત્ર બનશે.

business news